ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉત્તર પ્રદેશના પ્રવાસે


ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉત્તર પ્રદેશની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે લખનઉમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને 31મી ઓક્ટોબરે સરદાર પટેલની વિશ્વની વિરાટ પ્રતિમાના લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું. (ફોટોઃ માહિતી ખાતું ગાંધીનગર)

લખનઉઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા, જ્યાં લખનૌમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરીને તેમને આગામી 31 ઓક્ટોબરે સરદાર પટેલની વિશ્વની વિરાટતમ પ્રતિમાના લોકાર્પણમાં ઉપસ્થિત રહેવા વિધિવત આમંત્રણ પાઠવ્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વિશ્વ પ્રવાસનું આકર્ષણ કેન્દ્ર બને તેવી વ્યવસ્થા સરકારે કરી છે. રોજના 15 હજારથી વધુ પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લેશે તેમના માટે એક અને અખંડ ભારતની પ્રત્યક્ષ અનુભૂતિ માટે દરેક રાજ્યના ભવન એક ભારત શ્રેષ્ઠ ભારત બનશે. ઉત્તર પ્રદેશ સરકાર સહિત અન્ય રાજ્યોને આવાં ભવન નિર્માણ માટે ગુજરાત સરકારે સહયોગની ખાતરી આપી હતી. સરદાર પટેલની વિરાટ પ્રતિભાને વિરાટતમ પ્રતિમાથી વિશ્વ સમક્ષ ઉજાગર કરવા અહીં લાઇટ એન્ડ લેસર શો સહિતની અદ્યતન સુવિધાઓ વિકસાવશે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીએ સરદાર પટેલની આ પ્રતિમાના આધાર પર અયોધ્યામાં ભગવાન રામચંદ્રજીની પ્રતિમા નિર્માણ માટેની સંભાવનાઓ ચકાસવા અને ટેક્નિકલ સહયોગ માટે એક પ્રતિનિધિમંડળ ગુજરાત મોકલવા કરેલા સૂચનને વિજય રૂપાણીએ આવકાર્યું હતું.
આ બેઠક દરમિયાન ગુજરાતના ગિફ્ટ સિટીમાં હવે ગ્લોબલ ફાઇનાન્સિયલ એક્ટિવિટી શરૂ થવાથી વિશ્વ વેપાર કેન્દ્ર ગુજરાત બન્યું છે તેની તેમજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાને પગલે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે તેની પણ વિશદ ચર્ચા કરી હતી. આ વેળા એ ઉત્તર પ્રદેશ સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા.