ગાયક-સંગીતકાર ઉસ્તાદ રાશિદ ખાનનું ૫૫ વર્ષની વયે અવસાન

મુંબઈઃ જાણીતા સંગીત સમ્રાટ ઉસ્તાદ રાશિદ ખાને આ દુનિયાને અલવિદા કહી દીધું છે. રાશિદખાન લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. તેમણે ૫૫ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. રાશિદ ખાનના નિધનથી શોકનું મોજું ફરી વળ્યું છે. રાશિદખાને ‘તુ બનજા ગલી’, ‘દીવાના કર રહા હૈ’, ‘મનવા’, ‘આઓગે જબ તુમ સજના’, ‘તોરે બિના મોહે ચૈન નહી’ જેવા સુંદર ગીતો ગાયા હતા. તેમના અવાજનો જાદુ ચાહકોના મનમાં બોલતો હતો. પરંતુ હવે તમે આ અવાજ ફરી કયારેય સાંભળશો નહી. ગાયકના નિધનથી શોકનો માહોલ છે. રાશિદખાન છેલ્લા ઘણા સમયથી પ્રોસ્ટેટ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. ૨૩મી ડિસેમ્બરે તેમની તબિયત બગડી હતી, જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાશિદખાને ૧૧ વર્ષની ઉંમરથી ગાવાનું શરૂ કર્યુ હતું. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના બદાયુમાં થયો હતો. રાશિદ ખાને તેમના દાદા, ઉસ્તાદ નિસાર હુસૈન ખાન પાસેથી ગાવાનું શીખ્યા હતા. ઉસ્તાદ રાશિદ ખાને ‘જબ વી મેટ’નું ગીત ‘આઓગે જબ તુમ સજના’ને પોતાનો અવાજ આપ્યો હતો, લોકોને આ ગીત ખૂબ પસંદ પડયું હતું. રાશિદ ખાનને પદ્મશ્રી અને પદ્મભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.