ગુજરાતમાં મુખ્યમંત્રી કોઇપણ હોય સરકાર તો પાટીલ જ ચલાવે છેઃ કેજરીવાલ

 

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓ જોરશોરથી તૈયારીઓમાં લાગી ગઇ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ આવ્યા હતાં. આપના નેતાઓએ સૂતરની આંટી પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું. તેમણે શાસ્ત્રી મેદાનમાં જંગી સભા સંબોધી હતી. પોતાના સંબોધનમાં કેજરીવાલે કહ્યું હતું કે આજકાલ ગુજરાતના ગામડે ગામડે અને ઘરે ઘરે આમ આદમી પાર્ટીની ચર્ચા થઇ રહી છે. તેમણે પોતાના ભાષણમાં ભાજપ પર ખાસ કરીને સી. આર. પાટીલ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, પાટીલ કહે છે કે હું ઠગ છું, હું તમને કહેવા માંગુ છું કે કોઇ ઠગ સરકારી સ્કૂલ ઠીક કરાવે? કોઇ ઠગ શિક્ષણ અપાવે, કોઇ ઠગ સરકારી હોસ્પિટલ ઠીક કરાવે. હું તમને ઠગ નજર આવું છું?

કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે દિલ્હીના લોકો મને ખૂબ પ્રેમ કરે છે. પરંતુ મને ખુશી છે કે ગુજરાતના લોકો પણ મને ખૂબ પ્રેમ કરે છે. ગુજરાતના ઘણા લોકો મને મળવા આવે છે. સભામાં કેજરીવાલે ૧૩ વાર સી. આર. પાટીલનું નામ લીધું હતું અને જણાવ્યું હતું કે, પાટીલને હું કહેવા માંગુ છું કે તમે ગુજરાતમાં છ હજાર સરકારી સ્કૂલ બંધ કરી દીધી, ગરીબ બાળકો માટે કેટલી સ્કૂલ ચાલુ કરાવી? પાટીલે એક સભામાં મને મહાઠગ ગણાવ્યો હતો, પરંતુ હું શું ઠગ છું? પાટીલ કહે છે કે, કેજરીવાલ આતંકવાદી છે. મને રાજનીતિ નહિ, કામ કરવાનું આવડે છે. આ સરકાર વીજળી ફ્રી નહિ આપે. આમ આદમી પાર્ટી લાવો અને વીજળી ફ્રી મેળવો. તેમણે કહ્યું કે, ગુજરાતમાં પેપર બહુ ફૂટે છે. હું પાટીલને કહું છું તમારાથી પેપરનું આયોજન ઠીક રીતે થતું નથી તો સરકાર શું ચલાવશો?

સી. આર. પાટીલ પર કટાક્ષ કરતાં કેજરીવાલે કહ્યું હતું કે, સાંભળ્યું છે કે ગુજરાતમાં મુખ્યમંત્રી કોઇપણ હોય સરકાર તો પાટીલ જ ચલાવે છે. ત્યારે હું પાટીલને કહેવા માંગુ છું કે તમે તો ૨૭ વર્ષમાં કોઇ યાત્રા નથી કરાવી પણ જો અમારી સરકાર બનશે તો ગુજરાતના તમામ વડીલોને તીર્થયાત્રા કરાવીશું.