ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન અને કલાકુંજ દ્વારા ‘ગુજરાતનો ટહુકો’ કાર્યક્રમ


હ્યુસ્ટનંઃ ગુજરાતીપણાનો અહેસાસ કરાવતી સર્જનાત્મક સંસ્થા કલાકુંજના સાહિત્યપ્રેમી રસેશ દલાલ અને ગુજરાતી સમાજના મસ્તમોજીલા નાટ્ય અભિનેતા ગિરીશ નાયકે, આ વર્ષે, 12 મી મેઐ હ્યુસ્ટનના સ્ટેફોર્ડ સિવિક સેન્ટરમાં લગભગ 900 જેટલા પ્રેક્ષકો સમક્ષ, ‘ગુજરાતનો ટહુકો’ નામે સુંદર કાર્યક્રમ રજૂ કર્યો હતો.
ગીત, સંગીત, નૃત્ય, નાટકથી ઓપતા કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય અને ગરવી ગુજરાત અંગેના એક ઓડિયો-વિડિયો બાદ, સંગીતના એક અદ્ભુત કાર્યક્રમથી અલ્પા શાહ, દિલીપ નાયક, ડોક્ટર ઓમકાર દવે, જિજ્ઞા દોશી અને ઉદયન શાહે પોતાના ભાવવાહી કંઠે સુંદર ગુજરાતી રચનાઓ પ્રસ્તુત કરી હતી. આ સંગીતના કાર્યક્રમનું સંચાલન રસેશ દલાલે પોતાની લાક્ષણિક શૈલિમાં કર્યું હતું. ઇલેક્ટ્રિક ઓર્ગન અને તબલાં પર કાકા-ભત્રીજા એવા દિલીપ નાયક અને ડોક્ટર રિષભ નાયકે સાથ આપ્યો હતો.
હ્યુસ્ટનની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના બ્રાન્ડ એમ્બેસેડર એવાં પીઢ નાટ્યકલાકાર ઉમા નગરશેઠ અને નાટ્યકલાકાર યક્ષા ભટ્ટના દિગ્દર્શન હેઠળ એક હેતુલક્ષી નાટક ‘શુકન-અપશુકન’ ભજવવામાં આવ્યું, જેમાં અક્ષય શાહ, અલ્પા શાહ, ડોક્ટર રિષભ નાયક, અને શિવાની પટેલ જેવા કલાકારોએ અભિનયનાં અજવાળાં પાથર્યાં હતાં. અપશુકન અંગેની વહેમી માન્યતાઓ પર ચાબખા મારીને, અંધશ્રદ્ધાનો પર્દાફાશ કરતા આ નાટકને પ્રેક્ષકોએ ઉમળકાભેર વધાવ્યું હતું. કાર્યક્રમની બીજી શિરમોર રજૂઆત ઉમા નગરશેઠે રજૂ કરી હતી. તેમણે કસ્તુરબાની મોનો એક્ટિંગ કરી હતી. કસ્તુરબાના જીવનની કેટલીક ઘટનાઓને પોતાના અભિનયથી સ્ટેજ પર એકલપંડે પ્રસ્તુત કરીને ઉમાબહેન છવાઈ ગયાં હતાં. છેલ્લા દષ્યમાં તો ઘણા સહ્રદયી પ્રેક્ષકોની આંખો ભીની થઈ ગઈ હતી.
ગુજરાતની સંસ્કૃતિની વાત હોય એટલે રાસ-ગરબા તો આવે જ. આરાધના ગ્રુપ, ખુશ્બૂ ગ્રુપ, શક્તિ ગ્રુપ, ગુજરાતી સમાજ ગ્રુપ તથા અન્ય નૃત્ય સંસ્થાઓની કલાકાર બહેનોએ સુંદર ગરબા રજૂ કર્યા હતા. નમિતા-યોગિનાના દિગ્દર્શન હેઠળ રજૂ થયેલો સિનિયર બહેનોનો ગરબો અને ખુશ્બૂ ગ્રુપના ગરબા તથા નૃત્ય-ઉપાસના દ્વારા રજૂ થયેલા ફોક ડાન્સે સારું એવું આકર્ષણ જમાવ્યું હતું. યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટનનાં તરવરિયાં યુવાન-યુવતિઓએ ઇલેક્ટ્રિફાઇડ રાસ-ગરબાએ સારો રંગ જમાવી દીધો હતો
હ્યુસ્ટનના નાટ્યાચાર્ય અને કલાકુંજ તથા હ્યુસ્ટન નાટ્યકલા વૃંદ જેવી સંસ્થાઓના ભીષ્મ પિતામહ તરીકે આદરણીય સ્થાન ધરાવતા મુકુંદ ગાંધીએ હવે પછી કલાકુંજ દ્વારા હિન્દી ભાષામાં રજૂ થનારા ઐતિહાસિક પ્રેમકથાઓના કાર્યક્રમ પ્રેમ રતન ધન પાયો અંગે માહિતી આપી હતી. ગુજરાતી સમાજના પ્રમુખ ગિરીશ નાયકે, ગુજરાતી ગબ્બર સિંહની હાસ્યપ્રધાન સ્કિટ રજૂ કરી હતી. અલબત્ત, ગબ્બર સિંહનું પાત્ર ગિરીશભાઈએ જ ભજવેલું. વિનય વોરા સાંભા, નવીન બેન્કર કાલિયાના રોલમાં અને અન્ય સાથીદારો તરીકે અક્ષય શાહ અને શૈલેશ દેસાઈ હતા.
આ વખતના સોવેનિયરની વાત કર્યા વગર આ અહેવાલ અધૂરો જ ગણાય. સામાન્ય રીતે આવા કાર્યક્રમો વખતે વહેંચવામાં આવતાં સોવેનિયરોમાં, કલાકારોના ફોટા અને જાહેરખબરોનું જ પ્રાધાન્ય હોય છે. આ સોવેનિયરને રસેશ દલાલ અને દેવિકાબહેન ધ્રુવ જેવા સાહિત્ય અને કલાના પ્રેમીઓનો સ્પર્શ મળ્યો હતો. નરેન્દ્ર મોદી માત્ર વડા પ્રધાન જ નથી, પણ સાહિત્યકાર અને કવિ પણ છે એટલે એમની તસવીર પ્રથમ પાને મુકાઈ હતી. ગુજરાતી સાહિત્ય પરિષદના વરાયેલા પ્રમુખ અને કવિ, લેખક, વિચારક, નાટ્યલેખક તથા શિક્ષણશાસ્ત્રી સિતાંશુ યશચંદ્રનો ફોટા સાથે પરિચય અને તેમની બે કવિતાઓને સ્થાન આપવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઇનાબહેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. મંચ-વ્યવસ્થા ફતેહ અલી ચતુર અને વિનય વોરા દ્વારા કરવામાં આવી હતી. પ્રકાશ આયોજન અનિલ સિહરેએ સંભાળ્યું હતું. ગુજરાતી કોમ્યુનિટીના મોવડીઓ મુકુંદ ગાંધી સાહેબ, ગિરીશ નાયક, કલાકુંજના રસેશ દલાલ અને વિનય વોરા, યોગિનાબહેન પટેલ અને નામી-અનામી ઘણાં કાર્યકર્તાઓએ બબ્બે મહિનાના અથાગ પરિશ્રમથી આ કાર્યક્રમને સંપન્ન કર્યો હતો.