ગુજરાતમાં ફરી કોરોના કેસમાં ઉછાળો : નવા ૯૯૪૧ કેસ

 

અમદાવાદઃ ગુજરાતમાં ગત રોજ નોંધાયેલા નવા કેસ કરતાં આજે ૩૪ ટકાનો વધારો થવા પામ્યો છે. વિતેલા ૨૪ કલાક દરમ્યાન ગુજરાતમાં ૯૯૪૧ કોરોનાના નવા કેસ નોંધાવા પામ્યા છે. આમ ગુજરાતમાં પ્રતિ કલાકે ૪૧૪ કેસ અને પ્રતિ મિનિટે ૭ કેસ નોંધાવા પામ્યા છે. સુરતમાં કોરોનાની પ્રથમ અને દ્વિતીય લહેરનો રેકોર્ડ તૂટી જવા પામ્યો છે. ગુજરાતમાં આ અગાઉ ૬ મેના રોજ કેસ નોંધાયા હતા અર્થાત ૨૪૨ દિવસ બાદ કોરોનાના ફરી આ કેસ નોંધાવા પામ્યા છે.આજે કોરોનાથી સુરતમાં ૨, વલસાડમાં ૧ અને રાજકોટમાં ૧ મળીને ૪ મૃત્યુ નોંધાતા કોરોનાનો કુલ મૃત્યુઆંક ૧૦,૧૩૭ થયો છે. વિતેલા ૨૪ કલાક દરમ્યાન ગુજરાતમાં ૩૪૪૯ કોરોના દર્દી સાજા થતાં એક્ટિવ કેસનો આંક ૨૨૮ દિવસ પછી ફરી એક વાર ૪૩,૭૨૬ થયો છે. વિતેલા ૨૪ કલાક દરમ્યાન ગુજરાતમાં નોંધાયેલા ૯૯૪૧ કોરોનાની કેસમાં અમદાવાદમાં ૬ મે બાદ અર્થાત ૨૫૪ દિવસ બાદ ફરી એક વાર ૩૯૦૪ કેસ નોંધાયા છે. તો બીજી બાજુ સુરતમાં રેકોર્ડબ્રેક ૨૭૭૦ કોરોનાના કેસ નોંધાયા છે. વડોદરામાં ૮૬૨, રાજકોટમાં ૩૭૫ કેસ નોંધાયા છે.ગુજરાતમાં હાલ ૪૩,૭૨૬ એક્ટિવ કેસ છે જે પૈકી ૫૧ વેન્ટિલેટર પર છે. સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા જિલ્લામાં અમદાવાદ ૧૭,૯૬૧, સુરત ૧૨,૯૧૫, વડોદરા ૩૦૫૫ નોંધાયા છે. 

ગુજરાતમાં સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા જિલ્લામાં અમદાવાદ ૧૫,૭૨૧, સુરત ૧૦,૬૯૩, વડોદરા ૨,૪૨૫, રાજકોટ ૧,૮૦૨, ગાંધીનગર ૯૯૭, વલસાડ ૯૧૬, આણંદ ૬૮૭, નવસારી ૬૦૦, ભાવનગર ૫૯૬, મહેસાણા ૩૮૧ અને ખેડાના ૩૦૭ કેસનો સમાવેશ થાય છે.