ગુજરાતના વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવું મોડલ વિશ્વમાં વિકસાવવાની જરૂર છે: અજય બંગા

અમદાવાદઃ વર્લ્ડ બેંક ગ્રુપના પ્રમુખ અજય બંગા અને યુનાઇટેડ સ્ટેટ્સના સેક્રેટરી જેનેટ યેલેને ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી અને આ કેન્દ્રની કામગીરીને સમજવા માટે એક કલાક કરતાં વધુ સમય લીધો હતો, આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર એક અગ્રણી પહેલ છે અને રીઅલ-ટાઈમ ઓનલાઇન ડેટા આધારિત શિક્ષણ વ્યવસ્થાપનનો એક ભાગ છે. આ કેન્દ્રમાં તેઓએ ઓનલાઈન એટેન્ડન્સ, ઓનલાઈન એસેસમેન્ટ અને એક્રેડીટેશનની વિગતોના ડેશબોર્ડ્સ સમજવામાં ખુબ જ ઉત્સાહી રહ્યા હતા અને શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે રૂબરૂ વાતચીત કરી હતી.
મહાનુભાવોએ વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ 2001થી શાળા શિક્ષણના પરિવર્તનની બે દાયકાની ગુજરાતની સફર પરનો વિડિયો નિહાળ્યો હતો, જેમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા બીગ ડેટા એનાલીસીસ, આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ અને વિદ્યાર્થી રિપોર્ટ કાર્ડથી પ્રત્યેક વિદ્યાર્થીના શિક્ષણ અંગે વિગતો સાથે લર્નિંગ આઉટકમ્સમાં સુધારાત્મક પગલાઓની બાબતોને આવરીને વર્ગખંડ શિક્ષણમાં વિષયની સિદ્ધિઓ મેળવી શકાય છે તે વિશે જણાવાયું હતું.
વર્લ્ડ બેંકના પ્રમુખ અજય બંગાએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ દરેક દેશ માટે અગત્યનો ભાગ છે અને દરેક દેશમાં શિક્ષણક્ષેત્રમાં અલગ-અલગ પ્રયાસો કરવામાં આવતા હોય છે. ભારતના ગુજરાત રાજ્ય સ્માર્ટ ક્લાસ રૂમ્સ બનાવવા અને દરેક શાળામાં ઓછામાં ઓછો એક સ્માર્ટ કલાસરૂમ બનાવવાના વિચાર સાથે આગળ આવ્યું છે. શિક્ષણ માટે માત્ર ટીચિંગ-લર્નિંગ જ નહિ, પરંતુ તેના પર ડેટા-ટ્રેકિંગ કરીને તેના વિશ્લેષણ પરથી લેવામાં આવેલા નિર્ણયો પણ મહત્વનો ભાગ ભજવે છે. જેના થકી શિક્ષણને ઉત્કૃષ્ઠ બનાવી શકાય અને તેથી સારા પરિણામો પ્રાપ્ત થાય થઇ શકે. ગુજરાતના ગાંધીનગરમાં આવેલ વિદ્યા સમીક્ષા કેન્દ્ર સમકક્ષ કેન્દ્ર દેશના અન્ય ભાગોમાં જ નહીં, પરંતુ વિશ્વમાં એક મોડેલ તરીકે વિકસાવવાની જરૂર છે. આ પ્રકારના પ્રકલ્પોને સમગ્ર દેશમાં અને વિશ્વસ્તરે અપનાવવામાં આવે તેઓ પ્રયાસ કરીએ.
યુએસ સેક્રેટરી ઓફ ટ્રેઝરી યેલેને જણાવ્યું હતું કે, આ મિશન સ્કુલ્સ ઓફ એક્સેલેન્સની સફળતા અન્ય રાજ્યોમાં તેને અમલીકૃત કરવા માટે પ્રેરણા આપી રહી છે. ગરીબીને નાબુદ કરવા અને વિકાસને ઉત્તેજન આપવા માટે શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું મુખ્ય બાબત છે. વર્લ્ડ બેંક અને અન્ય સહયોગી સંસ્થાઓ સાથે સ્માર્ટ રીતે ડિઝાઇન કરાયેલા પ્રોજેક્ટ્સમાંથી શ્રેષ્ઠ શું આપી શકાય છે તે દર્શાવે છે અને વધુ નવીનતાઓને પ્રોત્સાહન આપે છે.
મહાનુભાવો દ્વારા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારની નવા નંદીસર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી વાત કરી તેઓને ટેકનોલોજીથી શિક્ષણમાં થયેલ બદલાવ અને તેમને થયેલ ફાયદા વિષે માહિતી મેળવી હતી. વિદ્યા સમીક્ષા કેન્દ્રથી રાજ્યના શાળા શિક્ષણમાં થયેલ આમૂલ પરિવર્તન માટે બોરીજ પ્રાથમિક શાળા, ગાંધીનગર અને ભાડજ પ્રાથમિક શાળા, અમદાવાદના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને મેમ્બર સાથે સીધો સંવાદ કર્યો હતો.
ડો. કુબેરભાઈ ડીંડોર, કેબીનેટ મંત્રી, શિક્ષણ વિભાગ અને પ્રફુલભાઈ પાનસેરિયા, શિક્ષણમંત્રી, રાજ્યકક્ષા તેમજ જે. પી. ગુપ્તા, અધિક મુખ્ય સચિવ, નાણાં વિભાગ, ગુજરાત સરકાર આ મુલાકાતમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે વર્લ્ડ બેંકની ટીમમાંથી ઓગસ્તે તાનુ કાઉમે, કન્ટ્રી ડીરેક્ટર, ઇન્ડિયા અને શબનમ સિંહા, એજ્યુકેશન સ્પેશીયાલીસ્ટ હાજર રહ્યા હતા.