ગુજરાતનાં ૩૬ શહેરમાં મિનિ-લોકડાઉન, ૧૨ મે સુધી રાતના ૮થી સવારના ૬ કરફયૂ

 

અમદાવાદઃ રાજ્યના અમદાવાદ સહિતનાં ૨૯ શહેરોમાં કરફ્યૂની મર્યાદા પૂર્ણ થઇ રહી છે. રાજ્યના વધુ સાત શહેરો એવા ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગરમાં રાત્રિ કરફ્યૂ લાદ્યો છે. આમ ૩૬ શહેરોમાં ૬થી ૧૨ મે સુધી રાત્રિ કરફ્યૂ રહેશે. આ ઉપરાંત આ તમામ નગરોમાં દિવસે પણ મિનિ લોકડાઉન જેવા નિયંત્રણો પણ લાદવામાં આવ્યાં છે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં કોરોનાના વાઇરસના સંક્રમણની સ્થિતિની ઉચ્ચ અધિકારીઓ અને સિનિયર પ્રધાનોની ઉપસ્થિતિમાં સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

અઠવાડિયા પહેલાં રાજ્ય સરકારે ગુજરાતનાં વધુ ૯ શહેરમાં રાત્રિ કરફ્યૂ અમલી બનાવ્યો હતો. ત્યાર બાદ હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથનો ઉમેરો કરવામાં આવ્યો હતો. આમ, ગુજરાતનાં કુલ ૨૯ શહેરમાં રાત્રિના ૮થી સવારના ૬ વાગ્યા સુધીનો આ કરફ્યૂ લાદવામાં આવ્યો હતો.

કોર કમિટીની આ બેઠકમાં ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે અન્ય જે નિર્ણયો લેવામાં આવ્યા છે તે મુજબ આ ૩૬ શહેરોમાં તા.૬ મે-ર૦ર૧ થી તા. ૧ર મે-ર૦ર૧ સુધીના સમયગાળા દરમિયાન આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ જ ચાલુ રાખવાના રાજ્ય સરકારે આદેશો કર્યા છે. કોવિડ ૧૯ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/ તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે. મેડિકલ, પેરામેડિકલ તથા તેને આનુષાંગિક આરોગ્યલક્ષી સેવાઓ, ઑક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે.

આ ૩૬ શહેરોમાં ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડિલિવરી સેવાઓ ચાલુ રાખવાના આદેશો કર્યા છે. શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટિફિન સર્વિસીસ અને હોટેલ / રેસ્ટારન્ટની ટેક અવે આપતી સેવાઓ ચાલુ રહેશે.

મુખ્યમંત્રીએ રાજયમાં કોરોના સંક્રમણનો વધતો વ્યાપ અટકાવવા એવો પણ નિર્ણય કર્યો છે કે સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, ફાઇનાન્સ સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બેંકોના ક્લિયરિંગ હાઉસ, એ.ટી.એમ/સી.ડી.એમ. રિપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઑફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦% સુધી સુનિશ્ચિત કરવાની રહેશે.