ગુજરાતની 18 નગરપાલિકાઓની પેટાચૂંટણીનું પરિણામ

અમદાવાદઃ ગુજરાતમાં 18 નગરપાલિકાઓની 29 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન યોજાયું હતું. જેની મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ 29 બેઠકોમાંથી 20 બેઠકો પર ભાજપનો વિજય થયો છે જ્યારે આઠ બેઠકો કોંગ્રેસે જીતી લીધી છે. એક બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત થઈ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ જિલ્લાની બારેજા નગરપાલિકાની એક બેઠક પર ભાજપ, આણંદ નગરપાલિકાની એક બેઠક પર કોંગ્રેસ, અરવલ્લી જિલ્લાની મોડાસા નગરપાલિકાની એક બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. જ્યારે બનાસકાંઠા જિલ્લાની ડીસા નગરપાલિકા અને પાલનપુર નગરપાલિકાની એક-એક બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. ભરૂચ જિલ્લામાં જંબુસર નગરપાલિકાની એક બેઠક પર કોંગ્રેસ, આમોદ નગરપાલિકાની પાંચ બેઠકમાંથી ચાર બેઠક પર ભાજપ અને એક બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. ભાવનગર જિલ્લાની મહુવા નગરપાલિકાની એક બેઠક પર ભાજપ જ્યારે પાલિતાણાની પાંચ બેઠકમાંથી 2માં ભાજપ અને ત્રણ બેઠકમાં કોંગ્રેસનો વિજય થયો છે.
ગીર સોમનાથ જિલ્લામાં તલાલા નગરપાલિકાની એક બેઠક પર ભાજપ, કચ્છ જિલ્લામાં મુન્દ્રા-બારોઇ નગરપાલિકાની એક બેઠક પર ભાજપ, ખેડા જિલ્લામાં ઠાસરા નગરપાલિકાની એક બેઠક પર ભાજપ, મહેસાણા જિલ્લામાં ઉંઝા નગરપાલિકાની એક બેઠક પર ભાજપ, નર્મદા જિલ્લામાં રાજપીપળા નગરપાલિકાની એક બેઠક પર ભાજપનો વિજય થયો છે. પંચમહાલ જિલ્લામાં ગોધરા નગરપાલિકાની એક બેઠક પર ભાજપ, પાટણ જિલ્લામાં સિદ્ધપુર નગરપાલિકાની ચાર બેઠકો પર ભાજપ, પોરબંદર જિલ્લામાં પોરબંદર-છાયા નગરપાલિકાની એક બેઠક પર ભાજપ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા નગર પાલિકાની 1 બેઠક પર ભાજપનો વિજય થયો છે.
ભાજપના મહામંત્રી રજની પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં મતદારોનો આજે પણ ભાજપ પ્રત્યેનો વિશ્વાસ અકબંધ છે. પરિણામ પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે ભાજપ માટે આજે પણ લોકોનો પ્રેમ છે. હું ચૂંટાયેલા પ્રતિનિધિઓને અભિનંદન પાઠવું છું. 21 બેઠક ભાજપના ફાળે ગઈ છે. મુન્દ્રા બેઠક આઝાદી પછી પહેલી વખત ભાજપના ફાળે આવી છે.
રાજ્યની 8 પાલિકાની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. ડીસા, મોડાસા, જંબુસર અને આણંદ પાલિકામાં કોંગ્રેસ ઉમેદવારોની જીત થઈ હતી. બીજી તરફ, પેટાચૂંટણીના પરિણામો પર કોંગ્રસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, પેટા ચૂંટણીઓ પૈકી કોંગ્રેસ પાસે માત્ર પાંચ જ બેઠકો હતી જે વધીને નવ થઈ છે અને એક બેઠક માત્ર બે મતથી જ અને બીજી એક બેઠક માત્ર ચાર મતે જ કોંગ્રેસે ગુમાવી છે. સુરત શહેરની મહાનગર પાલિકામાં પણ એક બેઠકની ચૂંટણીમાં બધાજ મિત્રોએ સરસ મહેનત કરી અને મતોની ટકાવારી ખુબ ઊંચી આવી છે.