ગુજરાતમાં ધોરણ ૧થી ૩માં ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી વિષય ભણાવાશેઃ શિક્ષણમંત્રી

 

ગાંધીનગરઃ ગુજરાતના વિદ્યાર્થીઓનો અંગ્રેજીનો પાયો કાચો ન રહી જાય તે માટે હવે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા જાહેરાત કરાઈ છે. નવા સત્રથી ધોરણ ૧થી ૩માં ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી વિષય ભણાવવાનો નિર્ણય કર્યો છે. ધોરણ ૧ અને ૨માં મૌખિક અને ધોરણ ૩માં પુસ્તક હશે. વિદ્યાર્થીઓને શબ્દો અને ચિત્રો દ્વારા અંગ્રેજી શીખવાશે. બાળકની નાની ઉંમર હોય ત્યારે તેમની યાદ શક્તિ સારી હોય છે, જેના કારણે સરકારનો નાની ઉંમરથી જ અંગ્રેજી વિષય ભણાવવાનો નિર્ણય કરાયો છે. ઉલ્લેખનિય છે કે, હાલમાં રાજ્યમાં પાંચમાં ધોરણથી અંગ્રેજી વિષય ભણાવવામાં આવે છે. પરંતુ હાલમાં અંગ્રેજીનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી બની ગયું છે અને તેવામાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ અંગ્રેજીમાં પાછળ ન રહી જાય તે માટે સરકાર શરૂઆતથી જ આ વિષય ભણાવવાનું શરૂ કર્યું છે