ગુજરાતમાં કોરોના મહામારીનો પ્રકોપ વધી રહ્યો છે, નક્કર પગલાં લેવા ગુજરાતની સરકારને અનુરોધ કરતી હાઈકોર્ટ …

 

      ગુજરાતમાં કોરોના મહામારીનો અજગર ભરડો લેતો જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિ ચિંતાભરી છે. વાયરસના સંક્રમણના કેસ વધતા જાય છે. મૃત્યુ આંક વધતો જઈ રહ્યો છે. કોરોનાની વેકસીન હજી તમામ લોકો સુધી પહોંચી નથી. કોરોના દિન- પ્રતિદિન વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને પંજાબમાં તો પરિસ્થિતિ વધુ ખરાબ છે. મહારાષ્ટ્ર ને ગુજરાતની હાલત તો બદતર છે. આવા માહોલમાં દેશનું કે રાજ્યનું ન્યાયતંત્ર દેશની જનતાની ચિંતા કરે એ અતિ સ્વાભાવિક છે.અમદાવાદની  વડી અદાલતે કોરોનાના મામલે ગુજરાત સરકારને તાકીદ કરી હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટેૈ સરકારને કોરોનાનાં સંક્રમણની ચેઇન તોડવા માટે તાકીદના અને કડક પગલાં ભરવાનો અનુરોધ કર્યો હતો. હાઈકોર્ટે 3-4 દિવસનું લોકડાઉન અને વિક એન્ડ કરફયું લાદવાની સરકારને ભલામણ  કરી  હતી. હાઈકોર્ટે સખત શબ્દોમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સ્થિતિ લોકડાઉન લાગુ કરવો પડે એવી અનિયંત્રિત બની રહી છે. હાઈકોર્ટે વિવિધ સામાજિક કાર્યક્રમો કે મેળાવડા બંધ રાખવા, જાહેર કાર્યક્રમોના નિયમો વધુ કડક કરવા તથા લોકો પાસે કોરોના અંગેના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવાનો અનુરોધ કર્યો હતો. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ ભાર્ગવ કારિયાની ખંડ પીઠે ઉપરોક્ત નિર્ણય લીધો હતો. ગુજરાત હાઈકોર્ટનો આદેશ મળ્યા બાદ રાજય સરકારની ગતિવિધિ વધુ ઝડપી બની ગઈ છે. રાજય સરકારે એવું જણાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું કે, હાઈકોર્ટના નિર્દેશ અંગે પૂરતી તકેદારીથી અભ્યાસ કર્યા બાદ જ સરકાર કોઈ નિર્ણય લેશે. ગુજરાત હાઈકોર્ટે એવું પણ કહ્યું હતું કે, ગુજરાતની પ્રજામાં કોરોના અંગે જાગૃતિ અને શિસ્ત લાવવા માટે રાજ્ય સરકારે પણ સ્વયંશિસ્ત રાખવાની જરૂર છે.