ગીર ફોરેસ્ટમાં એશિયાઇ સિંહોની વસતીમાં ૨૯%નો વધારો થયો

 

અમદાવાદઃ ગુજરાતના ગીરમાં એશિયાઇ સિંહોની વસતીમાં નોંધપાત્ર વધારો થયો છે. આ અંગેની માહિતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે જ એક ટ્વીટ કરી આપી હતી. વડા પ્રધાને ટ્વીટમાં લખ્યું હતું કે ગુજરાતના ગીર વનમાં રહેતા એશિયાઇ સિંહોની વસતીમાં લગભગ ૨૯ ટકાનો વધારો થયો છે.  

તેમની ટ્વીટમાં ગુજરાતના લોકો અને એ તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા જેઓના પ્રયત્નોથી સિંહોને પ્રાકૃતિક વાતાવરણ મળી રહ્યું છે અને તેમની વસતીમાં વધારો થઇ રહ્યો છે.

વડા પ્રધાને ટ્વીટમાં એમ પણ જણાવ્યુ હતું કે, ગુજરાતમાં સિંહોની સંખ્યા વિતેલા ત્રણ વર્ષથી સતત વધી રહી છે. જે સામુદાયિક ભાગીદારી, વન્યજીવ સ્વાસ્થ્ય સેવાઓ, પ્રાણીઓને યોગ્ય વાતાવરણ પુરું પાડવાના પ્રયત્નો તથા મનુષ્યો અને સિંહોમાં સંઘર્ષ ઓછો કરવાના પ્રયત્નોને આભારી છે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણી, વન મંત્રી ગણપત વસાવાએ પણ સિંહોની વસતીમાં વધારા બાબતે ખુશી વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતનું ગીર સિંહો માટે વિશ્વ પ્રસિદ્ધ અભિયારણ છે. તેની સ્થાપના ૧૯૧૩માં સિંહો માટે કરવામાં આવી હતી અને તે આશરે ૧૨૯૬ વર્ગ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે