ગુજરાતી ફિલ્મ સૂર્યાંશનું ટ્રેલર અને મ્યુઝિક લોન્ચ

ઘણા સમય પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કંઈક અલગ સ્ટોરી સબ્જેક્ટ સાથેની એક્શન થ્રિલર ગુજરાતી ફિલ્મ સૂર્યાંશ 5મી ઓક્ટોબરે તમામ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે, ત્યારે ફિલ્મના ડાયરેકટર આશિત શાહ, કેતન પટેલ તેમ જ સચીન દેસાઈ ઉપરાંત ફિલ્મના નાયક ફ્રેડી દારૂવાલા, મેહુલ બૂચ, લીના આશરા, જય ભટ્ટ, વિવેક શાહ, આશિષ કક્કડ, નિર્મિત વૈષ્ણવ, પ્રશાંત બારોટ, રાજ લાલચંદાણી સહિતના કલાકારોની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેરમાં વાયએમસીએ ક્લબમાં ગુજરાતી ફિલ્મ સૂર્યાંશનું ટ્રેલર અને મ્યુઝિક લોન્ચ કરવામાં આવ્યું હતું. સમાજની ગુનાખોરીની પરિસ્થિતિ અને પ્રામાણિક પોલીસ અધિકારીના તેને નાથવાના પ્રયાસોની વાત કંઈક અલગ અને અનોખી રીતે રજૂ કરતી ફિલ્મ દર્શકોને પસંદ પડશે તેવી આશા ફિલ્મના કલાકારો અને ડાયરેકટર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. ગુજરાતી ફિલ્મ સૂર્યાંશની વાર્તા ગુજરાતના એક બહાદુર અને પ્રામાણિક પોલીસ ઓફિસર કરણની આસપાસ ગૂંથાયેલી છે. પોલીસ ઓફિસર કરણ શહેરમાં થતા ગુનાઓને રોકવા તથા ગુનેગારોને પકડવાના મિશન પર હોય છે ત્યારે શહેરમાં થતા ગુનાઓ પાછળનું ભેજું અને બેતાજ બાદશાહ ગણાતા વિક્રમ રાણા, જે પોલીસની શંકામાં ટોપ લિસ્ટમાં છે તેને કરણ અજાણતાં પોતાના ગુરુ માની બેઠો હોય છે. શહેરમાં એક મર્ડર કેસની તપાસ ઉપરાંત અન્ય ઘટનાઓની પણ કરણ તપાસ કરી રહ્યો હોય છે ત્યારે સમગ્ર ફિલ્મમાં આગળ જતાં જટિલ પરિસ્થિતિ સર્જાય છે. કરણ આ ફિલ્મમાં સત્યની શોેધમાં હોય છે ત્યારે તેની સાથે એક મહિલા પ્રેસ રિપોર્ટર અદિતિ અને સબઇન્સ્પેકટર જહાંગીરખાન પણ જોડાયેલો હોય છે. બધા ભેગા મળી સત્ય ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે દરમિયાન તેઓને કેવા પડકારો અને મુસીબતોનો સામનો કરવો પડે છે અને કેવી રીતે સત્ય માટે ઝઝૂમવું પડે છે તેની સાચો અહેસાસ કરવા દર્શકોએ ગુજરાતી ફિલ્મ સૂર્યાંશ સિનેમાઘરોમાં માણવી જ રહી એમ ફિલ્મના ડાયરેકટર અને કલાકારોએ અનુરોધ કર્યો હતો.
ફિલ્મના મ્યુઝિક ડાયરેકટર નવરાજ હંસ, ઋત્વિજ પંડ્યા અને અર્ચિત પાટડિયા તેમ જ ફિલ્મના કોરિયોગ્રાફર પ્રિન્સ ગુપ્તા મ્યુઝિક લોન્ચિગ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ફિલ્મમાં સુંદર અભિનેત્રી હિના અછરા આકર્ષક પાત્ર નિભાવી રહી છે, જે કરણને પ્રેમ કરે છે.