ગુજરાતના ખૂણે વસેલા આ ત્રણ ગામડામાં નણંદ દુલ્હન સાથે લે છે સપ્ત પદીના સાત ફેરા  

 

છોટાઉદેપુરઃ ભારત અનેક વિવિધતાઓથી ભરાયેલો દેશ છે. અહીં એવા અનેક શહેર અને ગામડા છે, જ્યાં આજે પણ જૂની પરંપરાઓ નિભવવામાં આવે છે. ગુજરાતના છોટાઉદેપુરના ત્રણ ગામડામાં આવી જ અનોખી પરંપરા હજુ પણ જીવંત છે. ત્રણ ગામડા સુરખેડા, નદાસા અને અંબલ ગામડા આદિવાસી લોકોના ગામડા છે. આ ગામડાઓમાં આજે પણ વરરાજા પોતાના લગ્નમાં જતા નથી. આપને ભલે આ વાત ચોંકાવનારી લાગે, પણ તે એક હકીકત છે. 

આ ગામડામાં દુલ્હા વગર જ લગ્ન કરવામાં આવે છે. વરરાજાની જગ્યાએ તેની બહેન વરઘોડો લઈને દુલ્હનના ઘરે જાય છે. નણંદ પણ ભાભીની સાથે લગ્નની તમામ વિધિમાં સામેલ થાય છે. વરરાજાની બહેન દુલ્હન સાથે સાત ફેરા પણ ફરે છે. ત્યાર બાદ તે ભાભીને લઈને ઘરે આવે છે. આ લગ્નમાં વરરાજા શેરવાની પહેરે છે અને માથા પર સાફો બાંધે છે. પરંતુ તે પોતાના જ લગ્નમાં જતો નથી. દુલ્હન સાથે મંડપમાં જતો નથી. મંડપમાં જવાને બદલે તે પોતાની માતા સાથે ઘરમાં રહીને દુલ્હનના આવવાની રાહ જુએ છે.