ગુજરાતી સંસ્કૃતિને પ્રચલિત કરવાના હેતુથી ન્યુ યોર્કમાં યોજાયેલા ગરબા


 (ડાબે) ગરબા શીખવાડતાં હીના પટેલ અને (જમણે) કાર્યક્રમમાં ગરબા રમતી યુવતીઓ
ન્યુ યોર્કઃ ગુજરાતી કલાને નવી નવી જગ્યાએ લઈ જવાના નવતર ઉદ્દેશથી મેલા આર્ટ્સ કનેક્ટ દ્વારા ગરબા360ને ન્યુ યોર્કના આઇકોનિક ડાન્સ પાર્ટી મિડસમર નાઇટ સ્વિંગ સિરીઝ તરીકે લિન્કન સેન્ટરમાં યોજવામાં આવ્યા હતા. ધ સા ડાન્સ કંપની દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાતી ફોક ગરબા ડાન્સને પરંપરાગત રીતે સુંદર રજૂઆત કરવામાં આવ્યા હતા. વરસાદના કારણે કાર્યક્રમની મોડી શરૂઆત થઈ હોવા છતાં હીના પટેલ અને રોહન શેઠે 500થી વધારે લોકોને દોઢિયું, ત્રણ તાળી અને રાસ શીખવાડ્યા હતા. કશ્યપ જાની અને ફ્રેન્ડ્સનું બેન્ડ, ડીજે સનીના તાલે ખેલૈયાઓ ગરબા રમ્યા હતા.
ગરબા360ના સર્જક-ક્યુરેટર પ્રોડ્યુસર હીના પટેલે જણાવ્યું હતું કે મારી સંસ્કૃતિના સંગીત અને નૃત્યથી લિન્કન સેન્ટરનું વાતાવરણ જીવંત થઈ ગયું હોવાનો મને ખૂબ અવર્ણનીય આનંદ આવ્યો છે. આ સિવાય ગરબા ખુલ્લા મેદાનમાં કરવાનો આનંદ આવે છે અને જાણે ભારતમાં ગરબા રમતા હોવાનો અનેરી અનુભૂતિ થાય છે. ગરબા360નું ઉદ્ઘાટન સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયામાં યેરબા બ્યુના ગાર્ડન્સ ફેસ્ટિવલમાં 19મી મેએ થયો હતો. હવે પછીની આગામી કાર્યક્રમ 19મી ઓગસ્ટે શિકાગો સમર ડાન્સ ઉજવણીના ભાગરૂપે થશે.