ગુજરાતમાં મોટા ભાગના યાત્રાધામ કોરોનાની મહામારીને લીધે બંધ

 

અમદાવાદઃ ગુજરાતના મોટાભાગના ગામડા અને વેપારી એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક બંધ પાળવામાં આવી રહ્યો છે. રાજ્યમાં ઘણી જગ્યાએ તો સ્વૈચ્છિક લોકડાઉનની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે સાળંગપુર બી.એ.પી.એસ. મંદિર, બગદાણા ગુુરુઆશ્રમ, સોમનાથ મંદિર, વીરપુર મંદિર, સુરતનું અંબિકા નિકેતન મંદિર, વડોદરાનું તુલજા ભવાની સહિતના મંદિરો બંધ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં વધતા કોરોના કેસને લઈ બી.એ.પી.એસ. સાળંગપુર મંદિર દ્વારા તેમની નીચે આવતા તમામ મંદિર બંધ રાખવા કોઠારી સ્વામીએ નિર્ણય લીધો છે. ૧૧ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી હરિમંદિરો નવો નિર્ણય ન આવે ત્યાં સુધી બંધ રહેશે.

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી કે રવિવાર એટલે કે ૧૧મી એપ્રિલથી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. અન્ય નિર્ણય ન કરવામાં આવે ત્યાં સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સોમનાથનું મુખ્ય મંદિર ઉપરાંત ટ્રસ્ટ હસ્તકના શ્રી અહલ્યાબાઈ મંદિર, શ્રીરામ મંદિર, શ્રી લક્ષ્મીનારાણ – ગીતામંદિર, શ્રી ભાલકા તીર્થ મંદિર, શ્રી ભીડભંજન મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે.

આ સાથે જ શ્રદ્ધાળુઓ ભગવાન સોમનાથજીની પૂજાવિધિ ટ્રસ્ટની વેબસાઈટ પરથી ઓનલાઈન નોંધાવી શકશે. તેમજ સુવર્ણ કળશ સહિતની પૂજા ઓનલાઈન કરાવી શકશે. ઉપરાંત સોમનાથ ટ્રસ્ટના ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ટ્રસ્ટની વેબસાઈટથી શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. આ ઉપરાંત રાજકોટપંથકમાં ઝડપથી પ્રસરી રહેલા કોરોના સંક્રમણના લીધે વીરપુરના સુપ્રસિદ્ધ યાત્રા ધામ જલારામ મંદિરને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જલારામ મંદિર ૧૧ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. મંદિરની સાથે અન્નક્ષેત્ર પણ ૩૦ એપ્રિલ સુધી બંધ રહેશે. આ ઉપરાંત યાત્રાધામ શામળાજી મંદિર ૧૦ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કોરોનાના વધતા જતા સંક્રમણથી ફરી એકવાર મંદિરને તાળા લાગવા માંડ્યા છે. જેથી આગામી થોડા સમય સુધી ભક્તો દર્શનનો લ્હાવો લઇ શકશે નહીં. મંદિર બંધ કરાતા મંદિર પરિસરો સૂમસામ બન્યા છે