ગાંધીયુગમાં મતભેદ સ્પષ્ટ, પરંતુ સ્નેહાદર

0
1217

(ગતાંકથી ચાલુ)
પંડિત જવાહરલાલ નેહરુને ગાંધીજીના રેંટિયામાં, રામનામમાં, ગ્રામસ્વાવલંબનમાં, બ્રહ્મચર્યમાં, અસ્વાદમાં, યંત્રમર્યાદામાં, ગ્રામોદ્યોગમાં અને સાદગીયુક્ત જીવનશૈલીમાં લગીરે શ્રદ્ધા નહોતી. બન્ને વચ્ચે મતભેદનું માધુર્ય ક્યારેય ઓછું ન થયું. તા. 5-10-1945ને દિવસે ગાંધીજીએ પત્રમાં લખ્યુંઃ ચિ. જવાહરલાલ,

પહેલી વાત તો આપણી વચ્ચે જે મતભેદ થયો તેની છે… મેં કહ્યું કે સન 1908માં ‘હિન્દ સ્વરાજ’માં મેં જે રાજ્ય પદ્ધતિ પર લખ્યું છે તે જ વાત પર હજી પણ હું કાયમ છું… હું માનું છું કે જો હિન્દુસ્તાનને સાચી આઝાદી મેળવવી હોય તો આજે નહિ ને કાલે ગામડામાં જ રહેવું પડશે. કેટલાક કરોડ માણસો શહેરો અને મહેલોમાં સુખ અને શાંતિથી કદાપિ રહી ન શકે. મારી કલ્પનાના ગામડામાં ગામડિયો જડ નહિ હોય… એ ગામડામાં શીતળા, કોલેરા, પ્લેગની બીમારી નહિ હોય, આળસ નહિ હોય. શહેરો, શસ્ત્રો, ઔદ્યોગીકરણ, કદાચ રેલવે પણ મારી કલ્પનાના સ્વરાજ્યમાં નથી. આ પત્ર બાબત આપણે મળવું જો જરૂરી હોય તો તે માટે સમય કાઢવો જ પડશે.

બાપુના આશીર્વાદ
આનંદભવન, અલાહાબાદ.
વૈચારિક મતભેદ હિમાલય જેવડો, પણ મતભેદનું માધુર્ય ગંગાજળ જેટલું! આવા જવાહરલાલને એમણે પોતાના વારસદાર તરીકે પસંદ કર્યા! મતભેદ હોય ત્યાં કટુતા હોય જ એવું થોડું છે?
રેહાના તૈયબજી કૃષ્ણભક્તિમાં ડૂબેલાં હતાં. ગાંધીજી પ્રત્યે એમને અઢળક આદરભાવ હતો. તેઓ ગાંધીજીને મહાયોગી માનતાં હતાં. રેહાનાબહેને અંગ્રેજીમાં લખેલા પુસ્તક ‘હાર્ટ ઓફ અ ગોપી’નો ગુજરાતીમાં અનુવાદ કવિ બ. ક. ઠાકોરે કર્યો હતો અને એ પુસ્તિકાનું પ્રવેશક અંબાલાલ પુરાણીએ લખ્યું છે. રેહાનાબહેન ગાંધીજીના બ્રહ્મચર્ય અંગેના વિચારો સાથે સ્પષ્ટ શબ્દોમાં મતભેદ પ્રગટ કરે છે. સાંભળોઃ ‘શરૂઆતમાં હું પણ પૂર્ણપણે બ્રહ્મચર્યમાં માનવા લાગી હતી, જેમ બાપુ માનતા હતા. પછીથી સમય જતાં મેં જોયું કે કેટલાક લોકો પર એની અસર વરતાતી હતી. મેં મારા વિચારો બદલવાની શરૂઆત કરી. એવું સમજાવા લાગ્યું કે સ્ત્રી-પુરુષ સંબંધો અંગેનું ઇસ્લામનું વલણ મને વધારે સ્વીકાર્ય જણાયું… આ વાત મેં બાપુને કરી હતી. (‘અંડરસ્ટેન્ડિંગ ગાંધી’ સંપાદનઃ ઉષા ઠક્કર, જયશ્રી મહેતા પાન-179)

રવીન્દ્રનાથ ઠાકોર અને મહાત્મા વચ્ચે ઊંડા આદરનો સેતુ રચાયો હતો. આદર અને મતભેદ સાથોસાથ ટકે ખરો? અમર્ત્ય સેને પોતાના પુસ્તક ‘ધ આર્ગ્યુમેન્ટેટિવ ઇન્ડિયન’માં એક સુંદર પ્રસંગ નોંધ્યો છે. (પાન-99) શાંતિનિકેતનમાં એક યુવાન મહિલાએ પોતાની હસ્તાક્ષર પોથીમાં ગાંધીજીના હસ્તાક્ષર માગ્યા. ગાંધીજીએ હસ્તાક્ષર કર્યા અને લખ્યુંઃ ‘વચન આપવામાં કદી ઉતાવળ કરવી નહિ. એક વાર વચન આપ્યા પછી પ્રાણને ભોગે પણ તેનું પાલન કરવું.’ રવીન્દ્રનાથને એ લખાણ વાંચીને અકળામણ થઈ. એ જ પોથીમાં રવિબાબુએ બંગાળીમાં એક કાવ્યપંક્તિ લખી, જેનો અર્થ તોઃ ‘કોઈને પણ માટીની બનાવેલી સાંકળ વડે બંદીજન ન બનાવી શકાય.’ રવિબાબુ ત્યાં ન અટક્યા. ગાંધીજી પણ વાંચી શકે તે માટે અંગ્રેજીમાં લખ્યુંઃ ‘જો આપેલું વચન તમને ખોટું જણાય, તો એને ફંગોળી દેવું.’ મતભેદ સ્પષ્ટ, પરંતુ સ્નેહાદર તેવો ને તેવો!
સરદાર પટેલ ગાંધીજીના અંધ અનુયાયી હતા ખરા? રાજાજીના શબ્દો સાંભળોઃ ‘બાપુજીના બીજા અંધ અનુયાયી હશે, પણ સરદાર તો નહોતા જ. તેઓ હંમેશાં બાપુજીની દષ્ટિએ જોવાનો પ્રયત્ન કરતા ખરા, પણ તેમની પોતાની દષ્ટિ નહોતી એવું નથી, છતાં બાપુજીની નજરે જોવાને ખાતર તેઓ જાણી જોઈને પોતાની આંખે પાટા બાંધતા.’ (મણિબહેન પટેલ ‘બાપુના પત્રોઃ સરદાર વલ્લભભાઈને’ પુસ્તકની નરહરિ પરીખે લખેલી પ્રસ્તાવનામાંથી)

દાદા ધર્માધિકારી જેવા ગાંધીવિચારના મૂર્ધન્ય ભાષ્યકાર ગાંધીજીની મર્યાદા બતાવીને સ્પષ્ટ કહે છેઃ
જેઓ ધર્માંધ હતા
એવા મુસ્લિમો અંગે
ગાંધીજીનું વલણ નબળું હતું.
તેઓ હિન્દુ ધર્માંધતા સામે લડ્યા,
પરંતુ
એ જ રીતે મુસ્લિમ ધર્માંધતા સામે
ન લડી શક્યા.
અમેરિકન ગાંધીભક્ત ફ્રેડ જે. બ્લુમને આપેલા ઇન્ટરવ્યુમાં દાદાના આ શબ્દો ટેઇપ થયા છે. એને આધારે પ્રગટ થયેલા પુસ્તક ‘અન્ડસ્ટેન્ડિંગ ગાંધી’ (પાન- 253) પર આવો સ્પષ્ટ અભિપ્રાય વાંચવા મળે છે. આજે પણ આવું ‘નબળું વલણ’ ફેશન તરીકે ચાલુ છે.

કાર્લ માર્ક્સ અને ગાંધીજી સદેહે ક્યાંક ભેગા થઈ જાય તો ખુલ્લા મને ચર્ચા કરી શકે, પરંતુ કદાચ કોઈ માર્ક્સવાદી અને ગાંધીવાદી એમ ન કરી શકે. જ્યાં કંઠીનો પ્રભાવ હોય ત્યાં મુક્ત વિચાર નંદવાય છે. દ્વેષરહિત વિચારભેદ અતિ સુંદર બાબત છે. કમનસીબે ઝીણા અને આંબેડકર ગાંધીજી સાથેના મતભેદમાં માધુર્ય ન જાળવી શક્યા. મહાત્માના મનમાં તો એક મિલિગ્રામ જેટલી કટુતા નહોતી. મતભેદને કારણે હત્યા પણ થઈ શકે એવું તો ગોડસેના વર્તનથી સિદ્ધ થયું. જેની સાથે મતભેદ હોય તેવા માણસ પર અંગત હેત્વારોપણ કરવું એ હલકટ માનસિકતાની નિશાની ગણાય. જ્યાં સત્યની આણ હોય ત્યાં મતભેદ પણ માધુર્યદીક્ષા પામે છે.ગાંધીયુગમાં આવું બન્યું તેના દાખલા અસંખ્ય છે. જો સૃષ્ટિના પરમ સત્યને દેહ ધારણ કરવાનું મન થાય તો તેણે મહાત્મા ગાંધીનો દેહ ધારણ કરવો પડે. દાંડીના દરિયાકિનારે ગાંધીજીએ મીઠાની નહિ, સત્યની ચપટી ભરી હતી! સત્યઊર્જા એ જ ગાંધીઊર્જા (ક્રમશઃ)

લેખક વડોદરાસ્થિત સાહિત્યકાર છે.