ગુજરાતી ભાષાનું સંરક્ષણ અને સર્જકતાના સંવર્ધનને અગ્રિમતા

0
1033

પ્રિય પ્રાર્થના,
ગુજરાતી માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનનો પ્રારંભ થયો છે. મૂળ ભાવ તો ગુજરાતી ભાષાનું સંરક્ષણ કરવું, સર્જકતાનું સંવર્ધન કરવું અને ભાષા માટેની સજ્જતા વધારવી. આ પ્રતિષ્ઠાને જે યજ્ઞ શરૂ કર્યો છે તે માટે અનેક કાર્યશાળા થાય છે. શુદ્ધ ગુજરાતી લખવા માટે શિક્ષકો સજ્જ થાય તેની અગ્રિમતા સ્વીકારી છે. હવે, સંરક્ષણ માટે શું કરવું તેની ચર્ચા અને ચિંતા થયા કરે છે. દરેક શાળામાં ગુજરાતી અનિવાર્ય કરી છે, પણ જાહેરાત માત્રથી કામ થતું નથી. પ્રજાએ ભાષાભિમાન ગુમાવ્યું છે તે પુનઃ સ્થાપિત કરવાનું ગાંધી કક્ષાનું કામ છે, જોકે આજના જમાનામાં જ્યારે ભાષાભિમાન નથી રહ્યું ત્યારે ભાષાશુદ્ધિના વર્ગો અમે ચલાવીએ છીએ. તું ઓળખે છે એ હર્ષદભાઈ શાહ અને મિત્રોએ આ કામ ભારે ઉત્સાહથી ઉપાડ્યું છે. દર મહિને 70થી 80 શિક્ષકો અને ભાષાશુદ્ધિ માટે આતુર લોકો આવી કાર્યશાળામાં આવવા લાગ્યા છે તેનાથી એક વાતવરણ બનશે તેવી શ્રદ્ધા છે. એક વાત ખાસ નોંધવા જેવી છે, પ્રવીણ પ્રકાશનના ગોપાલભાઈ માંકડિયા અમારા આ પ્રયત્નમાં જોડાયા છે. પ્રવીણ પ્રકાશને ભગવદ્ગોમંડલ જેવા મહા-શબ્દકોશનું પ્રકાશન કર્યું છે. આ ઉપરાંત ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના પૂર્વ સભ્ય પ્રવીણભાઈ વઘાસિયા અને હિન્દુ સર્વિસ એન્ડ સ્પિરિચ્યુઅલ ફાઉન્ડેશનના નારાયણ મેઘાણી અને લેખક જય ઓઝા આ પ્રતિષ્ઠાનમાં જોડાયા છે.
એક બીજી વાત કરવી છે તે એક નેવું વર્ષના યુવાનની કરવી છે. મોહનભાઈ પટેલ એક અદ્ભુત યુવાન છે, એ એટલાં બધાં ક્ષેત્રો સાથે જોડાયેલા છે અને એટલા બધા સક્રિય છે કે તમને એ 90 વર્ષના લાગે નહિ. હું હમણાં જ રમેશભાઈ ઓઝા ‘ભાઈશ્રી’ સાથે એમના 90મા જન્મદિવસની ઉજવણીમાં ગયો ત્યારે આશ્ચર્ય સાથે ગૌરવ થયું કે મોહનભાઈ રોજ પોણા આઠ વાગ્યે ફેક્ટરીમાં જવા નીકળી જાય છે. મુંબઈના અતિક્લિષ્ટ ટ્રાફિકમાં સમયસર પહોંચવાની નેમ રાખનાર મોહનભાઈ જ્યારે ગુજરાતી ગીતો સાંભળે છે ત્યારે નાચી ઊઠે છે. આવા ઉત્સાહના એક વડલાસમા મોહનભાઈ આજની પેઢીને ઉદાહરરૂપ સક્રિયતા શીખવી શકે એમ છે. એ ખેડા જિલ્લાના ખમીરનું પ્રતીક છે, એ ગુજરાતીપણાની કલગી છે, એમનામાં તમને ગાંધીજીની નિસ્બત દેખાઈ આવે. એમની દઢ નિર્ણયશક્તિ એ સરદારની યાદ અપાવે એવી છે. એ કૃષ્ણભક્ત છે, એટલે મોહન નામ અનેક રીતે સાર્થક કરે છે. એમને સંગીતમાં રસ છે અને નૃત્ય પ્રિય છે, એમને કવિતા ગમે છે અને ચિત્રકલા પ્રિય છે. એ કૃષિવિજ્ઞાની છે, એ છોડ સાથે વાત કરે છે. એક માણસ કૃષિવૈજ્ઞાનિક હોય, ઉદ્યોગપતિ હોય, શિક્ષણસંસ્થાઓ ચલાવતા હોય. આવા બહુમુખી પ્રતિંભા ધરાવતા મોહનભાઈનું સન્માન કરવાના પ્રસંગે ગુજરાતીઓનો જે ઉમળકો હતો તે અદ્ભુત હતો. મેં મારા પ્રવચનમાં કહ્યું, બહુમુખી પ્રતિભાને જ્યારે અહંકાર આભડી જાય છે ત્યારે રાવણ મળે છે, અને જ્યારે આવી પ્રતિભાને સંસ્કૃતિની ચિંતા, સંસ્કારો અને નમ્રતા સ્પર્શે છે ત્યારે સમાજને એક કૃષ્ણ મળે છે, એક મોહન મળે છે.
આજે એક બીજી વાત કરવી છે. જેમની શતાબ્દી ઊજવાય છે તે પીતાંબર પટેલ અંગે એક સરસ કાર્યક્રમ યોજાયો. પીતાંબર પટેલ એટલે આપણા વિક્રમ પટેલના પિતાજી. આખાબોલા પટેલ, ઉત્તર ગુજરાતનો લહેકો અને નિખાલસ હૃદયમાંથી વહેતી સર્જક ભાષા. વિક્રમભાઈ તો બહુ ભાવવિભોર બની ગયા. રાઘવજી માધડે પીતાંબર પટેલની વાર્તાસૃષ્ટિ ખોલી આપી. રાઘવજી માધડે પીતાંબરભાઈની વાત કરતાં કરતાં વાર્તાના કસબનું પણ સરસ નિરૂપણ કર્યું. એમણે કહ્યું, સોનું ભલે કીમતી હોય, પણ કોઈ સોનાનાં બિસ્કિટ ગળે ભરાવતા નથી. જ્યારે સોનામાં થોડો ભેગ થાય, જ્યારે એમાં કલાકારની કલા ઉમેરાય, ઘાટ ઘડાય ત્યારે સોનું ઘરેણું બને છે. બિપિનકુમાર શાહે પત્રકાર તરીકે પીતાંબર પટેલ સાથે એમના યાદગાર બનાવો યાદ કર્યા, જ્યારે ડો. કેશુભાઈ દેસાઈએ એમની નવલકથાઓમાં પડઘાતી સામાજિક ચેતનાના અંશોને રજૂ કર્યા. કેશુભાઈ દેસાઈએ પન્નાલાલ પટેલ, પીતાંબર પટેલ અને ઈશ્વર પેટલીકર દ્વારા રજૂ કરેલી પટેલ કોમની ભાવસૃષ્ટિ પણ આસ્વાદનીય છે, એટલું જ નહિ, પણ ગુજરાતની સામાજિક સમસ્યાઓ અને ભાવનાઓને આ ત્રિપુટીએ સરસ રીતે શબ્દદેહ આપ્યો હતો. પીતાંબર પટેલ લોકબોલીમાં લખતા, બોલતા પણ લોકબોલીમાં. એ એક એવા લેખક હતા જે સમાજ સાથે સતત જોડાયેલા રહ્યા હતા. આ કારણે એમના લખાણમાં એક પ્રકારની વિશેષ શક્તિ પ્રગટતી હતી.
સર્જકોની શતાબ્દી આમ તો માઈલસ્ટોન જેવી હોય છે, એ જોવાથી આપણને ખ્યાલ આવે કે આપણે કેટલું અંતર કાપ્યું છે, પણ સાથે બહારની દુનિયા અને સર્જકતાનો અનંત રસ્તો કેવી કેવી ક્ષિતિજો ખોલી આપે છે એનો પણ ખ્યાલ આવે છે. આવી કશીક ઉજવણી થાય ત્યારે આપણે આત્મનિરીક્ષણ કરવું જોઈએ. શબ્દ હવે જે વિશ્વમાં ઘૂમી વળ્યો છે, એ નવું વિશ્વ છે, આપણે નવો ગુજરાતી શબ્દ પ્રગટાવી શક્યા છીએ? પીતાંબરભાઈએ પોંખેલો પીતાંબર પહેરેલો શબ્દ આજે જીન્સ પહેરીને કઈ યાત્રાએ નીકળ્યો છે? કોઈએ તો પૂછ્વું પડશે, કોઈએ તો જવાબ દેવો પડશે…
શુભાશિષ,
ભાગ્યેશ. જય જય ગરવી ગુજરાત.

લેખક ગાંધીનગરસ્થિત સર્જક છે.