ગુજરાતમાં જળસંકટનાં વાદળો ઘેરાયાંઃ સરદાર સરોવર નર્મદા ડેમમાં બે ટકા જ પાણી

ગાંધીનગરઃ ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે અને આ વર્ષે પ્રથમ રાઉન્ડમાં સંતોષકારક વરસાદ ન પડતાં અને બીજા રાઉન્ડમાં વરસાદ ખેંચાઈ જતાં ગુજરાતમાં જળસંકટનાં વાદળો ઘેરાયાં છે. રાજ્યમાં સિંચાઈ અને પીવાના પાણી માટે ખાસ કરીને 203 નાનામોટા ડેમો, 17 મોટા ડેમો અને સરદાર સરોવર નર્મદા ડેમ પર આધાર રાખવામાં આવે છે, જેની પાણીની કુલ સંગ્રહક્ષમતા 38,152 મિલિયન ક્યુબિક મીટર છે. હાલમાં 9153 મિલિયન ક્યુબિક મીટર પાણી છે. સૌથી વધારે ચિંતાજનક બાબત એ છે કે ગુજરાતમાં કચ્છ સહિતના પાણીની અછત ધરાવતા જિલ્લાઓમાં પીવા અને સિંચાઈ માટે નર્મદા ડેમમાં માંડ 46 મિલિયન ક્યુબિક મીટર અર્થાત્ અડધો ટકા જેટલો પાણીનો જથ્થો છે, જે ચાર દિવસ ચાલે જેટલો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 55 ટકા વરસાદ પડ્યો છે. ઓગસ્ટનાં ત્રણ અઠવાડિયાં અને આખો સપ્ટેમ્બર બાકી હોવાથી બાકીના સમયગાળામાં 45 ટકા વરસાદ પડવાની શક્યતા છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં સરદાર સરોવર નર્મદા યોજના જીવાદોરીસમાન મનાય છે.
નર્મદા નદીની કુલ લંબાઈ 1164 કિલોમીટર છે, જ્યારે નર્મદા યોજના અમલમાં આવી ત્યારે ટ્રિબ્યુનલે નદીમાં 28 મિલિયન એકર ફિટ પાણી રહેવાની ગણતરી સાથે ગુજરાતને નવ મિલિયન એકર ફીટ પાણી ફાળવ્યું હતું, પરંતુ હાલમાં 54.50 મિલિયન એકર ફીટ પાણી જ છે. ગુજરાતમાં સરદાર સરોવર નર્મદા ડેમમાં માત્ર બે ટકા પાણીનો જીવંત જથ્થો છે, જે માંડ ચારથી પાંચ દિવસ ચાલે તેટલો છે.