ગુજરાતની ધરા ધ્રૂજી ઊઠી, ૨૪ કલાકમાં ૧૨ આંચકાઃ કોઈ જાનહાનિ ન થઈ

 

ગાંધીનગરઃ ગુજરાતમાં રવિવારે આવેલા ભૂકંપ પછી અત્યાર સુધી ૧૨ જેટલા આફ્ટરશોક ગાંધીનગર સિષ્મોલોજી સેન્ટરમાં નોંધવામાં હતા. રાત્રે ૮.૧૩ મિનિટ એ ૫.૩ની તીવ્રતા વાળો ભૂકંપ આવ્યો હતો.

કોરોનાના સંકટ વચ્ચે પ્રકૃતિ પણ ઝટકા આપી રહી છે. નિસર્ગ, અમ્ફાન જેવા ચક્રવાત અને દિલ્હી-એનસીઆર બાદ હવે ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગુજરાતમાં રવિવારે રાતે ૮.૧૩ મિનિટે આવેલા ૫.૩ની તીવ્રતાના ભૂકંપ પછી અત્યાર સુધી ૧૨ જેટલા આફ્ટરશોક ગાંધીનગર સિષ્મોલોજી સેન્ટરમાં નોંધવામાં હતા. જેનું કેન્દ્રબિંદુ ભચાઉના વોંધ નજીક હોવાનું જાણવા મળ્યું છે.

ભચાઉ વિસ્તારમાં જ એપી સેન્ટર હોવાથી લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ગુજરાત આ અગાઉ ૧૯ જુન ૨૦૧૨ના દિવસે ૫.૧ નતીવ્રતા વાળો ભૂકંપ આવ્યો હતો ત્યારે એક સપ્તાહ સુધી તેનાથી નાના તીવ્રતાવાળા ભૂકંપના આફ્ટરશોક આવ્યા હતા.

સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર રાત્રે ૮.૧૩ કલાકે ૫.૩નો ભૂકંપ આવ્યા બાદ ૮.૧૯ કલાકે ૩.૧ની તીવ્રતા, ૮.૩૯  ૨.૯ તીવ્રતા, ૮.૫૧ કલાકે ૨.૨ તીવ્રતા, ૮.૫૬ વાગે ૨.૫ તીવ્રતા, ૧૦.૦૨ વાગે ૩.૭ તીવ્રતા, ૧૦.૦૪ વાગે ૨.૫ તીવ્રતા, ૧.૪૬ કલાકે ૧.૬ તીવ્રતા, ૩.૫૩ કલાકે ૧.૬ તીવ્રતા, ૩.૫૫ કલાકે ૧.૪ તીવ્રતા, ૩.૫૮ કલાકે ૧.૭ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાજ્યમાં ભૂકંપની સૌથી વધુ અસર અમદાવાદ અને રાજકોટમાં જોવા મળી હતી.  

ભચાઉ તાલુકાના વોંધથી દોઢ કિ.મી. દૂર જમીનથી ૧૦ કિલોમીટરની ઊંડાઈ પર ભયાનક આંચકાનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. ત્યાંથી છેક ૧૧૮ કિ.મી. દૂર રાજકોટ સહિત આખા ગુજરાતમાં આંચકાની ધ્રુજારીએ લોકોને ધ્રુજાવી નાખ્યા હતા. રાજકોટ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, જૂનાગઢ, જામનગર, મોરબી, પાટણ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા, ચાણસ્મા સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકાએ ભય ફેલાવ્યો હતો.  વરસો પછી આવો શક્તિશાળી આંચકો આવ્યો છે, જો કે, સદ્ભાગ્યે રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ નુકસાન થયું હોવાના સમાચાર નથી.

આ સિવાય જામનગર, જૂનાગઢ અને રાજકોટમાં પણ ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો અને બહુમાળી બિલ્ડિંગોમાં આંચકાનો જોરદાર અનુભવ થયો હતો. જ્યારે સુરેન્દ્રનગર, હળવદ, પાટણમાં પણ ભૂકંપનો આંચકો આવ્યો છે. અમદાવાદમાં ભૂકંપ આવતા બહુમાળી ઇમારતના લોકો ફ્લેટ બહાર નીકળી ગયા હતા. ફ્લેટમાં સૌથી ઉપરના માળે રહેતા લોકોને વધુ અનુભવ થયો છે. દરમિયાનમાં સરકારી હોસ્પિટલમાંથી દર્દીઓ બહાર આવી હતા. લાંબા સમય બાદ જોરદાર આંચકા એ લોકોમાં ભય પેદા કર્યો છે. અચાનક જ ઘરો, ઈમારતોની જમીન, દીવાલ, બારી, બારણાને ધ્રુજાવી દેનારા ૫.૭ની તીવ્રતાવાળા શક્તિશાળી આંચકાની ધ્રુજારીથી લોકો ભયભીત થઈ ગયા હતા. ભુકંપના આંચકો આંશિક હોવાથી ફ્લેટમાં રહેતા વ્યક્તિઓને જ ખબર પડી હતી. અમદાવાદ શહેરના નારણપુરા, સીજી રોડ, કાંકરિયા, મણિનગર, સેટેલાઇટ, વસ્ત્રાપુર, ઘાટલોડિયા, બોપલ, ઘુમા, પાલડી, શાહપુર, ખાડિયા સહિતના શહેરભરમાં આવેલી હાઈરાઇઝ બિલ્ડિંગોમાં આંચકા અનુભવાતા લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. કચ્છ, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા, જામનગર અને સુરેન્દ્રનગરમાં ૪થી ૫ સેકન્ડ સુધી ધરા ધ્રૂજતા લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા. 

 અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ-૨૦૦૧માં આવેલા ભુકંપ બાદ ૧૯ વર્ષે ભુકંપનો અનુભવ થયો હતો. જોકે ભુકંપની આંશિક અસર હોવાથી કોઇ મોટું નુકશાનના કોઇ જ સમાચાર સામે આવ્યા નથી. સદનસીબે કોઇપણ સ્થળે જાનહાનિ કે મોટી નુકસાની થઇ ન હતી.

અત્રે નોંધનીય છે કે ૨૦૦૧ની ૨૬મી જાન્યુઆરીએ સવારે આવેલા ૭.૮ના વિનાશક ભૂકંપ પછીનો આ સૌથી મોટો ધરતીકંપ હતો. ૧૯ વર્ષ પૂર્વેનૂં એપી સેન્ટર ભચાઉથી જ ઉત્તર-ઉત્તર પૂર્વમાં ૨૪ કિ.મી. દૂર હતું જ્યારે આજનું એપી સેન્ટર એ જ દિશામાં ૮ કિ.મી. દૂર હતું, મતબલ બંને કેન્દ્રબિંદુ વચ્ચે માત્ર ૧૮ કિલોમીટરનું અંતર હતું.