ગુજરાતનું ગૌરવ બની ‘ચલો જીતે હૈ’ ટેલિફિલ્મ

0
989

વડનગરની ધૂળમાં પાંચ-છ દશક પહેલાં જે શેરીઓની ધૂળમાં બાળપગલાંની ધૂળિયા છાપ ઊપસી હશે તેના પગલે પગલે આજે એક બાળકના મનમાં ઊઠેલા સવાલે દેશને વડા પ્રધાન આપ્યો અને સમયની ડોકાબારીમાં સૌ કોઈએ જોવું જ પડે તેવો એ બાળકનો સવાલ તો માત્ર એટલો જ હતો કે હું કોના માટે જીવું છું. આ સવાલ અને વડનગરની હવામાં રચાયેલા એ સંયોગે ઇતિહાસમાં સાત વખત બદલાયેલા નામને ભવિષ્યમાં આઠમું નામ આપવાના સંજોગો ઊભા કર્યા છે. આવતા સમયમાં વડનગર મોદીનગર તરીકે પ્રચલિત થાય તો નવાઈ નહિ.
મારું પુસ્તક વડનગરઃ વિરાસતનો તસવીર વૈભવ બજારમાં ઉપલબ્ધ નથી તેનો અહેસાસ ત્યારે થાય છે જ્યારે કોઈક દૂર દૂરથી પૃચ્છા કરતું કરતું ઘરના દ્વાર સુધી આવે. છેલ્લાં બે-ત્રણ વર્ષમાં અનેક લેખકો, પત્રકારો, ફિલ્મમેકર, સામાન્ય વાચકોનું કુતૂહલ વડનગર અને નરેન્દ્રભાઈ વિશે જાણકારી મેળવવા વધારે જાગૃત થયું છે, અને તે સૌ મારા સુધી પહોંચે છે.
આજકાલમાં તેવા લેખકોનાં ત્રણેક પુસ્તકો આવવામાં છે, બે-ત્રણ ફુલ-લેન્ગ્થ ફિલ્મો ઉપરાંત વડનગર પર તૈયાર થતા ડોક્યુમેન્ટેશનમાં મારું પુસ્તક ઉપયોગી થાય છે, તેનું ગૌરવ થાય છે. તાજેતરમાં જ ટીવી પર રજૂ થયેલી આવી જ એક શોર્ટ ટેલિફિલ્મ ચલો જીતે હૈમાં બાળ નરેન્દ્રને થતો એક સામાન્ય સવાલ, કે આપણે સૌ કોના માટે જીવીએ છીએ… ને 31 મિનિટ સુધી સુંદર કેમેરાવર્ક સાથે ફિલ્માવ્યો છે, જેમાં બાળકલાકારો પાસેથી ઉત્તમ અભિનયકાર્ય સાથે વડનગરની શેરીઓમાં સુંદર ફિલ્માંકન થયું છે. આ ફિલ્મમેકર ટીમે અડધો કલાકની આ ફિલ્મ માટે અનેક દિવસ કાર્ય કર્યું છે, ફિલ્મ સ્ક્રિપ્ટમાં લખાયેલી નાની નાની બાબતો માટે નિર્દેશકે કેટલી ચીવટ રાખવી પડે તે વાતનો અહેસાસ ત્યારે થાય જ્યારે માત્ર લોકેશન માટે મારા પુસ્તકમાં ઉલ્લેખાયેલાં તમામ સ્થળો પર કેમેરામેન ટીમ જાતમુલાકાતો કરે, સવાર-સાંજનું અનુકૂળ લાઇટ તપાસે… અને પાછું તેનો ફિલ્મમાં આભાર વ્યક્ત કરવાનું પણ ન ચૂકે.
સ્થાપત્ય અને ઇતિહાસમાં વડનગરનું નામ ઊંચું જ છે તેને વડા પ્રધાનના બાળપણ સાથે ઇતિહાસે એક વધારે મજબૂત પ્રકરણ નોંધ્યું છે તે ગુજરાતી ગૌરવ જ કહેવાય. આવનારાં પુસ્તકો, ફિલ્મો, સોશિયલ મિડિયા કે અન્ય સંચારમાધ્યમોમાં ગુજરાત હંમેશાં અગ્રેસર રહેશે જ, કેમ કે જે રીતે વડનગરની સેન્ટ્રલ લેવલથી દરેક વિભાગો દ્વારા કાયાપલટ માટે શરૂઆત થઈ રહી છે, સ્થાપત્ય નગરીને રંગરોગાન કરાઈ રહ્યાં છે, રેલવે સ્ટેશનને, તળાવોને, દેવાલયોને પુનઃ જાગૃત કરાઈ રહ્યાં છે ત્યારે બસ મારું ગુજરાતી તરીકે એક સ્વપ્ન છે કે લવ-કુશ મહાદેવ પટાંગણમાં પડેલી પેલી મોઢેરા સૂર્યમંદિરની સૂર્યપ્રતિમા ફરીથી વાજતેગાજતે પુનઃ પ્રસ્થાપિત થાય, અને હાટકેશ્વર મહાદેવની આરતીગુંજ વિશ્વમાં સંભળાય.
આફ્ટરઓલ આપણે કોના માટે જીવીએ છીએ…. (ઇમેજ મેકરઃ શૈલેશ રાવલ)