ગુજરાતમાં નવા કેસ કરતાં સાજા દર્દી વધારેઃ ૧,૨૮,૪૩,૪૮૩ વ્યક્તિઓનું રસીકરણ

 

અમદાવાદઃ એપ્રિલ મહિનામાં કોરાનાએ તમામ રેકોર્ડ તોડ્યા બાદ મે મહિનાની શરૂઆત થતા ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા ઘટવા લાગી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૫ કેસના ઘટાડા સાથે નવા ૧૨,૯૫૫ કેસ નોંધાયા છે અને ૧૩૩ દર્દીનાં મૃત્યુ થયાં છે. તો ગુજરાતમાં દૈનિક સાજા થનાર દર્દીની સંખ્યાનો નિરંતર વધારો થયો છે. એપ્રિલ અને મેના ચાર દિવસ બાદ પ્રથમવાર નોંધાયેલા કોરોનાના કેસ કરતા સાજા થનાર દર્દીઓ વધુ જોવા મળ્યા છે. ૨૪ કલાકમાં ૧૨,૯૯૫ દર્દી સ્વસ્થ થયા અને ગુજરાતનો રિકવરી રેટ વધીને ૭૫.૩૫ ટકા થયો છે. અલબત્ત, આંકડાની આ માયાજાળથી લોકોએ જરા પણ હળવાશ અનુભવવાની જરૂર નથી. નાના મથકથી મહાનગર સુધી હોસ્પિટલો ફૂલ છે. ઓક્સિજન અને ઇન્જેક્શન માટે દોડધામ છે. આ સંજોગોમાં સંક્રમણ ફેલાતું કઇ રીતે અટકે એ પ્રયત્ન સઘન બનાવવાની જરૂર છે. ગુજરાત વડી અદાલતે રાજ્ય સરકારને રાત્રિ કર્ફ્યુ ઉપરાંત વધુ આકરાં પગલાંનો નિર્દેશ આપ્યો છે. જનતાએ માસ્ક, સામાજિક અંતર, હાથોની સ્વચ્છતાના નિયમો ચુસ્ત રીતે પાળવા જરૂરી છે. સાથે બને તેટલી ત્વરાથી રસી લઇ લેવી રહી. હવે દૈનિક કેસની સંખ્યા અને દૈનિક સાજા થનાર દર્દીની સંખ્યા વધતા ટકાવારીની દ્રષ્ટિએ ૧૦૦ ટકા ઉપર દર્દી સાજા થયા છે. 

ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૬,૩૩,૪૦૨ થઇ છે. મૃત્યુઆંક ૭,૯૧૨ થયો છે. ૪,૭૭,૩૯૧ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં હાલ ૧,૪૮,૧૨૪ એક્ટિવ કેસ છે. જેમાં ૭૯૨ કોરોના દર્દીઓ વેન્ટીલેટર પર છે.

અમદાવાદમાં ૪૨૪૮, સુરતમાં ૧૪૬૬, વડોદરામાં પ્રથમવાર ૧૦૦૦થી વધુ ૧૧૦૭, જામનગરમાં ૭૩૭, રાજકોટમાં ૫૬૧, ભાવનગરમાં ૩૯૧, જૂનાગઢમાં ૩૮૨, ગાંધીનગરમાં ૩૦૬, કચ્છમાં ૧૭૩ કેસ નોંધાયા છે. આજે ગુજરાતમાં ૨૬ જિલ્લામાં ૧૦૦થી વધુ કેસ નોંધાયા છે. આનો અર્થ એ થાય કે શહેરો સાથે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના હાલ વધુ પ્રસર્યો છે. 

અમદાવાદમાં ૨૩, સુરતમાં ૧૭, વડોદરામાં ૧૩, જામનગરમાં ૧૪, રાજકોટમાં ૧૬, ભાવનગરમાં ૮, જૂનાગઢમાં ૯, મહેસાણામાં ૨, પંચમહાલમાં ૨, સુરેન્દ્રનગર, મહિસાગર, ખેડામાં ૨-૨, કચ્છમાં ૩, બનાસકાંઠામાં ૪, સાબરકાંઠામાં ૫, ભરૂચ અને નર્મદામાં ૨-૨, નવસારી, દાહોદ, ગીર સોમનાથ, સાણંદ, અમરેલી, પાટણ, અરવલ્લી, છોટાઉદેપુર, વલસાડ, મોરબી અને બોટાદમાં ૧-૧ મૃત્યુ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કુલ ૧,૦૦,૯૧,૫૧૯ લોકોનું પ્રથમ ડોઝનું અને ૨૭,૫૧,૯૬૪ વ્યક્તિઓનું બીજા ડોઝનું મળીને કુલ ૧,૨૮,૪૩,૪૮૩ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે