ગુજરાતમાં ૨૦થી ૨૨ ટકા લોકોએ જ કોરોનાની રસી લીધી

 

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના રસીકરણની ઝુંબેશની જોરદાર શરૂઆત બાદ મોટા ભાગના લોકોએ સામે ચાલીને રસી લેવાનું ટાળ્યું હતું ત્યારબાદ રસી ખૂટતા રસીકરણ લગભગ ઠપ્પ થઇ ગયું હતું પરંતુ હવે રસીકરણ માટે લોકો સામે ચાલીને રસીકેન્દ્રો પર લાઇનો લગાવી રહ્યાં છે. જોકે હજુ પણ રસીનો પૂરતો સ્ટોક ન હોવાથી પૂરતા પ્રમાણમાં રસીકરણ થયું નથી. બીજી બાજુ હજુ માંડ ૨૦થી ૨૨ ટકા લોકોએ જ રસી લીધી છે. અમદાવાદમાં ૧૦ લાખની વસતીએ વેક્સિન લેનારી વ્યક્તિની સંખ્યા ૨.૫૦ લાખ છે.

ગુજરાત પાસે હવે વેક્સિનના ૫ લાખ જેટલા ડોઝ ઉપલબ્ધ છે. ગુજરાતને અત્યાર સુધી વેક્સિનનના ૧.૪૨ કરોડ ડોઝ મળી ચૂક્યા છે અને જેમાંથી તેણે ૧.૩૭ કરોડનો ઉપયોગ કરેલો છે.

ગુજરાતમાં રવિવારની સ્થિતિએ ૧,૦૩,૨૭,૫૫૬ વ્યક્તિઓએ પ્રથમ ડોઝ જ્યારે ૩૨,૧૪,૦૭૯ વ્યક્તિઓએ બીજા ડોઝની કોરોના વેક્સિન લીધી હતી. કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ઓક્ટોબર ૨૦૨૦ની સ્થિતિએ ગુજરાતની વસતી ૬.૯૪ કરોડ છે. ગુજરાતમાં ૧૬મી જાન્યુઆરીથી રસીકરણનો પ્રારંભ થયો હતો અને અત્યારસુધી ૧.૩૫ કરોડ લોકો કોરોના રસીના ડોઝ લઇ ચૂક્યા છે. આમ, ગુજરાતની કુલ વસતીના ૨૧ ટકા લોકોએ વેક્સિનના ડોઝ લીધો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જારી કરવામાં આવેલા અનુમાન પ્રમાણે હર્ડ ઈમ્યુનિટી માટે વસતીના ૬૦ ટકાથી વધુ લોકો વેક્સિન લઇ ચૂક્યા હોય તે જરૂરી છે. 

વેક્સિનના સૌથી વધુ ડોઝ બાકી હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ ૮.૭૮ લાખ સાથે મોખરે, તામિલનાડુ ૬.૭૧ લાખ સાથે બીજા જ્યારે ગુજરાત ૫.૦૧ લાખ સાથે ત્રીજા સ્થાને છે. ગુજરાતને હજુ આગામી દિવસોમાં ૬,૪૮,૭૦૦ ડોઝ મળવાના છે. અત્યારસુધી દેશના જે રાજ્યમાં વેક્સિનના સૌથી વધુ ડોઝ મળ્યા હોય તેમાં મહારાષ્ટ્ર ૧.૭૭ કરોડ સાથે મોખરે, રાજસ્થાન બીજા જ્યારે ગુજરાત ત્રીજા સ્થાને છે. ગુજરાતને અત્યારસુધી ૧,૪૨,૨૧,૭૯૦ ડોઝ મળેલા છે અને તેમાંથી ૧.૪૯ ટકા વેક્સિન વેડફાયેલી છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં ૧૦ લાખની વસતીએ સરેરાશ બે લાખ લોકો એવા છે જેમણે વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો છે. ગુજરાતમાં છેલ્લાં ૮ દિવસમાં ૧૩.૨૭ લાખને કોરોના વેક્સિન આપવામાં આવેલી છે. 

ગુજરાતના જે જિલ્લામાં સૌથી વધુ વેક્સિનેશન થયું છે તેમાં ૧૮.૦૩ લાખ સાથે અમદાવાદ મોખરે છે, ત્યારબાદ સુરત ૧૩.૦૫ લાખ સાથે બીજા અને વડોદરા ૯.૬૦ લાખ સાથે ત્રીજા સ્થાને છે. અત્યારસુધી ડાંગમાં સૌથી ઓછા ૪૩,૩૮૨ વ્યક્તિનું રસીકરણ થયેલું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here