ગુજરાતમાં નવલી નવરાત્રિ પર્વની શ્રદ્ધાભરી ઉજવણી


(ડાબે) અમદાવાદના મણિનગરમાં દુર્ગામાની, ગણેશજીની, અને અંબેમાની પ્રતિમા પંડાલમાં મૂકી વિધિવત્ દુર્ગાપૂજાની શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પૂજા-અર્ચના કરાઈ હતી. તસવીરમાં બંગાળી પરંપરા સાથે મા દુર્ગાની પૂજા કરતા ભક્ત નજરે પડે છે. (જમણે) રાજભવન વસાહત યુવક મંડળ દ્વારા રાજભવન કોલોનીમાં નવરાત્રિની કરાતી ઉજવણી. કરાઇ હતીય જ્યાં રાજ્યપાલ ઓ. પી. કોહલી, રાજ્યપાલ પરિવારે મા અંબાની આરતી ઉતારી હતી. (ફોટોઃ ગુજરાત ટાઇમ્સ સંકલન)

અમદાવાદઃ જગતજનની મા જગદંબાનાં નવલાં નોરતાંની સમગ્ર ગુજરાતમાં શ્રદ્ધાભરી ઉજવણી કરવામાં આવી. અંબાજીમાં મા અંબાના ચાચર ચોકમાં આબાલવૃદ્ધ સૌ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા ગરબા રમી અનેરો નજારો જોવા મળ્યો હતો. શક્તિપીઠોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમ, પૂજાપાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગરબાની રાજધાની ગણાતા વડોદરામાં એમએસ યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના ગરબા યુનિક રીતે તૈયાર કરી ગવાયા હતા. વિદેશમાં વસતા વિદ્યાર્થીઓ પણ આ ગરબા રમવા આવી પહોંચ્યા હતા. નવરાત્રિના પ્રારંભથી જ યુવાનોમાં ટેટૂઝનો ક્રેઝ વધ્યો છે. શહેરનાં યુવાનો-યુવતીઓ નવરાત્રિને લઈ ડિફરન્ટ ટેટૂ શરીરે ચીતરાવીને આદ્યશક્તિની આરાધના સાથે ગરબે ઘુમતા જોવા મળ્યા હતા. વડોદરાના પાદરા તાલુકામાં રણુ ગામે આવેલા 700 વર્ષ જૂના શ્રી તુળજાભવાનીના મંદિરમાં લાખ્ખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. શ્રી તુળજાભવાની માતાજીને નવરાત્રિમાં 150 વર્ષ પૂર્વે મલ્હારરાવ ગાયકવાડે ભેટમાં આપેલા કીમતી હિરા-માણેક જડેલાં અલૌકિક આભૂષણોથી શણગારવામાં આવે છે. આ આભૂષણોની કિંમત કરોડોમા આંકવામાં આવે છે.
અમદાવાદ સિંધુ ભવન રોડસ્થિત મુરલી ફાર્મમાં રોટરી ક્લબ ઓફ અમદાવાદ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલોમાં સ્વચ્છતા ફંડના ઉદ્દેશ્યથી ગરબાનું આયોજન કરાયું હતું. ‘વોશ ઇન સ્કૂલ્સ’ પ્રોજેક્ટ અંતર્ગત જે ફંડ ગરબામાંથી એકઠું થશે તેમાંથી કોર્પોરેશનની સ્કૂલોનાં ટોઇલેટ, વોશ બેસિન, તેમજ વોટર પ્યોરિફાયરની સગવડ આપવામાં આવશે. જેમાં અમદાવાદના રોટરી ક્બલના પાંચ ગવર્નર, 26 રોટરી ક્લબ અને 30 રોટરેક્ટ ક્લબ દ્વારા મદદ કરવામાં આવશે. આ સમગ્ર ગરબા મહોત્સવના ચીફ ગેસ્ટ તરીકે જયપુરથી બિંદુ સોગાણી હાજર રહ્યાં હતાં.
રાજકોટ શહેરના મોરબી રોડ પરના બેડી નજીક આવેલા હડમતિયા ગામમાં નવદુર્ગા ગરબી મંડળમાં અવનવા રાસ રમવામા આવ્યા હતા. આ ગરબીમાં મોગલ છેડતા કાળો નાગ, બુલેટ રાસ, જીપ રાસ વગેરેની રમઝટ બોલાવવામાં આવી હતી. તેમાં પણ બુલેટ રાસ પર સૌ કોઈ ઓવારી જાય છે. જેમાં ગરબના મંડપમાં યુવાનો બુલેટ ચલાવે છે અને બાળાઓ બુલેટ પાછળ બેસી ઊભાં રહી રાસ રમે છે. આ રાસ જોવા માટે લોકોની ભીડ જામે છે ઉપરાંત ગુજરાતમાં આવેલી શક્તિપીઠોમાં આદ્યશક્તિ મા અંબાનાં નવલાં નોરતાંની શ્રદ્ધાભરી ઉજવણી કરાઈ હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here