‘ગુજરાત અત્ત્યારે ભગવાન ભરોસે છે’!  :  હાઇકોર્ટે કરી સરકારની કડક આલોચના

 

અમદાવાદઃ બેકાબૂ બનેલા કોરોનાના ઉપદ્રવ વચ્ચે ગુજરાતની હાલતને આરોગ્ય કટોકટી સમાન ગણાવીને સુઓમોટો જનહિત અરજી દાખલ કરનાર ગુજરાત હાઈકોર્ટે મંગળવારે વધુ જલદ રૂખ અપનાવતા રાજ્યમાં કથળીને નિષ્ફળ પુરવાર થઈ રહેલી સ્વાસ્થ્ય વ્યવસ્થા મુદ્દે ગુજરાત સરકારનો ઉધડો લેતા કહ્યું હતું કે, રાજ્ય ભગવાન ભરોસે આવી ગયું છે. રાજ્યમાં રેમડેસીવીરની તંગીથી માંડીને હોસ્પિટલોમાં ખૂટી પડેલી પથારીઓ સુધીનાં મુદ્દે હાઇકોર્ટેે સણસણતા સવાલો કરીને રાજ્ય સરકારનાં કાન આમળ્યા હતાં. 

કોવિડ-૧૯ની સ્થિતિ સંભાળવામાં રાજ્ય સરકારની ઢીલી નીતિઓ સામે સ્પષ્ટ શબ્દોમાં ભારોભાર નારાજગી વ્યક્ત કરતા સુઓમોટો જાહેર હિતની અરજી (પીઆઇએલ)ની સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને સવાલો કર્યા હતા. રેમડેસિવિર ઈન્જેક્શન એક જ જગ્યાએ કેમ મળે છે? લોકોને ઘરે બેઠા ઈન્જેક્શન કેમ નથી મળી શકતા? હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં છે તો પછી હોસ્પિટલ બહાર ૪૦ એમ્બ્યુલન્સની લાઈન કેમ લાગે છે? તેવા સવાલો અને અન્ય રાજ્યોને બદલે ગુજરાતની ચિંતા કરો તેવું કહેતા હાઈકોર્ટે તુરત આકરાં પગલાં લેવા સરકારને તાકીદ કરી છે. પીઆઇએલની હવે આગામી ૧૫મીએ સવારે ૧૧ વાગ્યે વધુ સુનાવણી થશે. 

સરકાર ૧૪મી સુધી જે પણ પગલાં લે તેની એફિડેવિટ આગામી ૧૫મીની સુનાવણીમાં રજૂ કરવાનું રહેશે. હાઇકોર્ટે આગળ ટકોર કરતાં કહ્યું હતું કે, આપણે આટલા આધુનિક છીએ તેમ છતાંય કેમ આ પરિસ્થિતિ છે? ટેસ્ટિંગના રિપોર્ટ ત્રણ દિવસે કેમ મળે છે?, સામાન્ય માણસને આરટીપીસીઆર ટેસ્ટના રિઝલ્ટ માટે ૪, ૫ દિવસ, જ્યારે વીઆઇપી કોઈ હોય તો સાંજ સુધીમાં રિપોર્ટ મળી જાય છે, પ્રાઇવેટ હોસ્પિટલમાં કેમ રેમડેસિવિર ઉપલબ્ધ નહીં થાય? ઝાયડસ હોસ્ટિપલની બહાર લાંબી લાઈન હતી. કેમ કોઈ એક એજન્સી પાસે જ બધો કંટ્રોલ છે?, રોજના ૨૭,૦૦૦ ઇન્જેક્શન ક્યાં જાય છે? બધાને ઇન્જેક્શન મળવા જ જોઈએ. ઓગસ્ટમાં કેસો ઘટી ગયા પછી ફેબ્રુઆરી પછી સરકાર ભૂલી ગઈ કે કોરોના છે. સ્વામીનારાયણ સંપ્રદાય છે, ચર્ચ છે ઘણી બધી એનજીઓ છે તો તેમના મારફતે કોવિડ કેર સેન્ટર, કિચન શરૂ કરાવો. બૂથ વાઇઝ કામ કરો, લગ્નમાં ૧૦૦ને બદલે ૫૦ માણસોને મંજૂરી આપવી જોઈએ. અત્યારે લોકો ભગવાનના ભરોસે છે, સરકારની અમુક નીતિઓથી અમે પણ નારાજ છીએ, લોકોને એવો તો ભરોસો કરાવો કે તમે કશું કરી રહ્યા છો. ગુજરાતમાં સરકાર દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે ચિતાર આપતાં એક તબક્કે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યું હતું કે, અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં ઓછા કેસ આવી રહ્યાં છે. ત્યારે હાઈકોર્ટે ઉકળાટ ઠાલવતા કહી દીધું હતું કે, આપણે ગુજરાતમાં છીએ અને અહીં ગુજરાતની સ્થિતિની જ ચર્ચા થશે. આ સાથે જ કેન્દ્ર સરકારને પણ આડેહાથ લેતા અદાલતે કહ્યું હતું કે, કેન્દ્ર રાજ્યોને સૂચના આપે અને કામ આપે નાહિંતર અદાલત રાજ્ય સરકારને નિર્દેશ આપશે. 

હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયાની બેંચે મંગળવારે સુઓમોટો હેઠળ નોંધેલી પીઆઇએલની સુનાવણી હાથ ધરી હતી. ગુજરાત સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી રજૂઆત કરી રહ્યા છે. જેમાં ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ સુનાવણીમાં ઓનલાઇન ભાગ લીધો હતો. મીડિયાએ જવાબદારી નિભાવી સરકાર વતી એક સમયે આ સુનાવણીમાં એવી દલીલ કરાઈ હતી કે મીડિયામાં આવતા અહેવાલો તથ્યહીન અને બેજવાબદારીભર્યા છે. આ દલીલ સાંભળતાં જ ચીફ જસ્ટિસ વિક્રમનાથની અધ્યક્ષતા હેઠળની બેન્ચે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેમણે સરકારને પોતાની કામગીરી પર ધ્યાન આપવાનું કહીને ઉમેર્યું હતું કે, પ્રસાર માધ્યમો એટલે કે મીડિયાના અહેવાલોમાં તથ્ય નથી એવું કહી ન શકાય. અમે પણ મીડિયા અહેવાલો અને વાસ્તવિક પરિસ્થિતિ બંને જોઈએ છીએ. ઊલટાનું મીડિયા અત્યારે જવાબદારીપૂર્વકનું પત્રકારત્વ કરી રહી છે. ચૂંટણીનાં બૂથવાઈઝ આંકડાનો ઉપયોગ કેમ નહીં? રાજ્ય સરકારની રાજકીય ઈચ્છાશક્તિ ઉપર અપ્રત્યક્ષ ટોણો મારતાં કોર્ટે કહ્યું હતું કે ચૂંટણી માટે બૂથવાઇઝ આંકડા અને સોસાયટીના લિસ્ટ હોય છે તમારી પાસે તે આયોજનને કેમ કામે ન લગાડી શકાય? 

લોકડાઉન અસંભવ ગણાવતી સરકાર લોકડાઉનની શક્યતા નકારતાં સરકાર પક્ષેથી કહેવામાં આવ્યું હતું કે, ગત વર્ષે લોકડાઉન એ ભારત સરકારનો નિર્ણય હતો પરંતુ લોકડાઉન એ ઉકેલ કે ઈલાજ નથી. લાખો લોકોની હિજરત થશે. રોજેરોજનું કમાઈને ખાતા લોકોને ખૂબ હાલાકી ભોગવવી પડશે