ગુજરાતને રૂ. ૫૦૦ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેરઃ મુખ્યમંત્રી

 

અમદાવાદઃ રાજ્યમાં તાજેતરમાં જ ત્રાટકેલા ‘તાઉ તે’ વાવાઝોડાના કારણે બાગાયતી પાકો અને ઉનાળુ પાકોને થયેલા વ્યાપક નુકસાન સામે રૂા. ૫૦૦ કરોડના વાવાઝોડા કૃષિ સહાય પેકેજની જાહેરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી છે. જેમાં મૂળમાંથી ઉખડી ગયેલા બાગાયતી પાકોના કિસ્સામાં હેક્ટરદીઠ વધુમાં વધુ રૂા. ૧ લાખની સહાય બે હેક્ટર સુધીની મર્યાદામાં આપવામાં આવશે. 

બુધવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલા કોર ગ્રુપની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અંગે વધુ વિગતો આપતા રૂપાણીએ જણાવ્યું હતું બહુવર્ષાયું ફળ આંબા, ચીકુ, લીંબુ, નારિયેળ, જામફળ વગેરે પાકોમાં જ્યાં ઝાડ ઉભા છે પરંતુ પાક ખરી પડ્યો છે અને ૩૩ ટકાથી વધુ નુકસાન થયું છે તે માટે રૂા. ૩૦,૦૦૦ પ્રતિ હેક્ટર સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે. 

ઉપરાંત રાજ્ય સરકાર ઉનાળુ કૃષિ પાકો તલ, બાજરી, મગ, અડદ, ડાંગર, મગફળી, ડુંગળી, કેળ, પપૈયા વગેરેમાં ૩૩ ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તેવા કિસ્સામાં ઉત્પાદન નુકસાન સહાય પેટે હેક્ટર દીઠ રૂા. ૨૦,૦૦૦ની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં રાજ્ય સરકાર આપશે. મુખ્યપ્રધાને સ્પષ્ટપણે જણાવ્યું કે, આ વાવાઝોડા કૃષિ રાહત પેકેજ અંતર્ગત ખેડૂતોને મળનારી સહાય એક અઠવાડિયામાં તેમના બેંક એકાઉન્ટ ડીબીટીથી જમા કરાવી દેવાશે. એટલું જ નહિ, નુકસાનીનો સર્વે પણ ગુરુવાર સુધીમાં પૂર્ણ કરી દેવાશે. તેમજ તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત રાજ્યના ખેડૂતો આ રાહત સહાય પેકેજથી તેમને મળનારી સહાય દ્વારા ઝડપભેર બેઠા થઈ જશે અને પૂર્વવત સ્થિતિ મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.