ગુજરાતી નવલકથા ‘અલંકૃૃતા’ પર બનશે ફિલ્મ

0
498

 

 

અમદાવાદઃ જાણીતા લેખક અને પત્રકાર પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ દ્વારા લખાયેલી નવલકથા ‘અલંકૃતા’ની ભારે લોકપ્રિયતા બાદ નવલકથા પરથી હવે ગુજરાતી ફિલ્મ બની રહી છે. આ ફિલ્મનાં પોસ્ટર રીલીઝ પ્રસંગે કેનિ્દ્રય સાંસ્કૃતિક અને પર્યટન મંત્રી પ્રહલાદસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

‘અલંકૃતા’ નવલકથાન ખૂબ લોકપ્રિયતા સાંપડી છે. આ નવલકથાથી પ્રેરાઈને ૨૦૧૭માં મિસીસ યુનાઇટેડ નેશન્સ તરીકેનું બહુમાન મેળવી ચૂકેલા નીપાસિંહ ગુજરાતી ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. આ ફિલ્મનાં પોસ્ટર રીલીઝ વખતે કેન્દ્રના પર્યટન અને પ્રવાસન મંત્રી પ્રહલાદસિંહ પટેલ તેમનાં ધર્મપત્ની સાથે ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. પોસ્ટર રીલીઝનાં કાર્યક્રમમાં પ્રહલાદસિંહે જણાવ્યું હતું કે, મોન્યુમેન્ટ્સનાં લોકોશન પર ફિલ્મોનાં નિર્માણને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા વસૂલાતી ફીમાં ૫૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેમણે નિર્માતાઓને અનુરોધ કર્યો હતો કે, તેઓએ ભારતમાં અને તેમાં પણ ગુજરાતમાં રહેલી હેરીટેજ સાઇટ પર શુટિંગ કરવું જોઈએ. ઉપરાંત સ્મારકોની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવા પર પણ છૂટછાટ અપાઈ હોવાનું જણાવ્યું હતું.

‘અલંકૃતા’ ફિલ્મનાં પોસ્ટર રીલીઝ પ્રસંગે પદ્મશ્રી દેવેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અલંકતા નવલકથામાં આપણા જીવનની આસપાસ રહેલા યુવાનો પર આધારિત વાર્તા છે. ઉપરાંત વર્કિંગ કપલનાં જીવનમાં નાની નાની વાતો કેવું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે છે તેવા મહત્ત્વનાં મુદ્દાઓનું ફિલ્મીકરણ કરવામાં આવ્યું છે.

રોમેન્ટીક અને રહસ્યમય એવી ‘અલંકૃતા’ ફિલ્મનું નિર્માણ ઉપરાંત દિગ્દર્શન મિસીસ યુનાઇટેડ નેશન્સ નીપાસિંહ કરી રહ્યા છે. ફિલ્મમાં સંગીત ગુજરાતી સંગીતકાર બેલડી સમીર-માનાએ આપ્યું છે. ગુજરાતનાં મહત્ત્વનાં સ્થળોએ શૂટ થનારી આ ફિલ્મ આગામી ડિસેમ્બર-૨૦૨૧માં મુંબઈ સહિત ગુજરાત, અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને આફ્રિકામાં રીલીઝ કરવામાં આવશે.