ગુજરાતી ફિલ્મોમાં અભિનેતા અને વિલનની ભૂમિકા અદા કરનાર અરવિંદ રાઠોડનું નિધન

 

અમદાવાદઃ ગુજરાતી ફિલ્મ, ટીવી અને નાટકના દિગ્ગજ અભિનેતા ૮૦ વર્ષીય અરવિંદ રાઠોડનું લાંબી માંદગી બાદ નિધન થયું. તેઓ અમદાવાદમાં પાલડીસ્થિત રહેતા હતા.  ગુજરાતી ફિલ્મોનો સુરજ મધ્યાહને તપતો હતો ત્યારે તેમણે ભાદર તારા વહેતા પાણી, સોન કંસારી, ગંગા સતી, મા ખોડલ તારો ખમકારો જેવી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમના નિધનથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો છે. જ્હોની ઉસકા નામ, બદનામ ફરિશ્તે, મહાસતી સાવિત્રી, કોરા કાગઝ, ભાદર તારા વહેતા પાણી, સોન કંસારી, સલામ મેમસાબ, ગંગા સતી, મણિયારો, જાગ્યા ત્યારથી સવાર, મા ખોડલ તારો ખમકારો, મા તેરે આંગન નાગરા બાજે, અગ્નિપથ, ખુદા ગવાહ, અબ તો આજા સાજન મેરે. જેવી ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો હતો. જાણીતા હિરોઇન અરુણા ઈરાનીના પિતા એફ. આર. ઈરાનીના નાટક ‘મોટા ઘરની વહુ’માં ભૂમિકા કર્યા બાદ અમદાવાદમાં કેટલાંક નાટકોમાં અભિનય કર્યો હતો. ૧૯૬૭-૬૮માં વિનોદ જાનીના નાટક ‘પ્રીત પિયુ ને પાનેતર’ના કારણે તેઓને મુંબઈ આવવાનું થયું હતું. તેઓ ફોટો જર્નાલિસ્ટ તરીકે મુંબઈમાં કામ કરતાં હતા ત્યારે રાજકપૂરે તેમન ‘મેરા નામ જોકર’માં એક નાનકડી ભૂમિકા આપી અને ત્યારથી ફિલ્મના પડદા સાથે તેઓ જોડાઇ ગયાં.

૧૯૬૭થી જ અરવિંદ રાઠોડને ગુજરાતી ફિલ્મો મળવા લાગી. પ્રથમ વર્ષે જ ગુજરાતણ, ૧૯૬૯માં કંકુ, સંસારલીલા અને જનનીની જોડ, ૧૯૭૩માં જન્મટીપ પછી ૧૯૭૬માં તેમની છ ફિલ્મો આવી. એ પૈકીની ભાદર તારાં વહેતાં પાણીમાં ભજવેલી જેઠાની ભૂમિકાએ તો તેઓને ખલનાયક તરીકે એવાં ઉપસાવી દીધાં કે ત્યાર પછી સતત ૪૬ ફિલ્મો સુધી તેઓને ખલનાયકની જ ભૂમિકા મળતી રહી. ગુજરાતી ફિલ્મો ઉપરાંત તેઓએ હિન્દી ફિલ્મોમાં પણ રોલ કર્યો છે. મુંબઈનાં ગુજરાતી નાટકોમાં પણ તેઓએ ભૂમિકા ભજવી છે.