ગુજરાતી પડદાને હસતી ભેટ રમેશ મહેતા


હું એનો વર છું.
શું કહ્યું? સાહેબે પૂછ્યું.
હા સાહેબ. હું એનો વર છું. એને દિલ્હી લઈ જાઉં છું. રજા આપો મને.
ગુજરાતી ફિલ્મોમાં પોતે આજે બોલે છે એવી જ શરારતી અદાથી રમેશ મહેતા ઉર્ફે રમેશચંદ્ર મહેતા, પોતાના હું એનો વર છું શીર્ષકના નાટક્ને દિલ્હી લઈ જવા વિશે આવું બોલ્યા. જાહેર બાંધકામ ખાતામાં ઉપલેટા, લીલિયા, અમરેલી વગેરે સ્થળોએ મિસ્ત્રી તરીકે નોકરી બજાવી ચૂકેલા સરકારી કર્મચારી, એમના સાહેબ પાસે આમ બોલ્યા. આ પહેલાં નાટકો માટે, અને નાટકોનું ભણવા માટે બાર મહિના સુધી સતત રજાઓ ભોગવી ચૂક્યા હતા. અને હાજર થવાની નોટિસ મળતાં વળી હાજર થતાંવેંત પાછી હું એનો વર છું નામના નાટકમાં દિલ્હી જઈને કામ કરવા માટે એક મહિનાની રજા માગતા હતા.
મિસ્ટર મહેતા. સાહેબ પોતાની ભલમનસાઈનો તમામ જથ્થો આ કલાકાર કર્મચારી ઉપર અત્યાર સુધી વાપરી ચૂક્યા હતા. એટલે હવે એમની કરડાકીનો પ્રદેશ શરૂ થતો હતો. એમણે પૂછ્યુંઃ તમારું વતન કયું? ત્યાં તમારા પિતાજી શું કરે છે?
વતન તો નાટકનો રંગમંચ સાહેબ! બાકી જન્મ ગોંડલની પાસેના નવાગામમાં. પિતાજીને રાજકોટમાં મહેતા ડેરી ફાર્મ નામે દૂધ-દહીંની મોટી દુકાન છે.
નાટકનો શોખ તમને ક્યારથી?
છ માસનો હોઈશ ત્યારથી. રમેશ મહેતા બોલ્યાઃ છ માસના બાળક તરીકે મને એક પાત્રમાં નાટકના સ્ટેજ ઉપર લઈ જવાયો હતો, પણ મને લાગે છે કે એ વળી હસવાના પર્યાય જેવી ગંભીરતા ધારણ કરીને બોલ્યાઃ ગળથૂથી વખતે પણ હું ત્રણેક વાર રડ્યો હોઈશ. એક વાર રિહર્સલ, બીજી વાર રિહર્સલ અને ત્રીજી વાર રીતસરનું સાચું.
પ્રશ્નો પૂછી પૂછીને સાહેબ એમને જે વાત ઉપર લાવવા માગતા હતા એ ગંભીર વાતની ગંભીરતા જાણે એ પહેલાં જ રમેશ મહેતા એને કોમેડીમાં ફેરવી નાખતા હતા. છતાં સાહેબને ખીજ ચડતી નહોતી.
આ તમારી કેટલામી નોકરી છે, મહેતા?
આ મારી અઢીમી એટલે કે બે પૂર્ણાંક એક દુત્યાંશમી નોકરી ગણાય, સાહેબ. એ બોલતાં તો બોલી ગયા. પછી સાહેબનાં ભવાં ચડી ગયાં એ જોઈને ખુલાસો કર્યોઃ 1953માં ઓગણીસ વરસની ઉંમરે સાહેબ હું ઈરાની શેઠની નાટક કંપની જોવા ગયેલો અને પછી જોવાનું ખૂટતું નહોતું એટલે માસિક ચાલીસ રૂપિયાના પગારે પડદા ખેંચવાની નોકરીએ રહ્યો હતો. નોકરી નાટકની હતી એટલે આખી ગણાય, સાહેબ, અને એ પછી મારી ઘરવાળીના કાકા કવિ અમૃત ઘાયલની ભલામણથી થોડોક સમય પબ્લિક વર્કસ ખાતામાં વર્કચાર્જ ઉપર ઉબેણના પુલ ઉપર નોકરીએ રહ્યો હતો. વર્કચાર્જની નોકરી એટલે એક ચોક્કસ પ્રોજેક્ટ પૂરો થાય ત્યાં લગીની નોકરી! એ તો સાહેબ, ગાજરની પિપૂડી ગણાય. આમ એ દોઢ નોકરી થઈને અને આ તમારી પાસે કરું છું એ અઢીમી જ ગણાય ને?
રમેશ મહેતા નામના આ મિસ્ત્રી (આ વિશેષણ નથી. પબ્લિક વર્ક્સ ખાતામાં એક હોદ્દાનું આ અધિકૃત નામ છે) સાથેની પંદર મિનિટની વાતચીતમાં સાડા ચૌદ મિનિટ સુધી નાટકની વાતો આવતી હતી. વગર રજાએ અને વગર નોટિસે નાટક માટે રજા ઉપર ઊતરી જનાર આ ઇસમને ફરી ફરજ પર હાજર થવા માટે નોટિસો મોકલવી પડતી હતી. એના ટેબલના ખાનામાંથી અનેક વાર સરકારી તુમારની સાથોસાથ એણે પોતે લખેલા નાટકના સંવાદો મળી આવતા. સાહેબ એના સ્વભાવથી રાજી હતા, પણ પગાર કંઈ સ્વભાવ બદલ આપવામાં આવતો નથી હોતો.
તમે એમ કરો, મહેતા. એ બોલ્યાઃ કાં નાટક પસંદ કરો, કાં નોકરી.’ આ આખરીનામું આકરું હતું. એના જવાબમાં અઠવાડિયું દસ દિવસ જોઈએ, પણ રમેશ મહેતાએ સાહેબના સવાલને સ્વિચની જેમ ગણીને તરત જ જવાબની બત્તી કરીઃ કર્યું સાહેબ, પસંદ કર્યું…
શું? સાહેબ ઉત્સુકતાપૂર્વક પૂછ્યું.
નાટક પસંદ કર્યું, સાહેબ! રમેશ મહેતા બોલ્યાઃ મને લાગે છે કે ભગવાને મને આ કામ માટે જ અહીં મોકલ્યો છે. નાટક સિવાય બીજાં તમામ કામ માટે હું નપાવટ છું. ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ લખનારાઓએ ઉપરની વાતચીતની તારીખ શોધીને નોંધી લેવી જોઈએ, કારણ કે એ દિવસે અસલી રમેશ મહેતાનો જન્મ થયો ગણાય. ગુજરાતી ફિલ્મોના નવા કોમેડી યુગના સર્જક રમેશ મહેતાનો જન્મ થયો. એ પહેલાં છગન રોમિયો અને બાબુ રાજેએ આવો જમાનો ભોગવ્યો હતો.
અલબત્ત, આ નોનમેટ્રિક રમેશ મહેતા નોકરી સાથે છૂટાછેડા લઈને ઓફિસની બહાર નીકળ્યા કે તરત જ સફળતા એમની રાહ જોઈને રસ્તા ઉપર નહોતી ઊભી. સૌથી મોટી બીક એમને બાપાની હતી. ઘરબારી અને નાનાં બચ્ચાંવાળો રમેશ આમ નોકરીને લાત મારીને ચાલ્યો આવે એ બનાવ એમના વ્યવસાયની પરિભાષામાં વાત કરીએ તો મોટામસ ટોપિયામાં જમાવેલું દૂધ ફાટી જાય એના કરતાંય વસમો હતો.
એ સાંજે રમેશ મહેતા રાજકોટના સાંગણવા ચોકમાં આવ્યા. અવારનવાર પોતાના અંજલિ માસિકના પ્રૂફ જોવા સોંપનાર, જાહેરખબરોનાં બિલો ઉઘરાવી દેવાનું કામ સોંપનાર પત્રકાર પ્ર. રા. નથવાણી અને હું ધર્મરાજ હોટેલમાં બેઠા હતા. થોડી વારે કક્કડના છાપાંના સ્ટોલ પરથી ઊભા થઈને ધોતિયાના છેડો હલાવતાં હલાવતાં નાટ્યકાર દામુ સાંગાણી આવ્યા અને અમને કહ્યુંઃ તમે સાંભળ્યું?
પછી અમારી શું?ની રાહ જોયા વગર જ એ બોલ્યાઃ ‘પેલા રમેશ મહેતાને એના બાપાએ ઘરમાંથી કાઢી મૂક્યો છે. હમણાં અહીં આવવો જોઈએ.
એમનું વાક્ય પૂરુ થવાની સાથે જ ઊતરેલા રડમસ ચહેરે રમેશ મહેતા અંદર દાખલ થયા. અમારી સામેની ચોથી ખુરશી ઉપર બેસી ગયા. એ પોતે કંઈ બોલ્યા નહિ. એમની સૂરત જ બોલતી હતી. બાપા સાથે ઝઘડો થયો છે. ખાધા વગર જ પોતે અહીં ચાલી આવ્યા છે. દામુ સાંગાણીને એ વડીલ ગણતા નથવાણીને અંતરંગ મિત્ર અને મને તો છોકરડો જ. કોઈ કંઈ બોલ્યું નહિ. બે-ચાર પ્લેટ નાસ્તો મગાવ્યો. એનો ક્ષોભ ટાળવા અમે પણ રમેશ મહેતા સાથે થોડું લીધું.
‘તમે નકામી તકલીફ લો છો. એ બોલ્યાઃ હું તો ભૂખ્યો રહેવા ટેવાયેલો છું.
અમારે એની ગમગીની દૂર કરવી હતી. વાતોએ ચડાવવા હતા. મેં પૂછ્યુંઃ એ કેવી રીતે, રમેશભાઈ?
વાર્તા લખજે. એ બોલ્યાઃ વાર્તામાં લખવા જેવો પ્રસંગ છે. દુઃખના ભાર સાથે પણ રમેશ મહેતા જરી મલક્યા. ઉમેર્યુંઃ પીડબલ્યુડીમાં હું કુતિયાણા નોકરીએ હતો. પગાર રૂપિયા પાંસઠ. છેલ્લે દી માંડ દોઢ રૂપિયો બચ્યો હોય. પગાર લેવા પોરબંદર જવું પડે – બાર આના ટિકિટ. એમાં પોરબંદર સાડા દસે પહોંચું. દરિયાકિનારાની એક કેન્ટીનમાં બાર આનામાં અર્ધું ભાણું ખાઉં એટલે ખિસ્સામાં અસ્તર સિવાય કંઈ ન રહે. અર્ધું ભાણું એટલા માટે કે એમાં રોટલી તો ચારથી વધારે ન મળે, પણ દાળ-ભાત-શાક જોઈએ તેટલાં મળે -આપણે વધારે ત્રાપટ ભાત-શાક ઉપર રાખતા. રોટલી ભલે ને ઓછી હોય એમાં એક વાર એ રીતે જમવા બેઠો હતો. દરિયાકિનારાની કેન્ટીન એટલે પહેલે જ કોળિયે મોંમાં રેતી આવી. ઊઠીને વોશ-બેઝિન પાસે કોગળા કરવા ગયો. પાછો આવ્યો. ત્યાં ટેબલ ઉપરથી મારી થાળી ઊપડી ગયેલી. સામે કોક બીજો ગ્રાહક આખું ભાણું ઝાપટતો બેઠો હતો આ સુદામાની ઝૂંપડી ઉપર બુલડોઝર ફરી ગયું હતું સોનાનો મહેલ હતો, પણ એમાં બીજો કોઈક રહેતો હતો એવું થયું. મેનેજરને ફરિયાદ કરી તો કહે કે તમે ઊઠીને કોગળા કરવા માંડ્યા એટલે અમને એમ કે તમે જમી લીધું. અમને શી ખબર? હવે જમવું હોય તો લાવો બીજા બાર આના. મગાવો બીજું અર્ધું ભાણું… મારી પાસે બાર આનાના નામે બાર આનાની માત્ર સ્મૃતિ હતી અને ભોજનની સ્મૃતિમાં હતી રોટલીમાં દાંત તળે આવેલી રેતીની કાંકરીની કચડાટી. કંઈ વાંધો નહિ.
આવા સંજોગોમાં પણ બીજી એક વસ્તુ એ બની કે રમેશ મહેતા આઇએનટીના નિકટના સંપર્કમાં આવ્યા. એના મનસુખ જોશી, પ્રવીણ જોશીનાં દિલ એમણે જીતી લીધાં.
પણ બેકારીઓએ એમનો પીછો છોડ્યો નહિ. સંખ્યાબંધ નાટકોમાં લેખન, સંખ્યાબંધ નાટકોમાં અભિનય અને એક સંસ્થાની સ્કોલરશિપથી મુંબઈમાં નાટકની તાલીમ લેવા જવાનું પણ મનસુખ જોશીની ભલામણથી ગોઠવાયું, પણ સ્કોલરશિપથી તો માત્ર ફી જ ચૂકવાય. રહેવાય, પણ દરિયા જેવડા મુંબઈ શહેરમાં જમવાનુ શું?
એનો રસ્તો પણ રમેશ મહેતાએ કરી લીધો. માસિક રૂપિયા ત્રીસની એમણે ક્યાંકથી જોગવાઈ કરી લીધી હતી. એમાં એક વીશીમાં એક ટંક જમવાનું હતું. સવારે જમે યા સાંજે. બીજા ટંકે ખેરસલ્લા. એમાંય જો કોઈ ભાઈબંધ દોસ્તાર મહેમાન આવી ચડે તો ત્રીસ રૂપિયાની એમની જમે પુરાંત પચીસમે દિવસે જ પૂરી થઈ જતી! બાકીના ચાર-પાંચ દિવસ માટે કોઈ ઓળખીતા-પાળખીતાના આમંત્રણની રમેશ મહેતા રાહ જોતા. એવો એક જાણભેદુ શ્રીમંત શેઠિયો ઓળખતો હતો પણ ખરો, પણ રમેશ મહેતા એમને ઘેર જવાનું ભાગ્યે જ પસંદ કરતા. કારણ? કારણ બહુ ભેદી છે.
શેઠિયા મિત્ર સવારે બ્રેકફાસ્ટ કરે, બપોરે લંચ લે-ઢળતે પહોરે ફ્રૂટ-બિસ્કિટ ખાય એટલે રાતે મને એમના ભેગો જમવા બેસાડે ત્યારે તો પોતે ઝડપથી ઊઠી જાય અને હું તો ભૂખ્યોડાંસ હોઉ. મારે તો ત્રણ દિવસનું ટિફિન જઠરમાં ભરી લેવાનું હોય એટલે જમતાં વાર લાગે અને એય જાણે સમજ્યા કે ઝડપથી પેટની કોથળી ભરું, પણ મારી મુશ્કેલી એ કે મારા એ પરિચિત શ્રીમંત મિત્રને બદહજમીનો રોગ-જમીને ખાધેલું પચાવવા માટે વરલી નાકા સુધી ફરવા પગે ચાલીને જાય – મને પણ લઈ જાય. એમને ખાધેલું પચાવવાની ચિંતા હોય, મને ખાધેલું જલદી પચી ન જાય તો સારું એવું હોય. ફરવા જવું પડે એટલે કલાક પછી પાછું પેટ ખાલી ને ખાલી. એટલે દુકાળમાં અધિક માસ જેવી એક કહેવત મેં બનાવી હતી. ઓછુ ખાધું ને અબઘડી પચ્યું
(આ લેખ જે મુલાકાત પર આધારિત છે તે) 1982ની સાલની એ વાત કરતાં રમેશ મહેતા ખડખડાટ હસી પડ્યા હતા, કારણ કે હવે એમને પાચનનો રોગ નહોતો. ગુજરાતી ફિલ્મોના મશહૂર અદાકાર સ્વર્ગસ્થ અરવિંદ પંડ્યાએ જ્યારથી એમનું લેખન અભિનયનું હીર પારખ્યુ ત્યાંથી એમના સંઘર્ષના દિવસો પૂરા થયા. 1972માં હસ્તમેળાપ ફિલ્મથી શરૂ થયેલી એમની સિદ્ધિયાત્રા સવાસો ફિલ્મોની મજલ પૂરી કર્યા પછી પણ આગળ ચાલુ જ રહી. પરદા ઉપર એમની એન્ટ્રી થાય અને આખું થિયેટર તાળીઓથી ગાજી ઊઠે એવી સ્થિતિ આજે પણ યથાવત્ છે.
દામુ સાંગાણી આજે હયાત નથી, નથી અરવિંદ પંડ્યા. પ્રવીણ જોશી પણ પોઢી ગયા છે. મનસુખ જોશી પણ.
પણ એ બધાએ ભેગા થઈને ગુજરાતી પડદાને એવી એક હસતી ભેટ આપી હતી કે જેનું નામ છે રમેશ મહેતા.
લેખકની વિશેષ નોંધઃ 1982માં એક દિવસ મુંબઈથી રાજકોટ પાછા ફરતાં મારી બાજુની સીટમાં કોઈ લાંબો માણસ આવીને ધબ્બ દઇને ગોઠવાયો. મે જરા ચીડથી જોયું તો રમેશ મહેતા! ચીડનું સ્થાન રાજીપાએ લીધું અને મેં જૂની રાજકોટની હોટેલ ધર્મરાજની મુલાકાતોની યાદ આપી. એમને યાદ તો આવ્યું, પણ મનમાં કંઈ ખાસ એનું મહત્ત્વ ઊગ્યું હોય એમ લાગ્યું નહિ. હું તો ખેર કે એ વખતે સાવ નગણ્ય હતો, પણ ન તો એમણે નથવાણીને યાદ કર્યા કે જે એમને ભૂખ્યા પેટ આવ્યા હોય ત્યારે ભજિયાંની પ્લેટો ઉપર પ્લેટો ખવડાવતા કે ન તો એમને અમારી રોજની કંપનીના નાટ્યકાર દામુ સાંગાણી યાદ આવ્યા કે જે એમના ગુરુઓમાંના એક પ્રાથમિક તબક્કાના ગુરુ કહેવાય.
રસ્તામાં મેં જે થોડી ઘણી વાતો એમની સાથે કરી એની ફલશ્રુતિ તે ઉપરનો મારો ઉપલકિયો લેખ.
ફ્લાઇટ લેન્ડ થયા પછી તેઓ પોતાને લેવા આવેલી ગાડીમાં જતા રહ્યા. જતી વખતે સાધારણ વેવ કરવાની એમણે દરકાર કરી નહોતી. આ કોઈ કચવાટ તરીકે નહિ, પણ માત્ર એક વાસ્તવદર્શન તરીકે જ અહીં રેકોર્ડ પર મૂકી રહ્યો છું,
તેમની થોડી વિગતોઃ તેમનો જન્મ 23મી જૂન, 1934ના નવાગામમાં થયેલો. તેમના પિતાનું નામ ગિરધરલાલ ભીમજી મહેતા અને માતાનું નામ મુક્તાબહેન હતું. નાનપણથી જ તેમને નાટકોનું લેખન અને અભિનયનો શોખ હતો.
11મી મે, 2012ના રોજ, રાજકોટમાં, 78 વર્ષની ઉંમરે તેઓનું અવસાન થયું.
પત્નીનું નામ શ્રીમતી વિદ્યાલક્ષ્મીબહેન, જેઓ રમેશ મહેતાના અવસાન પહેલાં સ્વર્ગસ્થ થયેલાં. કનુભાઈ અને અતુલભાઈ નામે બે તેમના બે પુત્રો છે. ઉપરાંત રમેશભાઈના નાના ભાઈ એવા નાનુભાઇ મહેતાના પુત્ર દીપક મહેતાને પણ તેઓ પુત્રવત્ જ ગણતા.
પુત્રીઓમાં સૌ. હર્ષાબહેન સ્વ કવિ અમૃત ઘાયલનાં પુત્રવધૂ છે. બીજાં પુત્રી સૌ. કિરણબહેન ભાવનગર છે.
કારકિર્દીઃ અમદાવાદના ભારતભૂષણ થિયેટરમાં છ મહિના નોકરી કરી. રાજકોટમાં પીડબલ્યુડીમાં મહિનાના પાંસઠ રૂપિયાના પગારે વંથલી સાઇટ પર કામ કર્યું અને ડેરી વ્યવસાય કરવાની પણ કોશિશ કરી. 1949માં વિજયાબહેન સાથે લગ્ન કર્યાં અને રમેશભાઈ બે દીકરા અને બે દીકરીના પિતા બન્યા. ત્યાર બાદ મુંબઈની કે. સી. કોલેજમાં એક વર્ષ માટે નાટ્યકલાનું બાકાયદા જ્ઞાન મેળવ્યું. અહીં તેઓ
મેક-અપ, સ્ટેજક્રાફ્ટ, એક્ટિંગ, ડિરેક્શન, લાઇટિગ, સ્પીચ આર્ટ જેવા ગુણો શીખ્યા. આ પછી તેમણે નાટકો લખવાનાં શરૂ કર્યા. નાટકોનાં લેખન, મંચન દરમિયાન તેઓ અરવિંદ પંડ્યાના સંપર્કમાં આવ્યા અને યોગાનુયોગ તેમના દ્વારા ગુજરાતી ચલચિત્ર હસ્તમેળાપની કથા લખવાનું બન્યું. તેમના દ્વારા લખાયેલું આ પ્રથમ ગુજરાતી ચલચિત્ર હતું. આ પછી તો તેમણે ચલચિત્રોની કથા, સંવાદ લખતાં લખતાં અભિનય પર પણ ધ્યાન આપ્યું. મોટા ભાગે પોતાનું પાત્રાલેખન અને સંવાદો એ જાતે જ લખતા. તેઓ અનેક ગુજરાતી ચલચિત્રોમાં સહાયક ભૂમિકાઓમાં કામ કરી ચૂક્યા હતા. તેમણે ગાજરની પિપૂડી નામના ગુજરાતી ચલચિત્રમાં મુખ્ય ભુમિકા પણ નિભાવી હતી.
તેમને આશરો આપવામાં, અંગતતા આપવામાં અને કામ અપાવવામાં મોટો ફાળો અભિનેત્રી કલ્પના દીવાનનો હતો.
કેટલાંક વિશેષ સફળ ચલચિત્રોઃ જેસલ તોરલ (1971), હોથલ પદમણી (1974), મેના ગુર્જરી (1975), સંતુ રંગીલી (1976), સોન કંસારી (1977), ગંગા સતી (1979), મણિયારો (1980), જાગ્યા ત્યારથી સવાર (1981), ઢોલી (1982), મરદનો માંડવો(1983), ઢોલામારુ (1983), હિરણને કાંઠે (1984)
(જાતમાહિતી ઉપરાંત અન્ય માહિતીસૌજન્યઃ હરીશ રઘુવંશી અને પ્રશાંતગિરિ ગોસ્વામી)

લેખક સાહિત્યકાર અને પત્રકાર છે.