ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાનું 11મું દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલન યોજાયું

0
1103


અમેરિકામાં વસતા ગુજરાતી સાહિત્યરસિકો ગુજરાતી લિટરરી એકેડેમીની સાહિત્યિક પ્રવૃત્તિઓથી સુપરિચિત છે. અમેરિકામાં ગુજરાતી સાહિત્યના પ્રસાર અને જાળવણીનું કાર્ય અકાદમી પૂરી નિષ્ઠા અને પ્રેમથી કરી રહી છે. તાજેતરમાં ગત 7, 8 અને 9 સપ્ટેમ્બરે ઈસ્ટ હેનોવર, ન્યુ જર્સીમાં ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાએ 11મા દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલનનું આયોજન કર્યું હતું. શુક્રવારે સાતમી સપ્ટેમ્બરની સાંજે ઈસ્ટ હેનોવરસ્થિત ફેરબ્રિજ હોટેલમાં સાહિત્યરસિકોનું આગમન શરૂ થયું હતું. રજિસ્ટ્રેશન અને ભોજન પછી સાહિત્ય સંમેલનનો પ્રારંભ થયો હતો. સાહિત્ય અકાદમીના પ્રમુખ રામ ગઢવીએ સૌનું ભાવભીનું સ્વાગત કરીને આવકાર આપ્યો હતો. અકાદમી દ્વારા આપવામાં આવતાં પારિતોષિકનો અર્પણ-વિધિ યોજાયો હતો. 2018ના વરસ માટેનું શ્રી ચુનીલાલ મહેતા પારિતોષિક અમેરિકામાં બોસ્ટનમાં વસતા કવિ, લેખક, અનુવાદક, નાટ્યકાર કૃષ્ણાદિત્ય, ડો. પ્રમોદ ઠાકરને જાણીતા તબીબ અને સામાજિક અગ્રણી તેમ જ સાહિત્યપ્રેમી ડો. નવીન મહેતાના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું. ત્યાર પછી કેલિફોર્નિયામાં રહેતાં કવયિત્રી મનીષા જોશીને શ્રી રમેશ પારેખ પારિતોષિક કેની દેસાઈના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું. મનીષા જોશીએ ગુજરાતી કવિતાના ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમની કવિતાઓના અંગ્રેજી, હિન્દી અને મરાઠી ભાષામાં અનુવાદ પણ થયા છે.
આ પ્રસંગે પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ચેરમેન અને ગુજરાત ટાઇમ્સના પ્રકાશક પદ્મશ્રી ડો. સુધીર પરીખ અને ડો. સુધાબહેન પરીખ ઉપસ્થિત રહ્યાં હતાં. ડો. સુધીર પરીખે અકાદમીના પ્રમુખ રામ ગઢવીને અભિનંદન અને શુભકામના આપીને તેમની કામગીરીને બિરદાવી હતી. તેમણે કહ્યું હતું કે, અકાદમી દ્વારા ગુજરાતી સાહિત્યના પ્રસારની સુંદર પ્રવૃત્તિ થઈ રહી છે. લિટરરી એકેડેમીને સહાયરૂપ થવા માટે પોતે હંમેશાં તૈયાર છે એવું તેમણે વચન આપ્યું હતું. આ પ્રસંગે ડો. નવીન મહેતા તેમ જ કેની દેસાઈએ પણ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું.

જાણીતા લેખક, કવિ અને ભાષાશાસ્ત્રી બાબુ સુથારે સંમેલનમાં પધારેલા મહેમાન સાહિત્યકારોનો સરસ રીતે પરિચય આપ્યો હતો. સાહિત્યકારો રમણ સોની, મણિલાલ હ. પટેલ, ઈલા આરબ મહેતા, સુમન શાહ અને કવિ મુકેશ જોશી, અનિલ ચાવડા તેમ જ અપૂર્વ આશર અને સંગીતકાર – ગાયક અમર ભટ્ટ વગેરે સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. મિતભાષી, મૃદુભાષી અને સ્પષ્ટવક્તા બાબુભાઈએ અતિ લાઘવથી, પ્રમાણ-ભાન જાળવીને દરેક સાહિત્યકારના સર્જન-કર્મની લાક્ષણિકતા અને વિશિષ્ટતા પ્રગટ કરતો રસપ્રદ પરિચય આપ્યો હતો.
રાત્રે ‘શબ્દ સૂરની પાંખે, અમે ગીત ગગનનાં ગાશું’ ગીત-સંગીતનો કાર્યક્રમ પેશ કરવામાં આવ્યો હતો, જેનું સંચાલન સિદ્ધહસ્ત કવિ અને કુશળ સંચાલક મુકેશ જોશીએ કર્યું હતું. જાણીતા ઉત્કૃષ્ટ સંગીતકાર, કાવ્ય-સાહિત્યના મર્મજ્ઞ અને ગાયક અમર ભટ્ટ તેમ જ યુવા ગાયિકાઓ હિમાલી વ્યાસ નાયક અને જાહ્નવી શ્રીમાન્કર દ્વારા ઉત્તમ ગુજરાતી કવિતાઓ અને ગીતો રજૂ કરવામાં આવ્યાં હતાં.
અમે ગીત ગગનનાં ગાશું, અમે ગીત મગનમાં ગાશું (ઉમાશંકર જોશી), મુજ અબળાને મોટી મિરાત બાઈ, શામળો ઘરેણું મારે સાચું. (મીરાંબાઈ), વીજળીને ચમકારે મોતીડાં પરોવીએ પાનબાઈ (ગંગાસતી), હે મારે રુદિયે વાગે બે મંજીરા, એક જૂનાગઢનો મેતો, બીજી મેવાડની મીરા (ભગવતીકુમાર શર્મા), રેશું? અમે ગુમાનમાં, હરિ સંગ નહિ બોલીએ (રમેશ પારેખ), ચાલ ફરીએ, માર્ગમાં જે જે મળે, તેને વહાલ કરીએ (નિરંજન ભગત), ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયા… ( અનિલ જોશી), લ્યો નાવ કિનારે આવી (કવયિત્રી પન્ના નાયક), મેં તો રંગ્યો તો એને દિલડાને સંગ, તોય સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ (નીનુ મજુમદાર), અમે ગીત ગાતાં ગાતાં જાશું (મકરંદ દવે). અમર ભટ્ટ, જાહ્નવી શ્રીમાન્કર અને હિમાલી વ્યાસ નાયક અને સંચાલક કવિ મુકેશ જોશીએ મળીને સાહિત્યપ્રેમીઓની રાતને કવિતા અને સંગીતના માધુર્યથી તરબતર કરી હતી. ગીતના ટહુકાઓથી મહેકતી-ગહેકતી આ વરસાદી રાતની સ્મૃતિઓ કલારસિકના હૃદયની મંજૂષામાં હંમેશાં અકબંધ રહેશે.

શનિવાર આઠમી સપ્ટેમ્બરે સાહિત્ય-ચર્ચા, વક્તવ્ય અને ગોષ્ઠિની ત્રણ બેઠકો યોજાઈ હતી. પ્રથમ બેઠક હતી – નવલકથા અને નવલકથાકાર, જેનું સંચાલન કવિ અને સાહિત્યમર્મજ્ઞ નટવર ગાંધીએ કર્યું હતું.
સમર્થ સર્જક મણિમાલ હ. પટેલે સદ્ગત કવિ રાવજી પટેલની નવલકથા અશ્રુઘર અને ઝંઝા વિશે વાત કરી હતી. રાવજીની નવલકથાની ભાષામાં રહેલું બળકટ તળપદાપણું, એના જીવનના સારા-માઠા પ્રસંગો, એની જીવલેણ માંદગી, ગામ માટેનો અનન્ય અનુરાગ, ગરીબી, અછત, અનુરાગ, તત્કાલીન ગુજરાતી નવલકથાનો તબક્કો વગેરેની વિગતે રજૂઆત કરીને તેમણે રાવજીની કૃતિઓનો આસ્વાદ કરાવ્યો હતો. પ્રતિષ્ઠિત વિવેચક – સર્જક સુમન શાહે આપણી ભાષાના અનન્ય સર્જક, વાર્તાકાર, નિબંધકાર, કવિ અને વિવેચક સુરેશ જોષીની વ્યક્તિમતાની વાત કરી હતી. સુરેશ જોષીની નવલકથા વિષયક વિભાવના, તેમના વ્યક્તિત્વમાં રહેલી સંવાદિતા, પ્રેમ, જીવન અને મૃત્યુ વિશેનો તેમનો અભિગમ, ચિંતન વગેરેના પરિવેશમાં સુ. જો.ની નવલકથાઓ છિન્નપત્ર અને મરણોત્તરનો આસ્વાદ કરાવ્યો હતો. સુરેશ જોષીની સૃષ્ટિમાં ઘર, લગ્ન, સમાજ કશું આવતું નથી. અનામ છતાં કશા આડા સંબંધોની આ કથા છે. સુરેશ જોષીના સમગ્ર સર્જનમાં લાક્ષણિક સંવેદનશીલતા પ્રગટ થતી રહે છે. સુરેશ જોષી વિસ્મયના સર્જક છે. તેઓ માનતા હતા કે, શિશુ જેવી સહજતા સર્જકમાં હોવી જોઈએ. જાણીતાં લેખિકા ઇલા આરબ મહેતાએ તેમના પિતા ગુણવંતરાય આચાર્યની નવલકથાઓ વિશે રજૂઆત કરી હતી. પરાક્રમનો,

ખુમારીનો ગુણ એમનામાં હતો એટલે એ જ પ્રકારના સાહિત્યનું એમણે સર્જન કર્યું. ગુજરાતનું વહાણવટું, વ્યાપાર-વાણિજય એમની નવલકથાનું કથા-વસ્તુ બન્યું. તેમણે દરિયાઈ કથાઓ લખી. ખલાસીઓની બોલી, એમનો સંઘર્ષ, એમની ખુમારી કથાઓમાં રજૂ કરી. ગુણવંતરાય આચાર્યની કથાઓ માનવ-મૂલ્યોના સ્વીકારની કથાઓ છે. ‘દરિયાલાલ’ અને ‘શક્કરબાર’ નવલકથાઓ ભારતીય દરિયાઈ સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. પ્રતિષ્ઠિત વિવેચક-નિબંધકાર રમણ સોનીએ કનૈયાલાલ મુનશીની નવલકથાઓ વિશે બોલતાં કહ્યું હતું કે, મુનશી કોઈને ગાંઠ્યા નથી. મુનશીજી માનતા હતા કે વાર્તામાં રસ ન પડે, એને હું નવલકથા ગણતો નથી. વાચકની કથાતરસને મુનશીએ છિપાવી. મુનશીએ નવલકથામાં જુદી ભાત પાડી. મંથર ગતિ સામે દ્રુત ગતિ, પાત્રોની નાટ્યાત્મકતા, ભાષાની પ્રવાહિતા મુનશી નવલકથામાં લાવ્યા. લેન્ગ્વેજ ઓફ ફિક્શન મુનશીએ ઊભી કરી. પૃથ્વીવલ્લભ એના કથાગુંફણને કારણે વિશિષ્ટ નવલકથા બની છે.
દ્વિતીય બેઠકમાં અપૂર્વ આશર અને સર્જક બાબુભાઈ સુથારે ડિજિટલ ટેક્નોલોજી અને પુસ્તકોનું ભવિષ્ય’ વિષય પર મનનીય પ્રવચનો કર્યાં હતાં. બાબુભાઈ સુથારે એમના મનનીય વક્તવ્યમાં કહ્યું હતું કે, ડિજિટલ ટેક્નોલોજીને કારણે લેખન તેમ જ પુસ્તકનું સ્વરૂપ બદલાશે. પુસ્તક એ સાંસ્કૃતિક પદાર્થ છે. ડિજિટલ પુસ્તકને કારણે આપણો સામાજિક, સાંસ્કૃતિક વ્યવહાર બદલાઈ રહ્યો છે.


તૃતીય બેઠકમા અમેરિકામાં વસીને નોંધપાત્ર કાવ્ય- સર્જન કરતી કવયિત્રીઓ જયશ્રી મરચન્ટ, નંદિતા ઠાકુર, દેવિકા ધ્રુવ અને રેખા પટેલે પોતાની સર્જનપ્રક્રિયા વિશે વાત કરી હતી અને સ્વરચિત કૃતિઓ રજૂ કરી હતી.
રાતના નાટ્ય-સંધ્યા અને ગમી તે ગઝલના કાર્યક્રમો રજૂ થયા હતા, જેને સાહિત્યરસિકોઓ મન ભરીને માણ્યા હતા.
રવિવારે, નવમી સપ્ટેમ્બરની સવારે સ્થાનિક સર્જકોની કૃતિઓના પઠનનો કાર્યક્રમ યોજાયો હતો. રણધીર નાયક, ભૂપેન્દ્રસિંહ રાઉલ, ચંદ્રકાન્ત દેસાઈ, દિનેશભાઈ શાહ અને પૂર્ણિમા ગાંધીની રચનાઓ નોંધપાત્ર હતી. સાહિત્યરસિકોએ પણ સ્થાનિક સર્જકોની કૃતિઓની પ્રશંસા કરીને દાદ આપી હતી. ત્યાર પછી કવિ-સંમેલન યોજાયું હતું, જેમાં આમંત્રિત કવિઓ તુષાર શુક્લા, ચિંતન નાયક, અનિલ ચાવડા અને મુકેશ જોશીએ ભાગ લીધો હતો. આ ચારે કવિઓની રજૂઆત સરસ રહી. તેમની કતિઓને શ્રોતાઓએ દિલથી દાદ આપી હતી. મુકેશ જોશીનું સંચાલન પણ રસપ્રદ રહ્યું. બપોરના જાણીતા કટારલેખક અને લોકપ્રિય વક્તા જય વસાવડા અને સુભાષ ભટ્ટ, નેહલ ગઢવીની ગોષ્ઠિનો કાર્યક્રમ યોજાયો હતો. વિષય હતોઃ આનંદ, સૌંદર્ય અને પ્રાર્થનાની જીવનયાત્રા.
સાહિત્ય સંમેલનના ત્રણે દિવસ નાસ્તા અને ભોજનની સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્વાદિષ્ટ ભોજન માટે રાજભાોગની પ્રશંસા કરવી પડે. ગુજરાતી લિટરરી એકેડેમીના પ્રમુખ રામભાઈ ગઢવી અનેક વરસોથી એકેડેમીનું સુકાન સંભાળી રહ્યા છે. એનું યશસ્વી સંચાલન કરી રહ્યા છે. અમેરિકામાં ગુજરાતી ભાષા અને સાહિત્યનો પ્રસાર અને સંવર્ધન કરવાનું કામ કપરું છે. આ ભગીરથ કાર્ય લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા રામ ગઢવીના નેતૃત્વ હેઠળ ગૌરવભેર કરી રહી છે. ગુજરાત ટાઇમ્સ પણ અમેરિકામાં ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યના પ્રસાર અને સંવર્ધન માટે યોગદાન આપી રહ્યું છે.


અંતમાં હું લિટરરી એકેડેમીના પ્રમુખ રામ ગઢવી અને કારોબારીના સભ્યો – અશોક મેઘાણી, જશવંત મોદી, ગૌરાંગ મહેતા, દર્શના ઝાલા, ગિની માલવિયા, આશિષ મહેતા, રથિન મહેતા તેમ જ હરીશ રવાલિયાને શુભકામનાઓ પાઠવું છું. આપણી ગુજરાતી ભાષા અમેરિકામાં સદાકાળ ગુંજતી ને ગાજતી રહે..! ગુજરાતી ભાષાનો જય હો..!

લેખક ગુજરાત ટાઇમ્સના તંત્રી છે.