‘ગુજરાતી કવિતામાં ડોકાતો વતનપ્રેમ’

0
1212

વેપારવણજ અને સાહસ થકી દુનિયાભરમાં ફેલાઈ ગયેલી ગુજરાતી પ્રજા અનોખી છે. ગુજરાતી સંસ્કાર અને જીવનશૈલીની એક અલગ ઓળખાણ છે. અર્થકારણને આત્મસાત્ કરીને પોતાનાં સાંસ્કૃતિક મૂલ્યોનું પણ જતન કરી જગતના ખૂણેખૂણામાં ગુજરાતીઓ પહોંચી ગયા છે અને નામના મેળવી છે. ગુજરાતી અસ્મિતાથી જગતને જીતી લીધું છે. ગુજરાતી પ્રજાની ગૌરવગાથા અનન્ય છે. દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સમર્પિત થનારા અનેકાનેક દેશભક્તોની યાદીમાં ગુજરાતીઓ મોખરે છે. સંતો અને શૂરાની નામાવલિમાં અનેક નરબંકાઓએ ગુજરાતી પ્રજામાં આદરભર્યું સ્થાન મેળવ્યું છે. કલાજગતના માંડવે અનેક ગુજરાતી પ્રતિભાઓએ દેશ અને દુનિયામાં નામ રોશન કર્યું છે. સાહિત્યની વાત કરીએ તો ગુજરાતી ભાષામાં એકથી એક ચડિયાતા સાક્ષરોએ ભાષાને સમૃદ્ધ કરવાનું કામ કર્યું છે. તેમના શબ્દો થકી ગુજરાતી ભાષા રળિયાત બની છે. ગુજરાતી કવિઓની રચનાઓમાં ગુજરાતી તરીકેનો તેમનો વતનપ્રેમ, લાગણી, ગુજરાતભક્તિ અવનવી રીતે પ્રતિબિંબિત થયેલી જોવા મળે છે. બહેરામજી મલબારી જેવા પારસી કવિના શબ્દો જોઈએ તો,
સુણ ગરવી ગુજરાત વાત કંઈ કરું છું કાનમાં,
સમજું છે તું સુજાત, સમજાશે સહજ સાનમાં.
આ જ કવિનો ગુજરાત પ્રત્યેનો ઉત્કટ પ્રેમ પ્રગટ થાય છે આગળની પંક્તિમાં –
અર્પી દઉ સો જન્મ, એવડું મા તુજ લ્હેણું.
ગુજરાતી પ્રજાની મૂળભૂત તાસીર સીમાડાઓ ઓળંગી ક્ષિતિજોની બહાર નીકળી જવાની રહી છે. વેપાર-ધંધા દ્વારા અવનવાં સાહસો માટે હજારો માઈલ દૂર જવું, દરિયાપારની સફર કરવી કે અવકાશી ઉડ્ડયનો કરવાં તેના માટે સહજ અને સરળ છે. વિશ્વની અનેક પ્રજાઓની સંસ્કૃતિ કે સંસ્કારો સાથે તાલમેલ સાધવામાં ગુજરાતીઓનો જોટો જડે તેમ નથી અને એટલે જ ખબરદાર કંઈક આવો પ્રતિભાવ તેમની કવિતામાં વ્યક્ત કરે છે –
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.
લગભગ એક હજાર વર્ષની વયમર્યાદા ધરાવતી આપણી માતૃભાષા ગુજરાતીનો વિકાસક્રમ પણ રોમાંચક છે. સંસ્કૃતમાંથી અવતરી પ્રાકૃત – જૂની ગુજરાતી અને નર્મદ થકી નવોન્મેષ પામેલી આ ભાષાને અનેક કવિઓએ લાડકોડ કરાવ્યાં છે. નર્મદનું ગુજરાતી ગીત જોઈએ-
‘જય જય ગરવી ગુજરાત,
દીસે અરુણ પરભાત
ધ્વજ પ્રકાશે ઝળહળ કસુંબી
પ્રેમ શૌર્ય અંકિત
તું ભણવ ભણવ નિજ સંતતિ,
સહુને પ્રેમ ભક્તિની રીત.
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.
પંડિતયુગના ધુરંધર કવિઓની અનેક રચનાઓમાં તેમનો ગુજરાતપ્રેમ સુપેરે પ્રગટ થાય છે. નવા યુગનાં વધામણાં સાથે ગુજરાતી ભાષાના માતબર કવિ ઉમાશંકર જોશીના શબ્દો –
‘સદા સૌમ્ય શી વૈભવે ઊભરતી
મળી માતૃભાષા મને ગુજરાતી.
અન્ય એક કાવ્યરચનામાં તે વળી આમ કહી ગુજરાતીપણાને વ્યક્ત કરે છે અને ગુજરાતી પ્રજાના વિશાળ માનસને શબ્દોમાં અંકિત કરે છે
‘સદા જાગરૂક, જગત નાગરિક,
સાગરતીર્થ નિવાસી હું, હું ગુર્જર ભારતવાસી.
ગાંધીયુગથી આધુનિકતામાં પ્રવેશી ચૂકેલી ગુજરાતી કવિતામાં પણ વતનપ્રેમનું નિરૂપણ કરતી અનેક રચનાઓ જોવા મળે છે. ચંદ્રવદન મહેતાની રચના જેમાં ગુજરાત પ્રત્યેનો લગાવ અભિવ્યક્ત થાય છે –
નથી ઘણું નથી, પરંતુ ગુજરાતના નામથી,
સદા સળવળે દિલ, ઝણઝણે ઊંડા ભાવથી.
કવિ નાઝિર દેખૈયાના દિલના ભાવોમાં ગુજરાતપ્રેમ આ રીતે ટપકે છે અને તે પોતાના વતનને સ્વર્ગ સાથે સરખાવે છે.
સ્વર્ગથીયે રમ્ય એવું, સ્થાન આ ગુજરાત છે.
કોક દિ મહેમાન થા ભગવાન, આ ગુજરાત છે.
મીરા આસીફની ગઝલમાં ગુજરાતની વાત અત્યંત તાજગી અને મનમોહક રીતે થઈ છે.
તાજગી લ્હેરાય છે ગુજરાતમાં,
ગીત પણ સંભળાય છે ગુજરાતમાં,
મોજ મસ્તીમાં હવે ગુજરાત છે,
માનવી હરખાય છે ગુજરાતમાં.
આજનું ગુજરાત વિશ્વમાં વિકાસનો પર્યાય બની ચૂક્યું છે ત્યારે આજના નવોદિત કવિઓ પણ ગુજરાતપ્રેમમાં કોઈ રીતે પાછળ નથી. હરદ્વાર ગોસ્વામીની પંક્તિઓ –
ઝિંદાદિલીથી છલછલોછલ જાત છે, ગુજરાત છે,
નરશી ભગતનું ઝૂલતું પરભાત છે, ગુજરાત છે.
આ પરંપરામાં ગુજરાતપ્રેમની વાતમાં આ લખનાર પણ કઈ રીતે બાકાત રહી શકે? મારી જ કાવ્યરચના જુઓ –
સ્નેહનો સાગર બધે છલકાય છે ગુજરાતમાં,
માનવીનો મરતબો જળવાય છે ગુજરાતમાં,
દ્વારકા, દાહોદ, વાપી બાયપાસ વડોદરા
એક હરિયાળી સફર થઈ જાય છે, ગુજરાતમાં.
સ્વર્ણિમ ગુજરાતના આ ગૌરવશાળી વર્ષમાં ગુજરાતી કવિતામાં ડોકાતો ગુજરાતી કવિઓનો આ વિશુદ્ધ પ્રેમ ગુજરાતી પ્રજાના વિશુદ્ધ હૃદયમાંથી પ્રગટતા ભાવો સમાને છે!

લેખક વરિષ્ઠ સરકારી અધિકારી છે.