ગીરની દલખાણિયા રેન્જમાં 23 સાવજોને ભરખી જનારી બીમારી આવી ક્યાંથી?

0
1043

ગીરની દલખાણિયા રેન્જમાં 23 સિંહોનાં મોત નીપજતાં સ્થાનિક લોકો પણ હતપ્રભ છે. સમગ્ર ગુજરાતમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, રાજ્ય સરકારે અલગ-અલગ તારણો અને નિવેદનો જાહેર કર્યાં છે. છેલ્લે મુખ્ય કારણ વાઇરસ-બીમારીનું જાહેર કરવામાં આવ્યું છે. માત્ર ઇનફાઇટ (આંતરિક લડાઈ)ને લીધે આટલી મોટી સંખ્યામાં સંહાર ન થાય. એક મહિનાની આ બધી પરિસ્થિતિ વચ્ચે ગીરના જંગલમાં પૂર્વની દલખાણિયા રેન્જના સ્થાનિક લોકોની મુલાકાતથી વધુ જાણકારી પ્રાપ્ત થઈ છ, જેમાં કોઈ અહીં શેમાડી નાકે ફેંકવામાં આવતાં મૃત ઢોરની વાત કરે છે, તો કોઈ ભાદરવાના અસહ્ય તાપને પણ આશ્ચર્ય વચ્ચે કારણ તરીકે રજૂ કરે છે, જ્યાં રેન્જનો ડામર રસ્તો પૂરો થઈને જંગલ આવેલું છે. ત્યાં અંતરિયાળ ધાંધા નેસના માલધારીઓ રહે છે. મુળાભાઈ રાતડિયાએ જણાવ્યું કે, બધા સિંહ સાફ થઈ ગયા છે. તે વાત ખોટી છે. અમે માલ લઈને ત્રણ કરકડી (ડુંગર)માં ગયા હતા. ત્યાં હજી પણ એક સિંહને જોયો છે. બીમારી છે, તે વાત સાચી છે. ખખુડી-મખુડી જેવો થઈ ગયો છે. જંગલ સ્ટાફના માણસો રાત્રે તેને શોધવા ગયા છે. બચે તો સારું. નેસના બીજા વડીલ આંબાભાઈ જણાવે છે કે, સ્વતંત્રતા મળી પછીથી પ્રથમ વાર આ રીતની બીમારી જોવા મળી છે. બાકી તો અહીં રાત્રે સિંહ નિયમિત આવે છે. માલઢોર ચરાવવા જઈએ છીએ ત્યાં પણ મારણ માટે સાવજ આજુબાજુ ફરતા હોય છે. હાકલા-પડકારાથી ભાગી જાય છે, કારણ કે તે પણ ચોરી કરવાનો ઇરાદો ધરાવે છે અને ચોરી સમયે ડર લાગે છે. સિંહ એક ખાનદાન પ્રાણી છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી ભાગ્યે જ તેમાના કોઈ સાવજનાં દર્શન થયાં છે.
ધાંધા નેસ નજીક જ વનવિભાગ દ્વારા સિંહને પકડવા પાંજરું મૂકવામાં આવ્યું છે. અંદર મૃત પશુ પણ છે, પરંતુ વિસ્તારમાં સિંહની સંખ્યા જ એકલ-દોકલ થઈ જતાં પાંચ દિવસથી પાંજરું એમ જ પડ્યું છે. અંદર મારણ પણ એમ જ છે. ચાંચઈ ગામના માલધારી રાજ ભરવાડ સાથે મુલાકાત થંઈ. તેમણે કહ્યું કે, સાત-આઠ દિવસ પહેલા બે સિંહ-સિંહણને ખાતાવાળા પકડી ગયા છે. બીમારીના કારણે ચેકિંગ કરવા જામવાળા લઇ ગયા છે. ત્યાર પછી એકેય વાર સિંહ દેખાયા નથી.
કાળુભાઈએ જણાવ્યું કે, છેલ્લાં કેટલાંક વર્ષોથી માલધારીઓને જંગલમાંથી બહાર કાઢવા લાગ્યા છે. તેનું આ પરિણામ છે. પહેલાં સિંહ-સિહણ-બચ્ચાંઓને તાજો ખોરાક મળી રહેતો હતો. હવે તે બંધ થતાં બહાર ખાવા-ફરવા નીકળે છે. એટલે બીમારી આવી હોય તેવું બની શકે છે.
આંબાગાળો થોડા ખોરડાનું ગામ છે. સિંહના આંટાફેરા ચાલતા રહે છે, પરંતુ એ વાત ભૂતકાળ બની ગઈ છે. ગામના મનસુખભાઈ, અજયભાઈ, દેવરાજભાઈ બેઠા હતા. તેઓએ આશ્ચર્યજનક કારણ આપ્યું છે. તેઓ જણાવે છે કે, આટલાં વર્ષોમાં ભાદરવાની ગરમી પ્રથમ વાર આટલી હદે વધી છે. તેને કારણે પણ સિંહ આ સીઝનમાં ગરમીથી ટેવાયેલા ન હોવાથી બીમાર પડ્યા હોય, તેવું બની શકે છે અને અન્ય રેન્જની સરખામણીએ દલખાણિયાનું જંગલ પાંખું થઈ ગયું છે.
આ રેન્જમાં ધર્મની ધૂણી ધખાવીને બેઠેલા બટુકબાપુ જણાવે છે કે, આપાગીગાનો વડલો સાવજનું ઘર છે. નિયમિત સવાર-સાંજ કુંડીમાંથી પાણી પીવા આવે છે. બીમારી બાદ હું અહીં એકલો પડી ગયો હોય તેવું લાગે છે. આપાગીગા બે વર્ષ વડલે રહીને ગયા પછી નિર્જનતા વ્યાપી ગઈ તેવી સ્થિતિ હાલ સિંહોના ગયા પછી ફેલાઈ ગઈ છે.
સાસણગીર પશ્ચિમ ગીરમાં છે, તો દલખાણિયા ગીર પૂર્વમાં છે. છતાં અહીં માત્ર એક જ રેન્જમાં 23 સિંહોનાં મોત રહસ્યમય છે. શેમાડી નાકું સ્થાનિક લોકોના જણાવ્યાનુસાર એવી જગ્યા છે કે ત્યાં મૃત માલ-ઢોર મૂકવામાં આવે છે અને સિંહ પરિવારને ખોરાક મળે છે, પરંતુ એ દિવસો સુધીનો વાસી ખોરાક હોવાને લીધે અથવા કોઈ વાઇરસ-બીમારી ધરાવતા પશુને ખાવાને લીધે રેન્જના બધા સિંહ ઉપર અસર થઇ હોય તેવો પણ એક મત છે. કોટડા, પાણિયા, મીઠાપુર નકી, સોઢાપરા, સાખપર જેવા ગામના લોકો પણ મતમતાંતર ધરાવે છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને સરકાર દ્વારા કારણ વાઇરસ-બીમારી આપવામાં આવ્યું છે, પરંતુ તે શેના લીધે થયું તેની કોઈ સ્પષ્ટતા નથી, ત્યારે સ્થાનિક લોકોના આ જુદા જુદા મતથી કંઈક પરિણામ મળે અને સિંહ બચે તે અપેક્ષા છે. (માહિતીસૌજન્યઃ જિજ્ઞેશ ઠાકર, તળાજા રોડ, ભાવનગર)