ગિફટ વાઉચરની વ્યથાકથા

કેટલાક સમય પહેલાં એક મિત્રને એમની સાહિત્યિક પ્રવૃત્તિમાં મેં થોડી મદદ કરેલી. મેં કરેલી મદદ તો ઘણી સામાન્ય હતી, પણ મિત્રે એના બદલામાં મને અમદાવાદની એક બહુ જાણીતી પુસ્તકોની દુકાનનું ગિફટ વાઉચર ભેટ આપ્યું. હું ઇચ્છું ત્યારે સાડાત્રણસો રૂપિયાની કિંમતનાં પુસ્તકો આ ગિફટ વાઉચર દ્વારા એ દુકાનમાંથી મેળવી શકું – એવી મિત્રની ભાવના હતી.

પુસ્તકો હું ક્યારેક ખરીદું છું; તેમ છતાં, મને પુસ્તકો ભેટમાં મળે છે ત્યારે વિશેષ આનંદ થાય છે. મિત્રે ગિફટ વાઉચર આપ્યું એટલે ‘આવી કશી જરૂર નથી. મેં કંઈ એવી મોટી મદદ કરી નથી’ વગેરે વગેરે કહેવાનો વિવેક મેં કર્યો. આ વિવેક મેં હૃદયપૂર્વક કર્યો હતો, તેમ છતાં મિત્ર પોતાની વાતમાં મક્કમ રહે અને મને ગિફટ વાઉચર આપે જ એવો ભાવ પણ ના પાડતી વખતે સમાંતરે હૃદયમાં ચાલતો હતો એટલે ગિફટ વાઉચર લેવાની ના પાડવામાં હું જોઈએ એવું બળ પ્રગટ કરી શક્યો નહોતો. મિત્ર પોતાની વાતમાં મક્કમ રહે ને મને ગિફટ વાઉચર આપે જ એવા મારા હૃદયભાવને પ્રભુએ પણ અનુમોદન આપ્યું. પરિણામે મિત્ર ગિફટ વાઉચર આપીને જ રહ્યા.

ગિફટ વાઉચર દ્વારા મારે એક-બે પુસ્તકો જ પસંદ કરવાનાં થવાનાં એની મને ખબર હતી, પણ પુસ્તકોના વિશાળ ભંડારમાંથી એક-બે પુસ્તકો પસંદ કરવાનું સહેલુંય નહોતું – મારે માટે તો નહોતું જ. એની પણ મને ખબર હતી. એટલે થોડો નિરાંતનો સમય હશે ત્યારે પુસ્તકો લેવા જઈશ એમ વિચારી ગિફટ વાઉચર ક્યાંક સાચવીને મૂક્યું. કોઈ અગત્યનો કાગળ કે ચીજવસ્તુ સાચવીને એવી રીતે મૂકવી કે જોઈએ ત્યારે ફટ દઈને જડી જાય. આવી સલાહ મને પુસ્તકો દ્વારા, ઘરના સભ્યો દ્વારા, મિત્રો દ્વારા અનેક વાર આપવામાં આવી છે. આ સલાહનું પાલન કરવાનો મેં યથાશક્તિમતિ પ્રયત્ન કર્યો છે. સાચવીને મૂકેલી ચીજવસ્તુઓ જડી પણ આવે છે, પણ જ્યારે જરૂર પડે છે ત્યારે અગાઉ નહિ જડેલી કોઈ ચીજ જરૂર મળી આવે છે; જેમ કે, બસના ટાઇમટેબલની ચોપડી શોધતી વખતે બેન્કની પાસબુક મળી આવે એવું બને છે.

ગિફટ વાઉચર મળ્યા પછી, બે-ચાર વાર પુસ્તકો લેવા જવાનો નિરાંતનો સમય મળ્યો, પણ એ વખતે ગિફટ વાઉચર ન મળ્યું – નિરાંતનો પૂરો સમય ગિફટ વાઉચર શોધવામાં ગાળવા છતાં ન મળ્યું, પણ એક દિવસ એકાએક ગિફટ વાઉચર મળી આવ્યું. ઇન્ડિયાની શોધમાં નીકળેલા કોલંબસને અમેરિકા મળી આવ્યું હતું તેમ. એક દિવસ હું ગુંદરની શીશી શોધતો હતો ત્યારે ગિફટ વાઉચર મળી આવ્યું. (અનધિકૃત રીતે અમેરિકામાં ઘૂસી જવાની પ્રથા કોલંબસ જેટલી જૂની છે.) ગિફટ વાઉચર મળી આવ્યું તે દિવસે મારે અનેક કામો હતાં, પણ આજે જો ગિફટ વાઉચર પાછું મૂકી દઈશ તો જોઈએ ત્યારે નહિ જડે એટલે ‘સર્વ ધર્માન પરિત્યજ્ય’ ગિફટ વાઉચર વટાવવા જવાનો મેં નિર્ણય કર્યો. ગિફટ વાઉચર એ જ વખતે મેં પેન્ટના ખિસ્સામાં મૂકી દીધું.

પરવારી કરી હું ગિફટ વાઉચર વટાવવા નીકળ્યો. પુસ્તકોની આ દુકાન જાહેર રસ્તા પર આવેલા એક શોપિંગ સેન્ટરના ભોંયરામાં છે. આ બુક શોપ વિશે મેં સાંભળ્યું હતું, પણ ભોંયરામાં રહેલો પુસ્તકોનો આ ખજાનો આ પૂર્વે મેં જોયો નહોતો. મારી આ પહેલી મુલાકાત હતી. બાળવાર્તાઓમાં આવા ભોંયરામાં રહેલા ધનના ખજાનાની અનેક વાતો મેં વાંચી હતી. એ વખતે કલ્પનાવિહાર કરી આવો ખજાનો મેળવવા અનેક વાર હું આવા ભોંયરામાં પહોંચી ગયો હતો, પણ આજે પુસ્તકોના ખજાનાવાળા ભોંયરામાં સદેહે પહોંચી જવાનો અનોખો રોમાંચ હું અનુભવી રહ્યો હતો. સ્કૂટર પાર્ક કરી, હું પુસ્તકોના ખજાનાવાળા ભોંયરામાં ઊતર્યો. પુસ્તકોનો ખજાનો જોઈ હું છક થઈ ગયો. પુસ્તકો! પુસ્તકો! બસ પુસ્તકો! અનેકાનેક ઉત્તમ પુસ્તકોમાંથી કયાં એક-બે પુસ્તકો લેવાં તે પ્રશ્ને હું ઠીકઠીક મૂંઝાઈ ગયો. થોડાંક પુસ્તકો ગમ્યાં પણ એની કિંમત ઘણી વધારે હતી. મને ખૂબ ગમી ગયેલું એક પુસ્તક તો હજાર રૂપિયાની કિંમતનું હતું. સાડા ત્રણસોની ઉપરના પૈસા આપું તો એ પુસ્તક પણ ખરીદી શકું એવી જોગવાઈ હતી, પરંતુ એમ કરવા જતાં પુસ્તક મફતમાં મેળવવાનો અનુપમ આનંદ ગુમાવવો પડે, જે માટે હું તૈયાર નહોતો. સાહિત્યમાંથી બ્રહ્માનંદ જેવો આનંદ મળે છે એવું કહેવાય છે, પણ મફતમાં મળતા સાહિત્યમાંથી તો કદાચ બ્રહ્માનંદથી પણ અધિક આનંદ મળે છે! આખરે સાડાત્રણસો રૂપિયાનાં ત્રણ પુસ્તકો મેં પસંદ કર્યાં.

પુસ્તકો લઈ હું ભોંયરાની બહાર આવ્યો, પણ સ્કૂટર જ્યાં પાર્ક કર્યું હતું અથવા તો જ્યાં પાર્ક કર્યું હશે એમ હું માનતો હતો ત્યાં સ્કૂટર નહોતું! સ્કૂટર છેલ્લી લાઇનમાં મૂક્યું હતું એવું મને ચોક્કસ યાદ હતું, કારણ કે આગળની ત્રણે લાઇનમાં ક્યાંય સ્કૂટર મૂકવાની જગ્યા નહોતી. પણ એકાએક મારા મનમાં શંકા થઈ. હું સ્કૂટર લાવ્યો તો હોઈશ ને! સ્કૂટરની ચાવી મારી પાસે હતી એટલે આમ તો શંકા કરવાનું કારણ નહોતું, પણ અગાઉ એવું બન્યું હતું કે સ્કૂટરની ચાવી લઈને નીચે ઊતર્યો હોઉં ને પછી રિક્ષા અથવા/અને બસમાં બહાર ગયો હોઉં! પણ હું પુસ્તકોની દુકાને આવ્યો હતો ત્યારે એક યુવાને મને આપેલી સલાહ યાદ આવી. એણે કહ્યું હતું, ‘કાકા, આમ બળદગાડીની ઝડપે સ્કૂટર ચલાવવું હોય તો રસ્તાને છેડે ચલાવો.’ પણ આમ આજે જ કહેવાયું હતું કે ગયા અઠવાડિયે? – એવી પણ શંકા થઈ, પણ પછી રસ્તામાંથી રવિવારનું છાપું લીધું હતું તે યાદ આવ્યું. તે દિવસે સોમવાર હતો એટલે રવિવારનું છાપું તો તે જ દિવસે લીધું હોય – અને તો હું સ્કૂટર પર જ આવ્યો હોઉં એવું સિદ્ધ થાય. હું સ્કૂટર પર આવ્યો હતો તે નિર્ણય તો થયો, પણ સ્કૂટર ક્યાં? ‘ઉર્વશી ક્યાં?’ એવો પ્રશ્ન પુરુરવાને થયો હતો. ‘સીતા ક્યાં?’ એવો પ્રશ્ન શ્રીરામને થયો હતો. એમ ‘સ્કૂટર ક્યાં?’ એવો પ્રશ્ન મને થયો. સ્કૂટરવિરહથી વ્યાકુળ થયેલો હું શોપિંગ સેન્ટરના વોચમેન પાસે ગયો ને મારું સ્કૂટર ન હોવાનું નમ્ર નિવેદન કર્યું.

‘ચોથી લાઈનમાં મૂક્યું હતું?’ વોચમેને પૂછ્યું.

‘હા.’ મેં કહ્યું, ‘ત્યાં જ જગ્યા હતી.’

‘તો કદાચ ટ્રાફિકવાળાઓ ટો કરી ગયા હશે.’

‘શોપિંગ સેન્ટર પાસે મૂક્યું હતું તોય?’

‘હા, પહેલી ત્રણ લાઇનમાંથી કોઈ લાઈનમાં સ્કૂટર પાર્ક કર્યું હોય તો જ કાયદેસર ગણાય છે.’ મેં આમતેમ જોયું. ન તો આવી સૂચના શોપિંગ સેન્ટરવાળાએ ક્યાંક મૂકી હતી કે ન તો ટ્રાફિકવાળાએ. વોચમેન બંધુ પણ સહદેવની જેમ મેં પૂછ્યું ત્યારે જ બતાવી રહ્યા હતા! આમ પણ આપણે ત્યાં ગુનો ન બને તે માટે શું કરવું તે અંગે ભાગ્યે જ વિચારાતું હોય છે; ગુનો બને પછી શું કરવું એ જ આપણે માટે મુખ્ય બાબત હોય છે.

રિક્ષા કરીને અપહૃત સ્કૂટરની શોધમાં નીકળ્યો. નેહેરુબ્રિજ પાસે આવાં બંદીવાન સ્કૂટરો રાખવામાં આવે છે તેવી માહિતીને આધારે પહેલાં ત્યાં જવું એમ વિચારી રિક્ષાને ડાબી બાજુ લેવડાવી, તો નેહરુબ્રિજને બદલે નવરંગપુરા ક્રોસિંગ આવ્યું. મેં કહ્યુંઃ ‘મારી ભૂલ થઈ. મારે નેહરુબ્રિજ જવાનું છે.’

‘એમાં માફી માગવાની જરૂર નથી. આપણે અહીં સુધી તમારે ખર્ચે જ આવ્યા છીએ અને પાછા પણ તમારા ખર્ચે જ જઈશું.’ રિક્ષાવાળાએ કહ્યું. અમે નેહરુબ્રિજ આવ્યા. અનાથની જેમ મારું સ્કૂટર ત્યાં ઊભું હતું. સો રૂપિયાનો દંડ ભર્યો. મેં કરેલા ગુના બદલ કઈ-કઈ કલમો લાગુ પાડવામાં આવી હતી એ મને સમજાવવામાં આવ્યું. સાડાત્રણસોની ભેટકૂપનમાંથી 130 રૂપિયા (100 રૂપિયા દંડના ૆ 30 રૂપિયા રિક્ષાના) કપાઈ ગયા. ખોટી રીતે પાર્ક કરેલા સ્કૂટરને ઉપાડી જવાના ટ્રાફિક પોલીસના ઉત્સાહની હું કદર કરું છું, પરંતુ લોકો સાચી રીતે પાર્ક કરી શકે એવી વ્યવસ્થા પણ ઊભી થવી જોઈએ એવી વિનંતી કરતો પત્ર આર.ટી.ઓ.ને લખવાનો મેં વિચાર કર્યો, પણ પછી પત્ર લખવાનું રહી ગયું એટલે સાડાત્રણસોમાંથી વધુ પાંચ રૂપિયા કપાતા રહી ગયા!

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત લેખકના પુસ્તક ‘ૐ હાસ્યમ્’માંથી સાભાર.

પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com