ગુજરાતના ૩૬ શહેરોમાં નિયંત્રણો હળવા બનાવવાનો મહત્ત્વનો નિર્ણયઃ મુખ્યમંત્રી

 

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે ચોથી જૂનથી ૩૬ શહેરમાં નિયંત્રણો પણ હળવાં બનાવવાનો મહત્ત્વનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવાયો છે. 

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના ૩૬ શહેરોમાં તમામ  દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી-ગલ્લા, શાપિંગ કોમ્પ્લેક્ષ, હેરકાટિંગ સલૂન, બ્યૂટી પાર્લર, માર્કાટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ શુક્રવાર સવારે ૯ વાગ્યાથી સાંજે ૬  વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી વેપારીઓને રાહત થશે. જો કે,  લોકો અને વેપારીઓ હજી પણ સાવચેતી જાળવી રાખે એ જરૂરી છે. 

મુખ્યપ્રધાને કોર કમિટીમાં આ  નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે. તે મુજબ હવે  રેસ્ટોરન્ટ  દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે ૧૦ વાગ્યા સુધી થઈ શકશે. રાજ્યમાં હાલ ભુજ અને ગાંધીધામ સહિત ૩૬ શહેરોમાં જે રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી છે એટલે કે આ  ૩૬ શહેરમાં ૪  જૂનથી  ૧૧ જૂન સુધીના દિવસો  દરમ્યાન રાત્રે ૯ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી આ રાત્રિ કર્ફ્યૂનો અમલ કરવાનો રહેશે. 

રેસ્ટોરન્ટની હોમ ડિલિવરીની છૂટ ૧૦ વાગ્યા સુધી લંબાવાઇ છે, પણ રાત્રિ કર્ફ્યૂના સમયમાં કોઇ ફેરફાર કરાયો નથી ત્યારે લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. મેડિકલ, પેરામેડિકલ તથા તેને આનુસંગિક આરોગ્યલક્ષી સેવાઓ, ડેરી, દૂધ, શાકભાજી, કરિયાણુ, બેકરી તેમજ જીવનજરૂરિયાતની અન્ય ખાદ્યસામગ્રીનું વિતરણ, ઈન્ટરનેટ, ટેલીફોન, મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા, પોસ્ટ, કુરિયર સર્વિસ, ખાનગી સિક્યુરિટી સેવા, પેટ્રોલ પંપ સહિતની આવશ્યક સેવાઓ અને પ્રવૃત્તિ કોઈપણ નિયંત્રણ વગરચાલુ રહેશે. 

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જો કે, સરકાર હજુ રાત્રિ કર્ફ્યૂ નાબૂદ કરવાની વિચારણામાં નથી. આ એવા શહેરો છે જ્યાં કોરોનાએ માઝા મૂકી હતી, ત્યાં હવે ધીરે ધીરે સ્થિતિ સામાન્ય કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

નવા જાહેરનામામાં પણ લગ્ન – અશુભ પ્રસંગમાં ઉપસ્થિતિની સંખ્યા મર્યાદા અનુક્રમે ૫૦ અને ૨૦ યથાવત રાખવામાં આવી છે. સ્વીમીંગ પૂલ, કલબ, સિનેમા વગેરે બંધ રહેશે