ગુજરાતભરમાં ભક્તિભાવપૂર્વક ગણેશોત્સવની ઉજવણી

????????????????????????????????????

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં ગણેશોત્સવની શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણીનો પ્રારંભ થયો છે. અમદાવાદમાં વિશાળ પંડાલ, શામિયાણામાં ગણેશ ચતુર્થીના પાવન દિવસથી શ્રી ગણપતિદાદાનું સ્થાપન કરવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, નડિયાદ શહેર સહિત રાજ્યભરમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
રાજ્યભરમાં ગણેશજીના ઊભા કરાયેલા વિશાળ મંડપ, પંડાલ, શામિયાણામાં જાતજાતની અને ભાતભાતની આકર્ષક મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું છે. દસ-દસ દિવસ શ્રીજીને આરતી, પ્રાર્થના સ્તુતિ, થાળ, ભજન, ધૂન સહિત ધાર્મિક-સાંસ્કૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર બાદ અનંત ચતુર્દશીએ ગણપતિદાદાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. શંકર-પાર્વતીના પુત્ર ગણેશ ભગવાન એ રિદ્ધિ-સિદ્ધિ, ધન-વૈભવ અને સૌભાગ્યના અધિપતિ દેવતા કહેવાય છે અને સર્વ દેવોમાં તેમની સૌથી પહેલી પૂજા થાય છે, ત્યારે ગણેશ મહોત્સવને લઈ શહેર સહિત રાજ્યભરના ગણેશભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભાદ્રપદની શુકલ પક્ષની ચતુર્થીના દિવસથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થાય છે. ગણેશ મહોત્સવને લઈ શહેરના વિવિધ વિસ્તારોમાં જુદાં જુદાં યુવકમંડળો દ્વારા સેંકડોની સંખ્યામાં દુંદાળા દેવ ગણપતિજીની વાજતે-ગાજતે, ફટકડાની આતશબાજી અને અબીલગુલાલની છોળો વચ્ચે શાહી સવારી કાઢી પોતપોતાના વિસ્તારોના પંડાલ-શામિયાણામાં વિવિધ સ્વરૂપોની આકર્ષક મૂર્તિઓનું વિધિવત્ રીતે સ્થાપન કરવામાં આવ્યું. અમદાવાદ શહેરમાં આ વખતે સાડા ત્રણ હજારથી વધુ સ્થળોએ ગણપતિદાદાની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું છે. પાછલાં કેટલાંક વર્ષોથી મુંબઈની જેમ અમદાવાદ, સુરત, વડોદરા સહિતનાં શહેરોમાં પણ ગણેશ મહોત્સવનો અનેરો ઉત્સાહ લોકોમાં વધતો જાય છે. વિઘ્નહર્તા દેવ પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થા વધવાની સાથે સાથે શહેર સહિત રાજ્યભરમાં દાદાના પંડાલ અને ગણેશ સ્થાપનાની સંખ્યામાં પણ નોંધપાત્ર રીતે વધારો થયો છે.

મહેશાણામાં રાજમહેલ રોડ ઉપર આવેલ ગણપતિદાદાના મંદિરે પરંપરાગત રીતે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તસવીરમાં ગણપતિ પ્રતિમા સાથે મંદિરના ટ્રસ્ટી બાલુપૂરી ગોસ્વામી, લાલજી મહારાજ સહિત કાર્યકર્તાઓ નજરે પડે છે. (ફોટોઃ વિરેન્દ્ર રામી)