ગુજરાતમાં ૯ થી ૧૨ બાદ હવે ૬ થી ૮ ધોરણના વર્ગો ૧૮ ફેબ્રુ.થી શરૂ થવાની જાહેરાત

 

અમદાવાદઃ કોરોનાકાળમાં જનજીવન જાણે ઠપ થઇ ગયું હતું, જેથી વિદ્યાર્થીના શિક્ષણ ઉપર પણ અસર વર્તાઈ હતી, જો કે આ અટકેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ ધીરે ધીરે પાટા પર આવી રહી છે. અને ધીરે ધીરે હવે શાળાના વર્ગો શરૂ થઈ રહ્યા છે, મહત્ત્વની વાત છે કે અગાઉ શરૂ થયેલ ૯ થી ૧૨ના વર્ગોમાં વિદ્યાર્થીઓની હાજરી પણ જોવા મળી રહી છે. ત્યારે હવે ૧૩ ફેબ્રુઆરીએ શિક્ષણ વિભાગે જાહેરાત કરી છે કે, ૧૮ ફેબ્રુઆરીથી ધોરણ ૬ થી ૮ના વર્ગો શરૂ થશે.

ત્યારે હવે ધોરણ ૯ થી ૧૨ના વર્ગો શરૂ થયા બાદ હવે રાજ્યમાં ધોરણ ૬ થી ૮ના વર્ગો શરૂ થવાની જાહેરાત કરાઈ છે. ૧૩ ફેબ્રુઆરીએ શિક્ષણ વિભાગે જાહેરાત કરી છે કે, ૧૮ ફેબ્રુઆરીથી ધોરણ ૬ થી ૮ના વર્ગો શરૂ થશે. સાથે જ આ જાહેરાત વચ્ચે શાળામાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. પરંતુ હજી ભય જણાતા વાલીઓ માટે તેમના વિદ્યાર્થીઓ માટે ઑનલાઈન શિક્ષણની વ્યવસ્થા યથાવત રહેશે તેવુ પણ શિક્ષણ વિભાગે જણાવ્યું હતું.  

આ શરૂ થતા વર્ગોમાં પણ પહેલાની જેમ જ જો વિદ્યાર્થીઓને બોલાવાના થાય તો સતત ત્રણ દિવસ બોલાવવાના રહેશે. ત્યાર બાદ બાકીના દિવસોએ બાકીના બીજા વિદ્યાર્થીઓને બોલાવવાના રહેશે. કયા વિષયો માટે કે અભ્યાસક્રમ માટે આ વ્યવસ્થા ગોઠવવાની છે તે અંગે પ્રિન્સિપાલે નિર્ણય કરવાનો રહેશે. હોસ્ટલ સુવિધા આપવાની થાય તો હાલમાં એક રૂમમાં એક વિદ્યાર્થી રહી શકશે. ફેસ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે.