ગુજરાતમાં કોરોનાના કેસ વધતાં વધારે વ્યવસ્થા ઉભી કરવાનો પડકારઃ નીતિન પટેલ

 

ગાંધીનગરઃ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રવિવારે પત્રકારોને સંબોધન કરતા કહ્યું હતું કે, રાજ્ય અને દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા અચાનક છેલ્લા ૧૦ થી ૧૨ દિવસમાં વધી છે. ગુજરાતમાં પણ ૯૦૦૦ દર્દી પોઝિટીવ આવી રહ્યાં છે. પહેલા પીકમાં ગુજરાતના માત્ર કેટલાક વિસ્તારમાં જ કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું હતું. પરંતુ બીજા પીકમાં ગુજરાતનો કોઇ જિલ્લો બાકી રહ્યો નથી. અમારી વ્યવસ્થા સામે દર્દીઓની સંખ્યા વધારે છે. અમે વ્યવસ્થા કરીએ છીએ પણ તેની સામે કેસ વધતાં વધારે વ્યવસ્થાની જરૂરિયાત ઉભી કરવાનો પડકાર આવે છે. હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઈન અમને પણ ગમતી નથી, પણ એ મજબૂરી છે. ઓક્સિજન, બેડ, ઈન્જેક્શન વધારવાના સરકાર દ્વારા સતત પ્રયાસો થઇ રહ્યાં છે. 

રાજ્યમાં કથળેલી કોરોનાની સ્થિતિને લઈ સોમવારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. રોજ ૯૦૦૦થી વધુ કેસો આવે છે. બીજી લહેરમાં કોઈ જિલ્લા કે તાલુકામાં કેસ નથી એવું રહ્યું નથી. તેમણે કહ્યું કે, સરકારની, કોર્પોરેશનની અને ખાનગી હોસ્પિટલોએ તમામ જગ્યાએ પથારીઓ ભરેલી છે. તેથી જ વિનંતી છે કે, જરૂરિયાત મુજબના દર્દી જ હોસ્પિટલમાં દાખલ થવાનો આગ્રહ રાખે.  જેમને શ્વાસની તકલીફ નથી એ હોમ આઇસોલેટ થાય. માત્ર ગંભીર પ્રકારના દર્દીઓ જ હોસ્પિટલમાં દાખલ થાય.

લોકડાઉન કરવું ઉપયોગી નહીં થાય. લોકો પોતાની જવાબદારી નહીં સમજે ત્યાં સુધી સંક્રમણ નહીં અટકે. અનેક જગ્યાએ સમાજ અને સંસ્થા તરફથી કોવિડ સેન્ટર બનાવવા રજુઆત કરવામાં આવે છે. તમામ સમાજ સંસ્થાને અભિનંદન આપીએ છીએ. પરંતુ સ્ટાફ અને વ્યવસ્થા ઉભી કરવી પડે. ઓક્સિજન બેડ, વેન્ટિલેટર પણ જરૂર પડે. સારવાર માટે સ્ટાફ જોઈએ. તેમણે કહ્યું કે તમામ સરકારી હોસ્પિટલો પર ખૂબ જ ભારણ આવ્યું છે. ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફને અભિનંદન આપું છું. રજા વગર ૧૦૮, ડોક્ટરો અને સ્ટાફ રાત દિવસ કામ કરે છે.  સિવિલ હોસ્પિટલ સરકારની સૌથી મોટી હોસ્પિટલ છે. તેથી આરોગ્ય વિભાગની જવાબદારી છે કે હોસ્પિટલ આવેલ દર્દીને દાખલ કરવાનો ડોકેટર પ્રયત્ન કરે છે. બીજી હોસ્પિટલ વધતી ઓછી જવાબદારી નિભાવતા હોય, પણ સરકાર તમામ દર્દીને સિવિલમાં દાખલ કરવા કટીબદ્ધ છીએ. અહી ભલે લાઈન લાગે, આ ચિત્ર સારું નથી, આ શોભતું નથી, પણ આ અમારી મજબૂરી છે. ૧૦૮માં પણ દર્દી હોય, તો પણ તેમાં ઓક્સિજન ચાલુ રાખીને દર્દીનો જીવ બચાવવાનો પ્રયાસ કરીએ છીએ. જેમ બેડ ખાલી થાય તેમ અમે દર્દીને દાખલ કરીએ 

છીએ