ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત ૧૮૨માંથી ૧૫૬ બેઠકો પર જીત

 

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત હાસીલ કરેલ છે. ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ચૂટણીમાં ભાજપની ૧૫૬ સીટ પર ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસ પાર્ટીને માત્ર ૧૭ બેઠક, આમ આદમી પાર્ટીવે ૫ બેઠક અને ચાર બેઠક અપક્ષને ફાળે ગયેલ છે. આગામી ૧૨મી ડિસેમ્બરે શપથગ્રહણ સમારોહનું આયોજન થશે. નવી સરકારને લઇને ભાજપના કાર્યકરોમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપની જીતની ઉજવણી પણ ખુબ જ ભવ્ય હશે. વિધાનસભા પાછળ હેલિપેડ મેદનામાં શપથવિધિ યોજાશે. શપથવિધિ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગ્ાૃહ મંત્રી અમિત શાહ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે.

ભાજનો ભવ્ય વિજય થતા જ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે એકબીજાને મીઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેઓ કમલમમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો સાથે જીતની ઉજવણી મનાવી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઇ છે. મોટાભાગની બેઠકો પર ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કરી નાંખ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે ગુજરાતની જનતાએ ભાજપને આશિર્વાદ આપ્યા છે. આગામી પાંચ વર્ષ માટે ભાજપ સરકાર બનાવવા જઇ રહી છે. તેમણે ગુજરાતની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભાજપની જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી પ્રધાનમંત્રીએ સતત રેલીઓ, જાહેરસભાઓ અને રોડ-શો કર્યા હતા, અને તેઓ મતદારોને મનાવવામાં સફળ થયા હતા. સી. આર. પાટીલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગ્ાૃહમંત્રી અમીત શાહનો આભારત વ્યક્ત કર્યો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર ભરોસો મુક્યો અને અમને ફરી સેવાનો મોકો આપ્યો છે. ખોટા વાયદા કરનાર ઠગ લોકોને ગુજરાતની જનતાઓ નકાર્યા અને ભાજપને ભવ્ય જીત અપાવી. આ જીત બદલ મુખ્યમંત્રીએ ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય થતા જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગ્ાૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વાત સાચી પડી હતી કે, નરેન્દ્રનો રેકોર્ડ તોડી ભુપેન્દ્ર નવો રેકોર્ડ બનાવશે, અને ગુજરાતની પ્રજાઓ ગુજરાતમાં ભગવો લહેરાવ્યો. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ ભાજતીય જનતા પાર્ટીનો ખોબલે ખોબલે મત આપી સમગ્ર ગુજરાતમાં કમળ ખીલવ્યું છે. ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અપ-શબ્દો બોલનારને પ્રજાએ જબરદસ્ત જવાબ આપ્યો છે. હું ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરૂ છું. ગુજરાતની પ્રજાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટી ઉપર જે વિશ્વાસ વ્યક્ત કરી ભવ્ય જીત આપાવી છે. આગામી સમયમાં અમે બમણા વેગથી કામ કરીશું અને ગુજરાતને વેગવંતુ બનાવીશું. ગુજરાતની પ્રજાએ ડબલ એન્જીન અને ભરોસાની ભાજપ સરકારને ફરી એકવાર સત્તાનું સિંહાસન પ્રજાએ આપ્યું છે. સતત ૨૭ વર્ષથી સત્તાઉપર રહેલ ભાજપને વધુ પાંચ વર્ષ પ્રજાએ આપ્યા છે. ભાજપે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વિજય વાવટો ફરકાવી દીધો છે. અમદાવાદમાં મુસ્લિમ બહુમતી વિસ્તારમાં પણ ભાજપની જીત થઇ છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં પણ ભાજપનો દબદબો રહ્યો છે. મોટાભાગની બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થઇ છે.

સુરતમાં તમામ ૧૬ બેઠકો પર ભગવો લહેરાયો

વિધાનસભા ૨૦૨૨ની ચુંટણી ભાજપ   કોંગ્રેસ અને આપ માટે પ્રતિષ્ઠાની ચુંટણી બની ગઈ હતી. પરંતુ સુરતમાં મોદી મેજીક ચાલતા સુરત શહેરની ૧૨ સહિત શહેર જિલ્લાની તમામ ૧૬ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે.  પાટીદાર બહુમતીવાળી વિધાનસભામાં ભાજપને મુશ્કેલી પડશે તેવો દાવો કરવામાં આવતો હતો. પરંતુ આપના ફુગ્ગામાંથી હવા નીકળી ગઈ હતી. આપે થોડી ફાઈટ તો આપી પરંતુ તમામ બેઠકો પર ભાજપનો વિજય સરળ રહ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચુંટણી પહેલાં આપના સંયોજક અરવિંદ કેજરીવાલે સુરતની સાત બેઠક પર આપના ઉમેદવાર જીતે છે તેવો લેખિત દાવો કર્યો હતો. પરંતુ કેજરીવાલની ભવિષ્યવાણીના મતદારોએ ભુક્કા બોલાવી દીધા હતા. આમ આદમી પાર્ટી માત્ર સોશ્યલ મિડિયામાં આક્રમક રહી હતી, પરંતુ ભાજપના ઉમેદવારને ચૂંટણી મેદાનમાં પછાડી શકી ન હતી. ગુજરાતની સૌથી ચર્ચાસ્પદ એવી વરાછા વિધાનસભામાં પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા આપના જ્યારે પૂર્વ મંત્રી   કુમાર   કાનાણી ભાજપના ઉમેદવાર હતા.   આ બેઠક આપ જીતે તેવા અનેક દાવા થઈ ચુક્યા હતા, પરંતુ મતગણતરીના અંતે ભાજપના કુમાર કાનાણી ૧૬૭૫૪ મતે એટલે ગત વખત કરતા વધુ મતે જીતી ગયાં હતા આ બેઠક પર કોંગ્રેસ કોઈ જગ્યાએ સ્પર્ધામાં જોવા મળી ન હતી. કતારગામ બેઠક પર મંત્રી વિનોદ મોરડીયા ભાજપમાંથી જ્યારે આપના ઉમેદવાર પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા રહ્યા હતા. આ બેઠક પર ઈટાલીયા જીતે તેવો દાવો હતો, પરંતુ વિનોદ મોરડીયા ૬૯૦૩૫ મતે જીતી ગયાં હતા. કરંજ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર પ્રવિણ ઘોઘારી ૩૬૦૦૩ મતે જીતી ગયાં છે. ઉત્તર વિધાનસભામાં ભાજપના ઉમેદવાર કાંતિ બલર અને ઓલપાડ બેઠક પર મંત્રી મુકેશ પટેલ સરળતાથી જીતી ગયાં છે.   આ ઉપરાંત ભાજપ માટે સૌથી સલામત ગણાતી મજુરા, પશ્ર્ચિમ અને ચોર્યાસી તથા લિંબાયત બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. સુરતની ૧૨ ઉપરાંત જિલ્લાની ચાર મળીને આ ચુંટણીમાં ભાજપે તમામ ૧૬ બેઠક જીતી છે. સુરતમાં ભાજપના વિજય પાછળ લોકો મોદી મેજીક ગણી રહ્યાં છે છેલ્લી ઘડીએ મોદીની સભા અને રોડ શોએ સુરતનું વાતારવણ બદલાતા સુરતમાં ભગવો લહેરાયો છે.

કોંગ્રેસનો ગઢ કહેવાતા વિસ્તારોમાં ભાજપે બાજી મારી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. ભાજપે આ વખતે કોંગ્રેસના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો ૧૪૯ બેઠકોનો રેકોર્ડ તોડી નાંખ્યો છે, પરંતુ બીજી બાજુ ભાજપ અને કોંગ્રેસમાં આ વખતે જબરદસ્ત અપસેટ સર્જાયા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે કોંગ્રેસનો ગઢ કહેવાતા વિસ્તારોમાં પણ ભાજપે બાજી મારી છે. કોંગ્રેસના પરેશ ધાનાણી, લલિત વસોયા, લલિત કગથરા, ગ્યાસુદ્દિન શેખ સહિતના નેતાઓને હારનો સામનો કરવો પડ્યો છે.  ભાજપના ચીમન સાપરિયા, જવાહર ચાવડા, રમણ પટેલ જેવા નેતાઓને પણ હારનો સામનો કરવો પડ્યો છે. પાદરા અને વાઘોડિયા જેવી બેઠકો પર પણ મોટો અપસેટ જોવા મળ્યો છે. અહીં મધુ શ્રીવાસ્તવ અને દિનેશ પટેલ ભાજપે ટીકિટ નહીં આપતા અપક્ષમાં ચૂંટણી લડ્યાં હતાં, પરંતુ પાદરા બેઠક પર ભાજપની જીત થઈ છે અને વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જીતી ગયાં છે. 

———

જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર રીવાબા જાડેજાનો વિજય

ભારતીય જનતા પાર્ટી જામનગરના ૭૮- વિધાનસભા વિસ્તારના ઉમેદવાર રીવાબા જાડેજાએ જવલન્ત વિજય મેળવ્યા પછી તેઓનું ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું. આ વિજય સરઘસમાં રિવાબાના પતિ સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા, ઉપરાંત જામનગર જિલ્લાના સાંસદ પૂનમબહેન માડમ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડો. વિમલ કગથરા, જામનગર સહિત ત્રણે વિધાનસભા વિસ્તારની બેઠકના મુખ્ય ચૂંટણી ઈન્ચાર્જ પૂર્વ રાજ્યમંત્રી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવા, ૭૯-વિધાનસભા વિસ્તારના ચૂંટણી ઇન્ચાર્જ નિલેશભાઈ ઉદાણી તથા અન્ય વિશાળ સંખ્યામાં કોર્પોરેટરો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર વિધાનસભા વિસ્તારમાં વિજય સરઘસ પસાર થયું હતું. ત્યારે રિવાબા જાડેજાને ઉમળકાભેર આવકાર મળ્યો હતો, અનેક સ્થળોએ પુષ્પવૃષ્ટિ તથા હારતોરા કરીને  ભવ્ય સ્વાગત અને અભિવાદન કરાયું હતું. 

—————

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ હાર સ્વીકારી: રાજીનામું આપ્યું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ સતત સાતમી વખત બહુમતી મેળવીને સત્તા મેળવી લીધી છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની રેકોર્ડ બ્રેક સીટ સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૂપડા સાફ કરી નાખ્યા છે. ગુજરામાં કોંગ્રેસની હાલત ખરાબ કરી નાખી છે. વિધાનસભાની ગત ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં ખુબ જ સારૂં પ્રદર્શન કર્યું હતું. ગુજરાતમાં કોંગ્રેસની શરમજનક હાર થતા ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ હારની જવાબદારી સ્વીકારીને રાજીનામુ આપી દીધું છે. ગુજરાતમાં ભાજપે સૌથી વધુ સીટ મેળવીને જીત મેળવી છે તો બીજી તરફ કોંગ્રેસે રેકોર્ડ સીટ મેળવી છે