અમદાવાદઃ દરિયા કિનારો પર્યટકો માટે હમેશાં આકર્ષણનું કેન્દ્ર રહે છે. જો આ દરિયા કિનારા સ્વચ્છ-સુંદર અને કુદરતી નજરાઓથી ભરપૂર હોય તો તેની વાત જ કંઇક અલગ છે. ત્યારે ગુજરાતના શિવરાજપુર દરિયા કિનારા સહિત ભારતના આઠ દરિયા કિનારાઓને દુનિયાના સૌથી સુંદર અને સ્વચ્છ કિનારાઓમાં સ્થાન મળ્યું છે.
ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશને ગુજરાત સહિત ભારતના આઠ દરિયા કિનારાને ‘બ્લ્યૂ ફ્લેગ’નું સર્ટિફિકેશન આપ્યું છે. આ સર્ટિફિકેશન ઘણાં ધોરણોને આધાર પર દરિયા કિનારાઓને આપવામાં આવે છે.
વર્ષ ૨૦૧૮માં પર્યાવરણ તેમજ જળવાયુ પરિવર્તન મંત્રાલયે પ્રમાણ-પત્ર માટે ૧૩ દરિયા કિનારાની યાદી તૈયાર કરી હતી. આ તમામના નામ સંસ્થાને મોકલવામાં આવ્યા હતા. જેમાંથી ગુજરાત સહિત ભારતના આઠ દરિયા કિનારાને પસંદ કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, દેશના આઠ દરિયા કિનારાને ‘બ્લ્યૂ ફ્લેગ’નું સર્ટિફિકેશન મળવું દેશ માટે ગૌરવની વાત છે. આથી સ્પષ્ટ થાય છે કે, ભારત ઈન્ટરનેશનલ ટૂરિઝમના નક્શા પર સતત આગળ વધી રહ્યું છે. બ્લ્યૂ ફ્લેગ મેળવવાની સાથે જ હવે દુનિયાના ૫૦ બ્લ્યૂ ફ્લેગ દેશોમાં સામેલ છે. પર્યાવરણીય શિક્ષણ માટે ફાઉન્ડેશન, ડેનમાર્કના કોપેનહેગનમાં મુખ્ય મથક, બ્લ્યૂ ફ્લેગ કાર્યક્રમનું સંચાલન કરે છે.
આ અંગે ગુજરાતના પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ અને પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ અભિનંદન પાઠવ્યા છે. ભારતમાં બ્લ્યૂ ફ્લેગ મેળવનાર દરિયા કિનારામાં શિવરાજપુર (ગુજરાત), ઘોઘલા (દીવ), કાસારકોડ, પદુબિદ્રી (કર્ણાટક), કપ્પડ (કેરળ), રૂશીકોંડા (આંધ્રપ્રદેશ), ગોલ્ડન (ઓડિશા) અને રાધાનગર (આંદામાન) છે.