ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનો સેમિનારઃ અમેરિકા રોકાણની કેટલી છે તક?

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (જીસીસીઆઇ) દ્વારા ડલાસ, ટેક્સાસમાં રોકાણકારો માટે વિશેષ સેમિનાર આયોજન કર્યું હતું. (ફોટોઃ ગુજરાત ટાઈમ્સ સંકલન)

 

 

અમદાવાદઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (જીસીસીઆઇ)એ ડલાસ ટેક્સાસમાં રોકાણકારો માટે વિશેષ સેમિનાર યોજ્યો હતો, જેનો હેતુ હતો અમેરિકામાં રોકાણની તકને પારખવાનો હતો. ટેક્સાસના બિલિયન ડોલરનું ટર્નઓવર ધરાવતા પરફેક્ટ બિઝનેસ ગ્રુપના ડિરેક્ટર્સની હાજરીને કારણે તેનું મહત્ત્વ વધી ગયું હતું.
પ્રારંભમાં ગુજરાત ચેમ્બરના પ્રમુખ ડો. જયમીન વસાએ સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું કે 21મી સદીમાં અર્થતંત્રનાં પરિમાણો બદલાવા લાગ્યાં છે. આમ છતાં એ વાતમાં કોઈ શંકા નથી કે હજી પણ અમેરિકામાં બિઝનેસ અને શિક્ષણ માટેની સૌથી સારી તકો ઉપલબ્ધ છે. આ પ્રસંગે જીસીસીઆઇની એનઆરજી કમિટીના કો-ચેરમેન મનહર પટેલે ચેમ્બરના એનઆરજી સેન્ટર દ્વારા ચાલતી પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો.
પરફેક્ટ ગ્રુપના ચેરમેન મહેશ ઠક્કરે અમેરિકન સમાજની વિશેષતાઓનો ચિતાર આપ્યો હતો. તે સમજવામાં આવે તો તેનાથી બિઝનેસમાં ફાયદો થાય છે. કેશલેસ ઇકોનોમી, ભ્રષ્ટાચારથી મુક્ત તંત્ર, મજબૂત ન્યાયપ્રણાલી અને તેના કારણે મળતો ઝડપી ન્યાય તથા સંશોધનો માટેના આઇડિયાને પણ સંરક્ષણ મળે છે. અમેરિકા તકની ભૂમિ છે અને કોઈ પણ બુદ્ધિશાળી અને પ્રામાણિક વ્યક્તિ મહેનત કરે તેને કલ્પનાતીત સફળતા મળે છે. પરફેક્ટ ગ્રુપના સીઈઓ સૌમિલ ઠક્કરે કહ્યું છે પાંચ લાખ ડોલરનું રોકાણ કરીને ગ્રીન કાર્ડ મેળવવામાં ઘણા ફાયદા છે. આ રીતે થયેલું મૂડીરોકાણ પાંચથી સાત વર્ષમાં પરત મળી જાય છે. ગ્રીન કાર્ડની સાથે કોઈ પણ વ્યવસાય અને બિઝનેસ કરવાની મોકળાશ મળે છે તે સૌથી મોટો ફાયદો છે. મફતમાં શિક્ષણ, સરળતાથી ધિરાણ, આરોગ્યની સુવિધાઓ અને પેન્શનના લાભો મળે છે તે પણ ખરા એમ તેમણે સમજાવ્યું હતું.
રિયલ એસ્ટેટ ડિવિઝનના સીઈઓ પૂર્વેશ ઠક્કરે જુદા જુદા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટની માહિતી આપી હતી. સાથે જ તેમણે અમેરિકામાં રિયલ એસ્ટેટના વેચાણમાં ઘ્ખ્ભ્ રેટની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે તે સમજાવ્યું હતું. આ પ્રસંગે વક્તાઓએ જે રીતે ગુજરાતના લોકોને કઈ રીતે રોકાણમાંથી ફાયદો થઈ શકે છે તે સમજાવવા બદલ વક્તાઓનો અને તથા ગ્રુપ ડિરેક્ટરોનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે તેમણે વક્તાઓને મોમેન્ટો પણ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. અમેરિકામાં રોકાણ દ્વારા ગુજરાતના લોકોને કમાણીની તક માટેનો સેમિનાર રોકાણકારોને પણ સફળતા અપાવશે તેવી લાગણી સૌએ વ્યક્ત કરી હતી.