ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઊજવણીઃ મહિલા વિકાસ પુરસ્કાર એનાયત કરાયા 

 

ગાંધીનગરઃ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં રાજયકક્ષાના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબહેન વકીલ અને રાજ્ય કક્ષાના આરોગ્યમંત્રી નિમિષાબહેન સુથાર હાજર રહ્યા હતા. 

મુખ્યમંત્રીએ મહિલાલક્ષી યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. જેમાં સખી વન સ્ટોપ સેન્ટર દેવભૂમિ દ્વારકાનું ઇ લોકાર્પણ કર્યું હતું. તેમજ ૭૨ આંગણવાડી કેન્દ્રોનું ઇ-લોકાર્પણ અને ૨૩ આંગણવાડી કેન્દ્રોનું ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું. જ્યારે બે ICDS કચેરીનું લોકાર્પણ અને ફોર્ટીફાઈડ આટાનું લોકાર્પણ કર્યું હતું. 

આ પ્રસંગે રાજય સરકાર દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર અને માતા યશોદા પુરસ્કારનું વિતરણ કરાયું હતું. ૧૦૧ વર્ષના વરિષ્ઠ ગંગા સ્વરૂપા બહેનનું પણ મુખ્યમંત્રીએ સન્માન કર્યું હતું. વહાલી દીકરી યોજનાની મંજૂરી હુકમનું વિતરણ તથા મહિલા સ્વાવલંબન યોજનાના લાભાર્થીઓને ચેકનું વિતરણ કરાયું હતું. 

ઇડરની કુટુંબ અને બાળ કલ્યાણ સમિતિને એક લાખનો ચેક આપી ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ભરૂચની સેવા યજ્ઞ સમિતિને એક લાખનો ચેક આપી શ્રેષ્ઠ સંસ્થા તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. સૌથી વધુ દૂધ ભરાવનાર સાબરકાંઠાના મહિલા અગ્રેસર વીણાબહેન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. વિશિષ્ટ કમિગીરી બાદ રાજકોટના દીપિકાબહેન પ્રજાપતિ અને વલસાડના ભાવનાબહેન મિસ્ત્રીને ૫૦ હજારનો ચેક આપી સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદના કુહાના આંગણવાડી વર્કર કામિનીબહેન પટેલને ૫૧ હજારનો તથા કુહાના આંગણવાડી તેડાગર હંસાબહેન વાળંદને ૩૧ હજારનો ચેક આપી માતા યશોદા પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. માણસાના ૧૦૧ વર્ષના જ્યોતીબહેન પ્રજાપતિનું મુખ્યમંત્રીએ વરિષ્ઠ ગંગા સ્વરૂપા યોજના હેઠળ સન્માન કર્યું હતું. ગાંધીનગરની પાર્થવી સોલંકીને વહાલી દીકરી યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના હેઠળ અમદાવાદના સોનલબહેન રાવળને ૨૫ હજારની રકમનો ચેક આપવામાં આવ્યો હતો. 

આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષા વકીલે જણાવ્યું હતું કે આ વર્ષે મહિલા અને બાળ વિકાસનું પાંચ હજાર કરોડનું બજેટ મંજૂર કર્યું છે. સરકારે કુપોષણ માટે ૮૧૧ કરોડનું બજેટ આપ્યું છે. પોષણમાં આપણે પાછળ રહી જતા હોઈએ તો સરકાર સહિત આપણા સૌની જવાબદારી છે. કુપોષણ દૂર થાય તે માટે સાથે મળીને ચાલવાનું 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના સૌ પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને યાદ કરવા પડે. વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ નીમાબહેન આચાર્યને યાદ કરવા પડે. મહિલા આજે ક્યાંય પાછળ નથી. ભારતીઓને પરત લાવવા વડાપ્રધાને ઓપરેશન ગંગા શરૂ કર્યું. દિશા ગડા એર ઇન્ડિયાના પાયલોટ યુદ્ધમાં ફસાયેલા 

ભારતીયોને પરત લઈને આવે છે. ગુજરાતની છ દીકરીઓએ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. સ્વાસ્થ, સેવા અને સુરક્ષાના ત્રી સ્તરીય અભિગમ સાથે સરકાર આગળ વધી રહી છે. કુપોષણ શબ્દ દૂર કરવા સરકાર કટીબદ્ધ છે. આ માટે સુપોષિત માતા યોજના અમલમાં મૂકી છે. વહાલી દીકરી યોજના હેઠળ ૧.૧૦ લાખ રૂપિયા સરકાર આપે છે. રાસાયણિક ખાતર અને દવાઓથી થયેલી ખેતીથી નાના બાળકો અને યુવાનોને ડાયાબિટીસ, હાર્ટ એટેક આવે છે. જેનાથી બચવા વડાપ્રધાને પ્રાકૃતિક ખેતીનું આહવાન કર્યું છે. પ્રાકૃતિક ખેતી માટે ગાયને પાળવા સરકાર મહિને ૯૦૦ રૂપિયા આપશે.