ગુજરાતના અસલી નાયક ઝૂપડપટ્ટીના લોકોઃ મુખ્યમંત્રી

 

વડોદરાઃ તમારો મુખ્યમંત્રી કેવો હોય? એવો સવાલ કોઈને પૂછીએ તો તરત અનિલ કપૂરની ફિલ્મ નાયક નો ઉલ્લેખ કરીને લોકો કહે કે એના જેવો હોવો જોઈએ. આવો જ નજારો ગુજરાતમા જોવા મળ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી કોમનમેનની જેમ ઝૂપડપટ્ટીમાં જઈ પહોંચ્યા હતા. લોકો ઝૂપડપટ્ટીમાં પોતાના મુખ્યમંત્રીને જોઈને ગદગદ થઈ ગયા હતા. તેમણે લોકો સાથે વાત કરીને તેમની સમસ્યાઓ જાણી હતી. 

વડોદરાના આજવા રોડ પર આવેલ એકતા નગરમાં આજે ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. આખો વિસ્તાર રોજિંદા કામકાજમાં વ્યસ્ત હતો, ત્યાં અચાનક મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો કારનો કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો. વિસ્તારમાં કતારબંધ ગાડીઓની લાઈન જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા. પરંતુ તેમના આશ્ચર્યનો પાર ત્યારે ન રહ્યો જ્યારે એક કારમાંથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નીચે ઉતર્યા હતા. તેમણે જોઈને જ લોકો ખુશ થઈ ગયા હતા.

એકતા નગરની ઝૂંપડપટ્ટીમાં ફરીને લોકોની વચ્ચે જઈને મુખ્યમંત્રીએ તેમની સમસ્યા જાણી હતી. તો લોકોએ પણ દિલ ખોલીને પોતાને નડતી સમસ્યાઓ રજૂ કરી હતી. સાથે જ લોકોએ પોતાના વિસ્તારમાં સીએમ આવ્યાની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યુ કે, સાહેબ તમે ગરીબ લોકો માટે પાણી અને ગટરનું કંઇક કરી આપો. તમે મુખ્યમંત્રી છો અને અમારા એકતાનગરમાં આવ્યા છો, બાકી કોઇ અમારા એકતાનગરમાં આવવા રાજી નથી. તમારી મહેરબાની કે તમે અમારે ત્યાં આવ્યા છો. પણ અમારી સમસ્યાનું નિવારણ તમે લાવી આપો. પાણી અને ગટરની સમસ્યા દૂર કરી આપો. વડોદરાથી નીકળીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના સુખલીપુર ગામે પહોંચ્યા હતા. વડોદરાથી લખનઉ જતા સમયે અચાનક સુખલીપુર ગામની મુલાકાતે મુખ્યમંત્રી પહોંચ્યા હતા. તેમણે ગામમાં આંગણવાડીની મુલાકાત લીધી હતી.