ગુંડાગર્દી બંગાળનો વિકાસ રૂંધે છે : શાહ

 

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનો સંગ્રામ યેનકેન પ્રકારે જીતી લેવાના પ્રયાસોની પરાકાષ્ઠાએ પહોંચેલાં રાજકીય ઘમસાણ વચ્ચે દેશના ગૃહમંત્રી અમિત શાહે મમતા અને તૃણમૂલ સરકાર પર, તો મુખ્યમંત્રી મમતા બેનરજીએ મોદી અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. 

અમિત શાહે મમતા પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, આપનાં દર્દ કરતાં લોકોનું દર્દ મોટું લાગતું હોય તો બંગાળમાં ભાજપના ૧૩૦ કાર્યકરોએ જીવ ખોયો છે. તેમની માતાઓનું દર્દ અનુભવાય છે કે નહીં, તેવો સવાલ શાહે બેનરજીને કર્યો હતો. ગૃહપ્રધાને બંગાળનાં રાણીબાગમાં જાતે સભા સંબોધી હતી, પરંતુ હેલિકોપ્ટરમાં યાંત્રિક ખામી સર્જાતાં ન પહોંચી શકેલા શાહે ઝારગ્રામની સભાને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. ઝારગ્રામની સભાને સંબોધતાં અમિત શાહે કહ્યું હતું કે, બંગાળમાં જનતા સત્તા પર બેસાડશે, તો ‘સ્ટેન્ડઅપ ઈન્ડિયા’ યોજના હેઠળ પછાત સમુદાયને આત્મનિર્ભર બનાવવા માટે ૧૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરાશે. હેલિકોપ્ટરમાં યાંત્રિક ખામી આવતાં દેશના ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે પશ્ચિમ બંગાળના ઝાર ગ્રામમાં યોજીત સભાને વર્ચ્યુઅલ સંબોધનમાં તૃણમુલ કોંગ્રેસ, મમતા બેનરજી પર નિશાન સાધ્યું હતું. 

ભ્રષ્ટાચાર, રાજકીય હિંસા, ધ્રુવીકરણનાં કારણે બંગાળમાં વિકાસ બરબાદ થઈ રહ્યો છે, તેવા પ્રહાર શાહે કર્યા હતા. હિન્દુઓ, અનુસૂચિત જાતિ, જનજાતિના લોકોને પોતાના તહેવારો ઉજવવા માટે અદાલતમાં જવું પડયું. આ ગુંડાગર્દી બંગાળનો વિકાસ રૂંધે છે, તેવું તેમણે ઉમેર્યું હતું. 

અમિત શાહે કહ્યું હતું કે, ૧૦? વર્ષના દીદીના શાસનમાં મોદી સરકારે ૧૧પ યોજનાઓ બંગાળ માટે મોકલી, પરંતુ એ યોજનાઓના લાભ રાજ્યની જનતા સુધી પહોંચ્યા નથી, જેમાં સૌથી મોટો અવરોધ તૃણમુલની સરકાર છે.