ગુજરાતની આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ખેલાડી માનસી વખારિયાનું નિધન

 

અમદાવાદઃ ઇન્ટરનેશનલ ફૂટબોલ ખેલાડી અને ગુજરાતની ફૂટબોલ ટીમની 18 વર્ષની કેપ્ટન માનસી વખારિયાનું અમદાવાદમાં નિધન થયું છે. છેલ્લા ચાર વર્ષથી તે ગુજરાતની ફૂટબોલ ટીમની કેપ્ટન હતી. માનસીને થોડા સમય અગાઉ ભાગ્યે જ જોવા મળતી ‘ફલુમિનન્ટ જીબીએસ’ નામની બીમારી અચાનક લાગુ પડી હતી અને તેની હાલત ગંભીર થતાં અમદાવાદના ડો. જીવરાજ મહેતા સ્મારક હેલ્થ ફાઉન્ડેશનમાં ખસેડવામાં આવી હતી. મોત સામે છેલ્લે સુધી ઝઝૂમ્યા પછી માનસીએ રવિવારે અંતિમ શ્વાસ લીધા હતા. માનસીએ 2015માં ભારતની અન્ડર-16 ફૂટબોલ ટીમ તરફથી બાંગલાદેશમાં યોજાયેલી ટુર્નામેન્ટમાં સ્ટ્રાઇકરની ભૂમિકા ભજવી હતી. તેણે 11 વાર રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.