ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો દ્વારા યોજાયેલી યોગ શિબિર

પ્લેનો (ટેક્સાસ)ઃ ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનોની મિટિંગ 21મી માર્ચના રોજ સાંજે 5.30 વાગ્યે ટેક્સાસના પ્લેનોમાં આવેલા મિનરવા હોલમાં મળી હતી.


મિટિંગ શરૂ થતાં પહેલાં પ્રમુખ જયકૃષ્ણભાઈ પટેલે સૌ ભાઈ-બહેનોનું સ્વાગત કર્યું હતું. સોસાયટીના સેક્રેટરી સુભાષ શાહે ગઈ મિટિંગનો અહેવાલ રજૂ કર્યો હતો. ત્યાર પછી યોગશિક્ષક પ્રીતિબહેન તલાટીએ સૌ સિનિયર સિટિઝન ભાઈ-બહેનોને 45 મિનિટ સુધી યોગાસનો કરાવ્યાં હતા અને રોજ યોગ કરવાથી થતા ફાયદાની સમજણ આપી હતી. દરરોજ યોગ કરવાથી રિલેક્સ થવાય છે અને શરીર તંદુરસ્ત રહે છે, રોગો થતા નથી અને મુુક્ત રહેવાય છે. ‘ઓમ’ના મ્યુઝિક સાથે તેમણે કપાલભાતી, ભસિ્ત્રકા પ્રાણાયામ, સુખમય પ્રાણાયામ, ખુરસી પર બેસીને સૂર્યનમસ્કાર કરાવેલા. આ યોગ સેશનમાં લગભગ 130 સભ્યો ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.

આ માસમાં જે સિનિયર સિટિઝન ભાઈ-બહેનોનો બર્થ-ડે આવે છે તેમને જોઇન્ટ સેક્રેટરી સુભાષ તલાટી દ્વારા બર્થડે કાર્ડ આપીને તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું તથા હર્ષિકાબહેન ગાંધી દ્વારા સંસ્કૃતમાં અને ઇંગ્લિશમાં બર્થ-ડે ગીત ગાવામાં આવ્યું હતું. સભ્યોએ સંસ્થાને યથાયોગ્ય દાન આપ્યું હતું.

આ વખતની મિટિંગના કાર્યક્રમ દરમિયાનનું ડિનરનાં સ્પોન્સર રૂપલબહેન શાહ અને પીયૂષભાઈ શાહ હતાં.
રૂપલબહેનની માતાની પુણ્યતિથિ નિમિત્તે આ ડિનર સ્પોન્સર કરવામાં આવ્યું હતું. પાણીની બોટલ સરોજબહેન અને ધીરુભાઈ ભુવાએ સ્પોન્સર કરી હતી. કાર્યક્રમના અંતે સૌ સભ્યોએ દરેક સ્પોન્સર અને યોગશિક્ષક પ્રીતિબહેનનો આભાર માન્યો હતો.