ગાંધીયુગમાં મતભેદનું માધુર્ય

0
771


આજકાલ મારા ચિદાકાશમાં મેઘદૂત મહોત્સવ ચાલી રહ્યો છે. ધોધમાર વરસાદની સાથે ધોધમાર વિસ્મય વરસી રહ્યું છે. ઘરનો બાગ નિત્યનૂતન હોય છે. એ પ્રતિક્ષણ બદલાતો રહે છે, એ વાતની ખબર કેવળ પતંગિયાને જ હોય છે. લાંબા સમય સુધી નજરે ન ચડેલા છોડ પર ઓચિંતું એક મજાનું ફૂલ ખીલેલું જોવા મળે છે. રાતોરાત એ છોડ પર રંગવૈભવ પ્રગટ થયો. મારાથી માંડ પાંચ-સાત ફૂટ છેટે મોગરો ખીલ્યો છે. કેટલાંક સંવેદનશીલ નાક સુધી જ એની મહેક પહોંચે છે. મોગરાનું ખીલવું એ જ મોગરાનો મોક્ષ! રવીન્દ્રનાથ કહે છે કે પુષ્પ ખીલે અને ખૂલે એ જ એનો મોક્ષ!
ઋતુઓ વહેતી રહે છે. મહિનાઓ દોડતા રહે છે. કલાકો ઊડી જતા જણાય છે. કાલચક્ર એક ક્ષણ માટે પણ વિરામ લેતું નથી. જે કન્વેયર બેલ્ટ પર આપણે પસાર થતાં રહીએ છીએ તે સાક્ષાત્ કાળનો કન્વેયર બેલ્ટ છે. ઉપદેશકો પોતાને અસામાન્ય ગણાવીને લોકોનો અહોભાવ મફતમાં ઉઘરાવતા રહે છે. આપણા જેવા અસંખ્ય સામાન્ય માણસોનું તો પાપ પણ સામાન્ય! ઉપદેશકોનું પાપ પણ અસામાન્ય! એનું પતન પણ અતિ વિકરાળ! રુગ્ણ સમાજમાં અસત્યનું માર્કેટિંગ ધર્મની છાયામાં થતું રહે છે. ગણપતિચોથ ઘોંઘાટચોથ બની રહે છે. ગોકુળઅષ્ટમી જુગારઅષ્ટમી બની રહે છે. ગણપતિબાપાની મૂર્તિઓ તો માટીની જ સારી! પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ જળાશયમાં પધરાવવી એ ભયંકર ગુનો છે. પર્યાવરણની સુરક્ષા વિના ધર્મની સુરક્ષા નહિ થાય. અવાજનું પ્રદૂષણ ઓછામાં ઓછું કરનારો ધર્મ ખ્રિસ્તી ધર્મ છે. મુસલમાનો પણ મસ્જિદ પર મૂકેલા લાઉડસ્પીકર પરથી પ્રદૂષણ વધારતા રહે છે. આ બન્ને કોમ વચ્ચેના વૈમનસ્યનું રહસ્ય જાણવું છે? એ જ કે તમારી જડતા કરતાં અમારી જડતા અધિક પવિત્ર છે. લાઉડસ્પીકર એક રોગનું નામ છે. ધર્મને અમથા ઘોંઘાટથી અને નાદાન ધર્મગુરુઓથી બચાવી લેવાનો છે. થોડાક પ્રાણવાન શબ્દો સાંભળોઃ
ધર્મ? એ વળી કઈ બલાનું નામ છે?
હું તો માત્ર જીવનને જાણું છું.
જીવન એટલે ખેતર કે દ્રાક્ષવાટિકા.
મંદિર તમારી ભીતર છે.
તમે જ છો એ મંદિરના પૂજારી!
તમને ખલિલ જિબ્રાનના આ શબ્દો ગમી ગયા? એ શબ્દો ‘ધિસ મેન ફ્રોમ લેબેનોન’ પુસ્તકમાં વાંચવા મળ્યા.
ગાંધીયુગમાં મતભેદનું માધુર્ય
દાંડીકૂચ શરૂ થવાની તૈયારી હતી ત્યારે એક એવી ઘટના બની, જે બહુ જાણીતી નથી. સંત કેદારનાથજીએ એ ઘટનાની નોંધ પોતાની આત્મકથા ‘જીવનનાં કેટલાંક સંસ્મરણો’માં લીધી છે. તેઓ લખે છેઃ ‘દાંડીકૂચ શરૂ થવાની હતી. કૂચ કરનાર ટુકડી સવારે તૈયાર થઈ ગઈ. અફાટ જનસમુદાય તે સમયે ત્યાં ભેગો થયો હતો. કૂચના પ્રારંભની છેલ્લી ઘડીએ આશ્રમમાં રહેતા એક ગરીબ કુટુંબની માંદી દીકરીની મુલાકાતે તેઓ (ગાંધીજી) ગયા જ! તે કુટુંબના રહેઠાણની જગ્યાની પાછળથી તેઓ ક્યારે પસાર થઈ ગયા, તે કોઈની જાણમાં પણ આવ્યું નહિ હોય. તે ગરીબની દીકરી, તેની માંદગી વગેરેની આવી રાષ્ટ્રવ્યાપી લડત વખતે શી કિંમત? કોણ તેની નોંધ લઈ શકે? આવો એક મહાપુરુષ જીવનના ઉચ્ચ આદર્શોની સાધનો કરતો કરતો અમારી સામેથી નીકળી ગયો.’
ગાંધીજી અને કેદારનાથજી વચ્ચે વ્યાયામની બાબતે મતભેદ હતો. ગાંધીજીને વ્યાયામ પ્રત્યે અણગમો હતો અને કેદારનાથજી નિયમિત વ્યાયામ કરવામાં માનતા હતા. ગાંધીજી માનતા કે વ્યાયામ કરવાથી માણસ ગુંડો થાય. કેદારનાથજીએ કહ્યુુંઃ ‘શું હું તમને ગુંડો લાગું છું? ગાંધીજી માની ગયા અને કોંગ્રેસ અધિવેશનમાં વ્યાયામની જરૂર પર ઠરાવ પણ પસાર કરાવ્યો હતો. આવો હતો બે સંતો વચ્ચેનો મધુર મતભેદ!
મતભેદ પણ મધુર હોઈ શકે? લોકતંત્રનું કાળજું મતભેદ છે. જ્હોન સ્ટુઅર્ટ મિલ કહે છેઃ ‘સમગ્ર માનવજાતને જુદો મત ધરાવનાર એક માણસના અવાજને દબાવી દેવાનો અધિકાર નથી.’ આ વિધાનનું સૌંદર્ય ગાંધીયુગમાં આબાદ પ્રગટ થયું. સુભાષચંદ્ર બોઝ અને ગાંધીજી વચ્ચે ઓછા મતભેદો નહોતા. ગાંધીજીની અહિંસામાં સુભાષબાબુને શ્રદ્ધા નહોતી. બન્ને મહાનુભાવો વચ્ચેનો પત્રવ્યવહાર વાંચીએ તો સમજાય કે મતભેદ પણ કેવો મધુર હોઈ શકે! ચોથી ઓગસ્ટ, 1944ને દિવસે રંગૂન રેડિયો પરથી સુભાષબાબુએ જે ઐતિહાસિક પ્રવચન કર્યું તેને અંતે ગાંધીજીને રાષ્ટ્રપિતા ગણાવ્યા અને કહ્યુંઃ
ભારતદેશના હે પિતા!
દેશની મુક્તિના આ પવિત્ર યુદ્ધમાં
અમે આપની શુભાશિષો અને શુભેચ્છાઓ પ્રાર્થી છીએ – જય હિંદ!
1915માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા. ભારતમાં એમને મળેલા સૌપ્રથમ પ્રશંસક અને ટેકેદાર સજ્જન આચાર્ય કૃપલાની ગણાય. સ્વતંત્રપણે વિચારવાની ખુમારી અને રોકડું સત્ય પરખાવવાની તૈયારીમાં એમને કોઈ ન પહોંચે. દેશના ભાગલા થયા તે અંગે પંડિત નેહરુ અને સરદાર પટેલ વચ્ચે સંપૂર્ણ સહમતી હતી. તે વેળાના કોંગ્રેસ પ્રમુખ આચાર્ય કૃપલાનીએ ગાંધીજી સાથેના મતભેદને પ્રગટ કરીને કહ્યુંઃ ‘બ્રિટિશરો સામેની લડતમાં ગાંધીજીએ કર્યું હતું તેમ, અહિંસા દ્વારા કોમી તોફાનોનો મુકાબલો કરવાનો રસ્તો તેઓ બતાવી શક્યા નથી… ગાંધીજીએ પોતે જ કહ્યું છે હું અંધારામાં ફંફોસી રહ્યો છું અને નોઆખલી તથા બિહારમાંના મારા કામ દ્વારા સમગ્ર હિન્દને માટે હિન્દુ-મુસ્લિમનો સવાલ હું ઉકેલી રહ્યો છું. એમ તેમણે કહ્યું હોવા છતાં સામુદાયિક પાયા પર એ કાર્યકૃતિ કેવી રીતે અજમાવી શકાય, એ હું સમજી શક્યો નથી. એટલા માટે જ હું ગાંધીજીને પડખે ઊભો નથી અને હિન્દના ભાગલાની બાબતે હું સંમત થયો છું.’ (‘પૂર્ણાહુતિ-3, પ્યારેલાલ’). (ક્રમશઃ)