ગુજરાતમાં કોરોના વાઇરસના થર્ડ વેવની તૈયારીઃ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર

 

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાઈરસના પહેલા ફેઝમાં એકંદરે સારી કામગીરીને લીધે સરકારના વખાણ થયાં હતા પરંતુ બીજા ફેઝમાં વાઈરસ એટલી હદે ફેલાઇ ગયો હતો કે, હોસ્પિટલોમાં બેડ પણ ખૂટી પડ્યા હતા એટલું જ નહીં અનેક દરદીઓના મોત થયાં હતાં. ઑક્સિજન અને દવાઓની ભારે અછતથી સરકારના માથે માછલાં ધોવાયાં બાદ હવે રૂપાણી સરકારે ત્રીજા ફેઝમાં કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા અને દરદીઓની ઝડપી સારવાર તેમજ દવા મળી રહે તે માટેની આગોતરી વ્યવસ્થા શરૂ કરી છે.

કોરોનાની થર્ડ વેવ વધારે ખતરનાક હોવાની શંકા ડોક્ટરો અને વિજ્ઞાનીઓએ વ્યક્ત કરી છે. તંત્રએ અત્યારથી થર્ડ વેવનો સામનો કરવા આગોતરી તૈયારી શરૂ કરી છે. ખાસ કરીને અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ સાતેય ઝોનમાં કુલ આઠ સભ્યોની એક ઝોનલ કમિટી બનાવાઈ છે. આ કમિટીએ સેકન્ડ વેવમાં પડેલી મુશ્કેલીઓનું થર્ડ વેવમાં પુનરાવર્તન ના થાય તે માટેની સમીક્ષા કરી હતી. સેકન્ડ વેવમાં મુખ્યત્વે હોસ્પિટલોમાં બેડ ખૂટી પડવાની મોટી સમસ્યા જોવા મળી હતી. આ ઉપરાંત ઓક્સિજન અને કોરોનાની સારવાર માટે ઉપયોગી ઈન્જેક્શન પણ ખૂટી પડ્યા હતા તે બાબતે પણ આગોતરું આયોજન કરવા પ્રસ્તાવ મુકાયો હતો. હાલ શહેરમાં વધુ ત્રણ હજાર ઑક્સિજન-આઈસીયુ બેડની વ્યવસ્થા કરવા યોજના બનાવાઈ છે.

સાતેય ઝોનના સભ્યોએ પોતપોતાના ઝોનમાં જુદીજુદી હોસ્પિટલો, કમ્યુનિટી હોલ તથા હંગામી હોસ્પિટલનું માળખું તૈયાર થઈ શકે તેવી જગ્યાનું ૧૮મી મેના રોજ નિરીક્ષણ કરી ૨૮મીએ ફીઝીબીલીટી રિપોર્ટ રજૂ કરી દીધો છે. ટેન્કની રિપોર્ટમાં ૩૦ જેટલી સાઈટ નક્કી કરવામાં આવી છે જ્યાં સરેરાશ ૧૦૦ ઑક્સિજન-આઈસીયુ બેડની વ્યવસ્થા થઈ શકે તે માટેનું પ્રાઈમરી પ્લાનિંગ છે. સાઈટ વિઝિટમાં મુખ્યત્વે તમામ સ્થળે ઑક્સિજન લાઈન અથવા ઑક્સિજન ટેન્કની કેવી રીતે વ્યવસ્થા થશે તેનો સેટઅપ પ્લાન તૈયાર કરાયો હતો. વેન્ટિલેટરના અભાવે કોઈ વ્યક્તિનું મૃત્યુ ના થાય તે માટે કોર્પોરેશને વધુ ૫૦ વેન્ટિલેટર ખરીદવા નિર્ણય કર્યો છે. આ વેન્ટિલેટર્સને જરૂરિયાત મુજબ કોર્પોરેશનની હોસ્પિટલોને ફાળવવામાં આવશે. કોર્પોરેટરોએ વેન્ટિલેટર માટે બજેટ ફાળવ્યું છે. આ અંગેના ટેન્ડરની પ્રક્રિયા કરી વેન્ટિલેટર ખરીદવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. હાલ મ્યુનિ સંચાલિત હોસ્પિટલોમાં ઑક્સિજન ટેન્કની વ્યવસ્થા છે, પણ હવે તે ટેન્કની કેપેસિટી વધારવા અંગે કમિટીએ વિચાર કર્યો છે. થર્ડ વેવમાં આગોતરી તૈયારીના ભાગરૂપે ટેન્કની કેપેસિટી વધારવી તેમ જ ઑક્સિજન પ્લાન્ટ સાથેના કાયમી એમઓયુ કરવાનું પ્લાનિંગ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના ત્રીજા વેવની સંભાવના અને અનુમાનો સામે ગુજરાતની સજજતાની વિસ્તૃત સમીક્ષા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તાજેતરમાં જ કરી હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પાંચ મહાનગરોના મ્યુનિસિપલ કમિશનર્સ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને કોર કમિટીનો સીધો સંવાદ કર્યો હતો. કોરોનાના કેસો ઘટી રહ્યા છે, પણ ગુજરાતે સંયમ દાખવીને સજાગ અને સાવધાન રહેવાનું છે તેવું સૂચન પણ કર્યું હતું