ગુજરાતમાં ગરમીનો પારો ચારથી પાંચ ડિગ્રી ઊંચો જવાની સંભાવના

અમદાવાદઃ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હોવાથી વાતાવરણ ડહોળાયેલું રહેતું હતું અને એપ્રિલમાં ગરમી પડવી જોઈએ તેના કરતા ઘણી ઓછી વર્તાતી હતી. આમ તો ગરમીથી મળેલી રહાત સૌને ગમતી હતી, પરંતુ મિશ્ર ઋતુને લીધે બીમારી તેમ જ ખેતીને થતા નુકસાનથી સૌ કોઈ ચિંતિત હતા. ત્યાર હવે હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યભરમાં આગઝરતી ગરમીની પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ અમદાવાદમાં 42 ડિગ્રીને પાર તાપમાન પહોંચશે. હિટ એક્શન પ્લાન અંતર્ગત અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ અમદાવાદમાં 10 અને 12 મે ના રોજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. જોકે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સૂરત વગેરે શહેરો સહિત મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ધોમધખતો તાપ પડી રહ્યો છે. આ સમયે જ કોલેજોમાં પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓ પરેશાની અનુભવી રહ્યા છે. મોટા ભાગે તેમના પરીક્ષાના સમય પણ બપોરે ત્રણના હોય છે. અમદાવાદમાં આ સમયે તાપમાન 40 ડિગ્રી હોય તો પણ ગરમી 43 ડિગ્રી કે તેનાથી વધારે જેટલી અનુભવાતી હોય છે. આ સાથે પરિવહનની સમસ્યા પણ હોય છે. તે જ રીતે રસ્તા પર ઉભા રહેતા ફેરીયા તેમ જ સાયકલ અને ટુ વ્હીલરમાં પ્રવાસ કરતા કામધંધે જતા લોકો માટે આ મુશ્કેલીનો સમય બની જાય છે. આવનારા બેથી 6મ અઠવાડિયા દરમિયાન લોકોએ ગરમી અને લૂ સહન કરવા તૈયાર રહેવું પડશે, તેમ હવમાન ખાતાની આગાહી પરથી લાગી રહ્યું છે. ગરમીથી બચવા માટે બપોરના સમયે ઘરની બહાર ન નીકળવું, સતત લીંબુ પાની પીતા રહેવું. લૂ લાગેતો ફેમીલી ડોક્ટરની સલાહ લેવી અને ડોક્ટરના કહ્યા અનુસાર દવા લેવી જરૂરી છે.