ગુજરાતીલેક્સિકન દ્વારા ભાષા ચાહકો પાસેથી ‘વર્ડ ઓફ ધ યર ૨૦૨૦’

 

અમદાવાદઃ વર્ષ ૨૦૨૦ની વિદાય સાથે વર્ષ ૨૦૨૧નું આગમન થઈ ચૂક્યું છે. વૈશ્વિક સ્તરે વર્ષ ૨૦૨૦નું વર્ષ યાદગાર બની રહ્યું છે. આ વર્ષે ભાષા ક્ષેત્રે ઘણા નવા શબ્દો પ્રચલિત બન્યા છે, તો સાથે સાથે કેટલાંક ભૂલાઈ રહેલા શબ્દોનું પણ ચલણ અસ્તિત્વમાં આવેલું જોવા મળ્યું છે. ગુજરાતીલેક્સિકન દ્વારા ભાષા ચાહકો પાસેથી વર્ષ ૨૦૨૦ માટે કયો શબ્દ ‘વર્ડ ઓફ ધ યર ૨૦૨૦’ હોઈ શકે તે માટે સૂચનો મંગાવતી એક પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાષા ચાહકો પાસેથી અમને ૬૦ જેટલા શબ્દો પ્રતિયોગિતા માટે મળ્યા. આ શબ્દોને યોગેન્દ્રભાઈ વ્યાસ, મનસુખભાઈ સલ્લા, રતિલાલ બોરીસાગર, પ્રકાશભાઈ ન. શાહ, અરવિંદભાઈ ભંડારી, પિંકીબહેન પંડ્યાની સમિતિને મોકલાવી આપવામાં આવ્યા. પ્રતિયોગિતામાં મળેલા કેટલાંક શબ્દો ખરેખર નવા અને ધ્યાન ખેંચનાર હતા. આ દરેક શબ્દની યથાયોગ્ય ચર્ચા કર્યા બાદ, તેના પ્રચલનના માપદંડને તથા તેમાંથી કયા શબ્દો લોકજીભે સૌથી વધુ વાર સાંભળવામાં આવ્યા છે તે ધ્યાનમાં રાખીને, એટલે કે શબ્દોની ઉપયોગિતા, વપરાશ અને મહત્ત્વતા જેવાં વિવિધ પાસાઓના અભ્યાસ અને વિમર્શ બાદ, વિવિધ ચાળણે આ શબ્દોને ચાળ્યા બાદ નીચે મુજબના શબ્દોને વર્ડ ઓફ ધ યર માટેના ફાઇનલ શબ્દોની યાદી તરીકે અલગ તારવામાં આવ્યા, જે આ પ્રમાણે છે ઃ કોરોના, માસ્ક, કોરોના વોરિયર્સ, સંક્રમણ, વેબીનાર, સોશ્યલ ડિસ્ટન્સ. 

ઉપરના શબ્દો ઉપરાંત ધ્યાન ખેંચનાર અન્ય શબ્દો આ મુજબ હતી ઃ ઓનલાઇન શિક્ષણ, રસીકરણ, પોઝિટીવ, હિજરત, આત્મહત્યા, રામલલ્લા, સેનિટાઇઝર વગેરે વગેરે.

દેખીતી રીતે જ ૨૦૨૦નું વર્ષ ‘કોરોના વર્ષ’ તરીકે પ્રચલિત બનેલ છે અને આ કોરોના શબ્દને કારણે જ માસ્ક, સંક્રમણ, ઓનલાઇન શિક્ષણ, સલામત અંતર, વેબીનાર, કોરોના વોરિયર્સ, સેનિટાઇઝર, પોઝિટીવ, હિજરત વગેરે જેવા શબ્દો ચર્ચામાં આવ્યા છે. આ દરેક શબ્દની ચર્ચા દરમ્યાન દરેક સ્તરે લોકોને કયો શબ્દ સૌથી વધુ અસર કરી ગયો તે બાબતને ખાસ ધ્યાનમાં રાખવામાં આવી હતી. ચર્ચાના દરમ્યાન યોગેન્દ્રભાઈની પ્રથમ પસંદગી ‘માસ્ક’ શબ્દ ઉપર રહી હતી જ્યારે સમિતિના અન્ય સભ્યોની પ્રથમ પસંદગી ‘કોરોના’ શબ્દ ઉપર રહી હતી. કયો શબ્દ ગુજરાતી પ્રજાએ વ્યાપક રીતે ઉપયોગમાં લીધો તેમજ કયો શબ્દ આખા વર્ષ દરમિયાન સતત વપરાયો તેને આધારે ‘કોરોના’ શબ્દની પસંદગી ગુજરાતીલેક્સિકન ‘વર્ડ ઑફ ધ યર ૨૦૨૦’ના શબ્દ તરીકે થઈ, પરંતુ આ શબ્દની પસંદગી અંગે યોગેન્દ્રભાઈની અસંમતિ રહી હતી. સમિતિ દ્વારા એ વાત ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે આ શબ્દ સમગ્ર ભારતીય જનતાને એટલે કે શહેરી અને ગ્રામ્ય એમ બંને નાગરિકોને અસર કરી ગયો છે.

પ્રતિયોગિતા માટે કોરના શબ્દનું પ્રથમ સૂચન અમને કીર્તિકુમાર પરમાર અને ધર્મેશ વાલા તરફથી મળેલ હતું અને આ શબ્દ માટે તે લોકોએ સૂચવેલ અર્થ અનુક્રમે આ મુજબ હતો ઃ (૧) કોવિડ ૧૯ કોરોના વાયરસરોમ ૨૦૧૯ એ સાર્સ કોરોના વાયરસ ૨ દ્વારા થતો ચેપી રોગ (૨) આ શબ્દ નવો છે. કોરોના શબ્દ એ મૂળ લેટિન ભાષાનો શબ્દ છે, જેનો અર્થ લેટિન ભાષામાં ‘ક્રાઉન’ (CROWN) થાય છે. ‘ક્રાઉન’ (રાજાનો તાજ અથવા મુગટ) પર જેમ સ્પાઈક્સની (ખીલ્લા આકારની…) સીરિઝ હોય એવી જ રીતે સ્પાઈક્સની સીરિઝ ‘સાર્સ-કોન-૨’ (SARSCOV-2) નામના વાઇરસ પર પણ હોય છે. ‘કોરોના’ એ વાઇરસ નથી પરંતુ, એક રોગનું નામ છે જે ‘સાર્સ-કોવ-૨’ નામના વાઇરસથી થાય છે. અહીં એ નોંધવું રહ્યું કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ આ ડિસીઝને એક નામ આપ્યું છે, જે ‘કોવિડ-૧૯’ (કોરોના વાઇરસ ડિસીઝ) અથવા (નોવેલ કોરોના વાઇરસ) તેથી આ પ્રતિયોગિતા માટે કીર્તિભાઈ અને ધર્મેશભાઈને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવે છે. અને આ સ્પર્ધામાં ભાગ લેનાર સૌ સ્પર્ધકોનો ગુજરાતીલેક્સિકન પરિવાર આભાર માને છે. 

૪૫ લાખથી વધુ શબ્દભંડોળ ધરાવના www.gujaratilexicon.com એ આજે ઘર ઘરમાં જાણીતું નામ બની ચૂક્યું છે. અમારો મુખ્ય ઉદ્દેશ ભાષા અને ટેક્નોલોજીના સમન્વય દ્વારા ભાષાને સંગ્રહિત કરી તેનો વ્યાપ વધારવાની છે, gujaratilexicon,com  વેબસાઇટની મુલાકાત લઈને ભાષા પ્રેમી પોતાનો શબ્દ ભંડોળ વધારી શકે છે, સાહિત્ય વાંચી શકે છે, વિવિધ જ્ઞાનવર્ધક રમતો રમી શકે છે અને અમારા આ કાર્યમાં જોડાઈ શકે છે, ભગવદ્રોમંડલ (bhagwadgomandal.com), લોકકોશ (lokkosh.gujaratilexicon.com) અને ગ્લોબલ. ગુજરાતીલેક્સિકોન (globalgujaratilexicon.coTV)ની સફળ રજૂઆત દ્વારા ગુજરાતીલેક્સિકને ભાષા પ્રેમીઓ માટે સમગ્ર વિશ્વને કમ્પ્યુટરની એક ક્લિકે ઉપલબ્ધ કરાવી આપ્યું છે.

ભગવદ્રોમંડલ એ ગુજરાતી ભાષાનો એકમાત્ર એન્સાઇકોપિડીયા છે. ગુજરાતીલેક્સિકનમાં તેનો સમાવેશ થતાં સૌ ભાષાપ્રેમીઓ માટે તે હાથવગો બન્યો છે. લોકકોશના માધ્યમ થકી શબ્દ કોશમાં સ્થાન નહી પામેલા પરંતુ લોકવપરાશમાં હોય તેવા શબ્દોને એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. જ્યારે ગ્લોબલ.ગુજરાતીલેક્સિકોન એ ગુજરાતી ભાષા અને વિશ્વની અન્ય ભાષાઓ વચ્ચેના સેતુ રૂપ છે. ગુજરાતીલેક્સિકોન આજે વિશ્વભરના લોકોમાં અને તેમાં પણ ખાસ કરીને વિદ્યાર્થીઓ, પત્રકારો, લેખકો, વ્યાપારીઓ, માહિતી સંચાર સાથે સંકળાયેલા લોકોમાં જાણીતું છે. વળી આ બધી સામગ્રી વિવિધ મોબાઇલ એપ્લિકેશન સ્વરૂપે એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેસ્ટોર પર પણ ઉપલબ્ધ છે. આશા રાખીએ છીએ કે ભારતીય ભાષાઓમાં થયેલ આ પહેલને આપણે સૌ સાથે મળીને આગળ ધપાવીશું.