ગુજરાતી ભાષાના અગ્રગણ્ય સાહિત્યકાર તેમજ પીઢ પત્રકાર ભગવતીકુમાર શર્માનું દુખદ નિધન

0
1339

સુરતસ્થિત અગ્રગણ્ય સાહિત્યકાર, કવિ, નવલકથાકાર આદરણીય ભગવતીકુમાર શર્માનું આજે 5 સપ્ટેમ્બરની સવારે દુખદ અવસાન થયું હતું. ભગવતીકુમાર શર્માનો જન્મ 1934માં સુરતમાં થયો હતો. તેમણે નવલકથા, ટૂંકી વાર્તા , કવિતા તેમજ વિવેચન ક્ષેત્રે માતબર પ્રદાન કર્યું છે. તેમને 1984માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને 1988માં નેશનલ સાહિત્ય અકાદમીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમની નવલકથા અસૂર્યલોક માટે તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ એવોર્ડ આપીને સન્માનિત કર્યા હતા. સુરતના જાણીતા દૈનિક ગુજરાત મિત્રમાં તંત્રીપદે રહીને તેમણે પત્રકારત્વના ક્ષેત્રે યશસ્વી કામગીરી બજાવી હતી. ઉર્ધ્વમૂલ અને સમયદ્વીપ તેમની ઉલ્લેખનીય નવલકથાઓ છે. તેઓ 2009થી 2011 સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ રહયા હતા. 2011માં તેમને પત્રકારત્વ માટે હરીન્દ્ર દવે સ્મૃતિ પુરસ્કાર અને સાહિત્યમાં યોગદાન માટે વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ભગવતીકુમાર શર્માના અવસાનથી ગુજરાતી સાહિત્ય જગતને ન પૂરાય એવી ખોટ પડી છે. ગુજરાત ટાઈમ્સ ભગવતીકુમાર શર્માને બાઅદબ શ્રદ્ધાંજલિ અર્પે છે.