ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરે સરકાર : અલ્હાબાદ હાઈકોર્ટ

 

પ્રયાગરાજઃ ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવાં અંગે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા એક મોટી ટિપ્પણી કરવામાં આવી છે. અદાલતે કેન્દ્ર સરકારને સૂચન કર્યું છે કે, ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવી જોઈએ અને ગૌરક્ષાને હિંદુઓનો મૌલિક અધિકાર પ્રસ્થાપિત કરવો જોઈએ. 

અદાલતે કહ્યું હતું કે, મૌલિક અધિકાર કેવળ ગૌમાંસ ખાનારા માટે જ નથીઽ બલ્કે ગાયની પૂજા કરતાં હોય અને ગાય ઉપર આર્થિકરૂપે નિર્ભર હોય તેમને પણ સાર્થક જીવનનો અધિકાર હોય છે. જીવનનો અધિકાર મારણનાં અધિકારથી ઉપર છે અને ગૌમાંસ ખાવાનાં અધિકારને ક્યારેય મૂળભૂત અધિકાર માની શકાય નહીં.

ગૌહત્યાનાં આરોપી જાવેદની જામીન અરજીની સુનાવણી કરતાં હાઈકોર્ટે કહ્યું હતું કે, ગાયને માત્ર ધાર્મિક નજરે જોવી ન જોઈએ. દેશવાસીઓ તેનું સન્માન પણ કરે અને તેની સુરક્ષા પણ કરે. અદાલતે આગળ ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, અમે જાણીએ છીએ કે જ્યારે કોઈ દેશની સંસ્કૃતિ અને તેની આસ્થાને ઠેસ પહોંચાડે છે ત્યારે દેશ કમજોર બને છે. 

ગૌહત્યાનાં આરોપી જાવેદની જામીન અરજી ખારિજ કરતાં કહ્યું હતું કે, જામીન અરજી કરનારે ગાયની ચોરી કરીને તેની હત્યા કરી નાખી હતી. તેનું શિર કાપી નાખેલું અને માંસ પણ પોતાની પાસે રાખ્યું હતું. વળી આ તેનો પહેલો અપરાધ પણ નથી. આ પહેલા પણ તેણે ગાયની હત્યા કરેલી છે અને તેનાં હિસાબે સામાજિક સૌહાર્દ પણ બગડયો હતો. જો તે જામીન ઉપર છૂટશે તો ફરીથી ગુનો કરશે અને માહોલ ખરાબ કરશે.